Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ત્રણ વર્ષથી નાનાં બાળકોના દાંતની કાળજી રાખવી જરૂરી છે

ત્રણ વર્ષથી નાનાં બાળકોના દાંતની કાળજી રાખવી જરૂરી છે

Published : 14 August, 2026 05:40 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાનાં બાળકોમાં દાંત આવતાં પહેલાંથી જ તેની કાળજી રાખવી જરૂરી છે. નિયમિત બ્રશિંગ, ચોકલેટ-જંક ફૂડ પર નિયંત્રણ અને સમયસર ડેન્ટિસ્ટની સલાહથી દાંતમાં સડો અને અન્ય સમસ્યાઓથી બચાવી શકાય છે.

ડૉ. રાજેશ કામદાર

ડૉ. રાજેશ કામદાર


નાનાં બાળકોને પેઇનમાં જોવાં ખૂબ જ અઘરાં છે. એમાં પણ જો એ દાંતનો દુખાવો હોય તો એ પેઇન અને અસ્વસ્થતા બાળક માટે ઘણી વાર ખૂબ જ અઘરી પરિસ્થિતિ ઊભી કરી દે છે. શરીરના નાનામાં નાના ભાગનું પોતાનું એક મહત્ત્વ હોય છે અને ઘણી વાર અંગ નાનું હોવાને કારણે આપણે એની અવગણના કરી દેતા હોઈએ છીએ. આજે પણ ઘણાં 
મમ્મી-પપ્પા એવાં છે જેઓ બાળકોને દરરોજ બરાબર બ્રશ પણ નથી કરાવતાં. બાળકો કંઈ પણ ગળ્યું ખાય, દિવસની ૧૦-૧૨ ચૉકલેટ ખાય જાય, જન્ક-ફૂડનો અતિરેક કરે, કોલ્ડ ડ્રિન્ક પણ પીધા કરે તો પણ તેમને રોકતાં નથી. તેઓ રોકે તો બાળકો રોકાતાં નથી જેને કારણે બાળકો જેમને હજી પૂરા પાકા દાંત આવ્યા પણ નથી હોતા તેમના દાંતમાં સડો થઈ જાય છે અને એ સડો એટલો ફેલાયેલો હોય છે કે દાંત જ કાઢવી નાખવો પડે છે. 
ખાસ કરીને નવજાત બાળકથી લઈને ૩ વર્ષની ઉંમર સુધીનાં બાળકોમાં દાંતની કાળજી મમ્મી-પપ્પા રાખતાં નથી હોતાં. એનું એકમાત્ર કારણ એ છે કે બાળક નાનું હોય ત્યારે તેને દાંતની કોઈ તકલીફ થઈ શકે છે એવું કોઈ સ્વીકારવા તૈયાર નથી હોતું. હકીકત એ છે કે ૩ વર્ષ સુધીનાં નાનાં બાળકોમાં પણ દાંતની કાળજી અનિવાર્ય છે. આ વર્ષોમાં જ તેના જીવનના પહેલા દાંત આવવાનું શરૂ થાય છે. એ શરૂઆત ઘણી કાળજી માગી લે છે. 
બાળકની ચૉકલેટ અને ગળ્યા પદાર્થો, જન્ક-ફૂડ ખાવાની આદત પર રોક લગાવવી પણ અત્યંત જરૂરી છે. આ પદાર્થો દાંતમાં સડા માટે જવાબદાર છે. તમારાં ૩ વર્ષથી નીચેનાં બાળકોને એક શિસ્તમાં ઢાળો એ તેના માટે ખૂબ સારું છે. બાળકોને ચૉકલેટ ન જ ખાવા દેવી એ શક્ય નથી હોતું, પરંતુ આપણે ઉપાય કરીને તેને શિસ્તમાં ઢાળીને ચૉકલેટનું દાંત સાથેનું એક્સપોઝર ઓછું કરી શકીએ. 
બાળકને રાત્રે બ્રશ કરવાની આદત કેળવો. આ આદત ત્યારે જ કેળવાશે જ્યારે તે જોશે કે તેનાં મમ્મી-પપ્પા પણ રાત્રે બ્રશ કરે છે. રાત્રે બ્રશ કરવું અત્યંત મહત્ત્વનું છે, કારણ કે દિવસભરનો ખાધેલો ખોરાક જે દાંતમાં ફસાઈ ગયો છે એ રાત્રે જ નીકળી જાય તો સડો થવાની બીક ઓછી રહે છે. જે બાળકોના દાંત આવવા લાગે તેમના દાંત પણ બરાબર આવી રહ્યા છે કે નહીં, તેને કોઈ ખાસ કૅલ્શિયમ કે આર્યન જેવાં સપ્લિમેન્ટ્સની જરૂર છે કે નહીં એ માટે એક વાર બાળકને બે-ચાર દાંત આવી જાય પછી એક વખત ડૉક્ટરને મળવું અત્યંત જરૂરી છે. તમારા પરિવારમાં જિનેટિકલી પણ દાંતની કોઈ સમસ્યા હોય તો પણ એ બાબતે ડૉક્ટરને જાણ કરીને સૉલ્યુશન મેળવી શકાય છે. આ ઉપરાંત બાળક માટે ધ્યાનથી બ્રશની પસંદગી કરવી, કારણ કે જો મોટું બ્રશ હશે તો જડબાના છેક છેલ્લેના દાંત સુધી નહીં પહોંચે.


Whatsapp-channel Whatsapp-channel

14 August, 2026 05:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK