બાળકના પોષણ માટે બજારના કેમિકલયુક્ત પદાર્થો પર આધાર રાખવા કરતાં કુદરત પર આધાર રાખવો વધુ યોગ્ય છે. કારણ કે કુદરતી પદાર્થો બાળકનું શરીર તરત જ સ્વીકારે છે અને એમાંથી તેમને જે પોષણ મળે છે એ બીજું કોઈ નુકસાન નથી કરતું.
રમત કરતાં બડકો
મારા ૮ વર્ષના દીકરાએ હાલમાં બાસ્કેટબૉલ રમવાનું શરૂ કર્યું છે. દરરોજ તેની ૧ કલાક આકરી ટ્રેઇનિંગ ચાલુ થઈ ગઈ છે. પહેલાં પણ તે સોસાયટીમાં બાળકો સાથે ૨-૩ કલાક રમતો. તેના કોચ કહે છે કે તેના સ્નાયુઓ નબળા છે. બધા સ્પોર્ટ્સમેન પ્રોટીન સપ્લિમેન્ટ લેતા જ હોય છે. હું તેના દરેક ખોરાકમાં થોડું પ્રોટીન જાય એનું ધ્યાન પહેલેથી જ રાખતી હતી, તો શું મારે પ્રોટીન સપ્લિમેન્ટ આપવું જોઈએ? રમતાં પહેલાં અને રમ્યા પછી તેને શું આપી શકાય? કયું એનર્જી ડ્રિન્ક વધુ સારું?
દીકરાના સ્નાયુ નબળા છે એમ જો તેના કોચને લાગતું હોય તો પ્રોટીનની જરૂર રહે એ સહજ છે, પરંતુ સપ્લિમેન્ટની જરૂર નથી. જેમની ફિઝિકલ ઍક્ટિવિટી ખૂબ વધારે હોય તેને શરીરની સ્ટ્રેંગ્થ અને એન્ડ્યોરન્સ એટલે કે સહનશક્તિ વધારે એવા ખોરાકની જરૂર પડે છે નહીં કે ફક્ત સ્નાયુઓનું ઘડતર થાય એવા ખોરાકની જ. માઇક્રોન્યુટ્રિયન્ટ્સથી ભરપૂર ખોરાકની સાથેે પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન્સ અને મિનરલ્સના બૅલૅન્સયુક્ત ખોરાક જરૂરી છે. ઘણા લોકો સમજતા હોય છે કે આવાં બાળકોને પ્રોટીન જ આપવું. એટલે પ્રોટીનનો તેમના ડાયટમાં અતિરેક કરી નાખતા હોય છે. તો ઘણા ફૅટ્સની જરૂર છે માનીને વધુ પડતા ઘીનો ખોરાક ખવડાવે છે. દરેક વસ્તુ પ્રમાણમાં જરૂરી છે. બાળપણમાં પ્રોટીન અને સારી કક્ષાની ફૅટ્સ બન્નેની જરૂર રહે જ છે, પરંતુ અતિરેક યોગ્ય નથી. ઘણા પેરન્ટ્સ બાળકોના ખોરાક માટે કે તેને તાત્કાલિક એનર્જી આપવા માટે કે બાળકને પોષણ મળી રહે એ માટે બજારમાં મળતાં એનર્જી ડ્રિન્ક્સ, ગ્લુકોઝના ટોનિક્સ, પ્રોટીન સપ્લિમેન્ટ્સ કે મલ્ટિ વિટામિન્સ આપતા હોય છે. બાળકના પોષણ માટે બજારના કેમિકલયુક્ત પદાર્થો પર આધાર રાખવા કરતાં કુદરત પર આધાર રાખવો વધુ યોગ્ય છે. કારણ કે કુદરતી પદાર્થો બાળકનું શરીર તરત જ સ્વીકારે છે અને એમાંથી તેમને જે પોષણ મળે છે એ બીજું કોઈ નુકસાન નથી કરતું. એનર્જી ડ્રિન્કને બદલે તમે નારિયેળપાણી, કોકમ શરબત, લીંબુ શરબત, ફ્રૂટ જૂસ કે છાશ આપી શકો છો. મલ્ટિ વિટામિન્સની જગ્યાએ ડ્રાયફ્રૂટ્સ, ફળો અને શાકભાજી લઈ શકે છે અને પ્રોટીન સપ્લિમેન્ટ્સની જગ્યાએ દૂધ, કઠોળ, દાળ કે નટ્સ લઈ શકે છે.


