કૅન્સરે એક ડૉક્ટર તરીકે અમને ઘણું શીખવ્યું છે અને કૅન્સર સાથેનું જીવન અને એની સામેની લડાઈ દરદીને પણ ઘણું શીખવી જાય છે.
પ્રતીકાત્મક તસવીર
કૅન્સરનો ઇલાજ દિવસે ને દિવસે વધુ ને વધુ ઍડ્વાન્સ બનતો જાય છે. એક સમય હતો જ્યારે ત્રીજા-ચોથા સ્ટેજ પર પહોંચી ગયેલું કૅન્સર કાબૂમાં લાવવું મુશ્કેલ હતું અને દરદી પાસે જીવવાનો સમય ખાસ બચતો નહોતો. પરંતુ હવે એવું નથી. કૅન્સરમાં આજની તારીખે ત્રીજા-ચોથા સ્ટેજવાળા દરદીઓ પણ બચી જાય છે કારણ કે જે પ્રકારનો ઇલાજ છે એમાં ડૉક્ટર્સનો મુખ્ય હેતુ દરદીને જિવાડવાનો અને એક સારી ક્વૉલિટી લાઇફ આપી શકવાનો છે. શું એનો અર્થ એ છે કે એકદમ ઍડ્વાન્સ સ્ટેજ પર આવીને દરદી કૅન્સરમુક્ત થઈ શકે છે? અમુક કૅન્સરમાં કહી શકાય હા, પણ મોટા ભાગના કૅન્સરમાં ઍડ્વાન્સ સ્ટેજ પર પહોંચી ગયા પછી સંપૂર્ણ મુક્તિ અઘરી છે. પરંતુ શું એ કૅન્સર સાથે એક સારી જિંદગી જીવી શકે છે તો આ પ્રશ્નનો જવાબ અમે ‘હા’ માં આપી શકીએ છીએ. કૅન્સરે એક ડૉક્ટર તરીકે અમને ઘણું શીખવ્યું છે અને કૅન્સર સાથેનું જીવન અને એની સામેની લડાઈ દરદીને પણ ઘણું શીખવી જાય છે.
મારી એક દરદીને ચોથા સ્ટેજનું બ્રેસ્ટ-કૅન્સર હતું. હૉર્મોન ટ્યુમર હોવાને કારણે તેમને કીમો કે રેડિયેશન આપવાની જરૂર નહોતી. તેમની સર્જરી થઈ શકે એમ નહોતી. દરરોજ અમુક ગોળીઓ લઈને અમે તેમના કૅન્સરને કાબૂમાં કરી શકવા સમર્થ રહ્યા હતા. કૅન્સર સામેના જંગ વિશે તેમણે મને એક વાર કહ્યું હતું કે કૅન્સરને કારણે જીવનની દરેક ક્ષણને જીવતાં તેઓ શીખી ગયાં હતાં. જ્યારે તેઓ પોતાનાં બાળકોને હોમવર્ક કરાવી શકતાં કે એક ટંકનું જમવાનું બનાવી શકતાં, ફક્ત આટલી નાની બાબત પણ તેમને ખુશ કરી દેતી હતી. જ્યારે નિદાન થયું ત્યારે તેઓ એકદમ નિરાશ થઈ ગયાં હતાં, પરંતુ કૅન્સર સાથેની લડાઈમાં તેઓ જીવનની એક-એક ક્ષણનું મહત્ત્વ સમજ્યાં. નાનામાં નાની બાબતને તેઓ વરદાન સમજીને ખુશીથી સ્વીકારતા થયા અને એને સંપૂર્ણ રીતે જીવતાં થયાં.
ADVERTISEMENT
ક્યારેક એવું લાગે છે કે કૅન્સર લોકોને ઘણું શીખવી જાય છે. એક ડૉક્ટરનું જીવન તેમના દરદીથી ખાસ અલગ હોતું નથી. તેમની સાથે જીવન જીવવાની આ કળા અમે પણ શીખી જઈએ છીએ. એક મેડિકલ પ્રોફેશનલ તરીકે મને એ વાતની ખુશી છે કે સાયન્સ ત્યાં સુધી પહોંચ્યું છે કે અમે અમારા દરદીને તેમના જીવનની નાનકડી ખુશીઓથી દૂર રાખતા નથી. તેમને એ પૂરી રીતે માણવા દઈએ છીએ. કૅન્સર જો તમારી પાસેથી જીવનનાં અમુક વર્ષો છીનવી રહ્યું છે તો સામે એનો ઇલાજ તમને બચેલું જીવન કેવી રીતે જીવવું એ પણ શીખવી રહ્યો છે.
- ડૉ. જેહાન ધાભર

