સેવ-ખમણીની શોધ જો ક્યાંય થઈ હોય તો એ નવસારી છે. નવસારીમાં ખાસ ખમણી બનાવવામાં આવી અને એ પછી આ ડિશ પૉપ્યુલર થઈ
સંજય ગોરડીયા
આર્ટિકલના હેડિંગમાં કહ્યું એમ સેવ-ખમણીનું નામ પડે એટલે સીધું સુરત જ યાદ આવી જાય, પણ એ ખોટું છે. ખમણના કારણે સુરત યાદ આવે એ બરાબર, પણ સેવ-ખમણીનું જનક સુરતની બાજુમાં આવેલું નવસારી છે. આમ તો હવે સુરત અને નવસારી એક જ ગણાય છે, પણ એક સમય હતો જ્યારે નવસારી સુરતવાળાઓ માટે પણ ‘બહારગામ’ હતું. બન્યું એમાં એવું કે હમણાં અમારા નાટકનો શો નવસારીમાં હતો. અમારા ઑર્ગેનાઇઝર વસીમ જરીવાલા સાથે હું નવસારી જતો હતો ત્યારે અમારી ગાડી મોટા બજારમાં પહોંચી અને એક જગ્યા દેખાડીને મને વસીમે કહ્યું કે સંજયભાઈ, આ જે દુકાન છે એની સેવ-ખમણી વર્લ્ડ ફેમસ છે, હું નવસારી આવું ત્યારે અહીં અચૂક સેવ-ખમણી ખાઉં. મેં તરત જ તેને કહ્યું કે ભાઈ તો-તો આ આઇટમની આપણે ફૂડ-ડ્રાઇવ કરવી પડે, ઊભી રાખ ગાડી.



