આજે ટ્રાય કરો બોરીવલીની સેવપૂરી ટોસ્ટ

સેવપૂરી ટોસ્ટ
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
મુંબઈની ગલીઓમાં ડગલે ને પગલે પાણીપૂરી અને ચાટના સ્ટૉલ છે. આ ગલીને નાકે અસંખ્ય રાજુ સેન્ડવીચ સ્ટૉલ પણ તમે જોયા જ હશે. શહેરના દરેક ખૂણે ચાટ અને સેન્ડવીચના લોકોએ પોતાના કૉમ્બિનેશન બનાવ્યા છે, જે કદાચ જ તે ચોક્કસ વિસ્તારની બહાર નિકળ્યા હશે. આવું જ એક યુનિક કૉમ્બિનેશન સેવપૂરી અને ટોસ્ટ સેન્ડવીચનું છે - સેવપૂરી ટોસ્ટ.
ઈન્ટરનેટ પર તમે સેવપૂરી ટોસ્ટ સર્ચ કરશો તો મુંબઈમાં તમને આ આઈટમ ક્યાં મળે છે એ ઓછું અને તેની રેસિપી વધારે મળશે. તો ચાલો આજે એક સ્વાદસભર એડવેન્ચર કરીએ અને આ આઈટમનો સ્વાદ માણીએ. બોરીવલી વેસ્ટમાં રાજેન્દ્રનગર ફ્લાયઓવરથી કાંદિવલી તરફ જતાં કલ્યાણ જ્વેલર્સ વાળી સાંકળી ગલીમાં અંદર છે આપણું ડેસ્ટિનેશન. ગલીમાં આ એક જ સ્ટૉલ છે, પણ કોઈ નામ નથી, છતા આજુબાજુ રહેતા લોકો માટે સાંજે નાસ્તો કરવા માટે મોસ્ટ ફેવરેટ સ્પોટ છે. અહીં સેન્ડવીચ-સેવપૂરી બંને મળે છે અને સાથે જ સેવપૂરી ટોસ્ટ પણ.
નામ જેટલું રસપ્રદ છે એટલી જ તેને બનતા જોવાની પ્રક્રિયા પણ આકર્ષક છે. જો તમે ફૂડી છો તો આ આઈટમ બનતી જોઈને તમારા મોઢામાં પાણી આવી જશે. બ્રેડની બે સ્લાઈસ પર પહેલાં સેન્ડવીચ બનતી હોય તેમ બટર અને ચટણી લગાવવામાં આવે. પછી એક સ્લાઈસ પર સેવપૂરીની ક્રિસ્પી પૂરી મૂકી તેના ઉપર ટોસ્ટ સેન્ડવીચનો માવો, ઝીણાં સમારેલા ડુંગળી અને ટામેટાં પડે. પછી તીખી-મીઠી-લસણની એમ ત્રણેય ચટણીઓ રેડાય અને છેલ્લે સેવ અને મસાલા દાળ. હવે આ પકવાન તમારા સુધી પહોંચે તે પહેલાં ટોસ્ટરમાં જાય અને બ્રેડ સહેજ બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી શેકાય. છેલ્લે તેના ચાર પીસીસ કરી ઉપર સેવ સાથે ગાર્નિશ કરી તમારી સમક્ષ હાજર.
સાંભળવામાં કે વાંચવામાં કદાચ જો આ વાનગી તમને અજુગતી લાગે તો પણ એકવાર તો તમારે આ વાનગીને એકવાર જરૂરથી ટ્રાય કરવી જોઈએ, પછી તમે તે સ્વાદના પ્રેમમાં પડી જશો તે વાત પાક્કી છે.
હવે તમને સવાલ થાય કે આ વાનગીનો આઇડિયા કઈ રીતે આવ્યો હશે તો તેનો જવાબ આપ્યો વર્ષોથી આ સ્ટૉલ ચલાવનારા રામ પ્રસાદ ભાઈએ. તેઓ કહે છે કે “લગભગ 15-17 વર્ષ પહેલાં મારા આ સ્ટૉલની સામે વીડિયો ગેમ પાર્લર હતું. બપોરે અને સાંજે અહીં ઘણા બધા છોકરાઓ આવતા તેમણે જ મારી પાસે પહેલી વાર આ ફ્યૂઝન બનાવડાવ્યું અને ત્યારથી જ મેં પણ આ આઈટમ વેચવાની શરૂ કરી. લોકોને પણ ખૂબ ગમવા લાગ્યું.”
અહીં તમે ઝોમેટો કે સ્વીગી દ્વારા ઑર્ડર કરી શકશો નહીં એટલે ત્યાં જવાની જફા તો તમારે લેવી રહી, પણ કુછ પાને કે લીયે કુછ ખોના પડતાં હૈ દોસ્ત. સાંજે 4 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી અહીં તમે ધામો નાખી શકો છો. તમારા વિસ્તારમાં આ આઈટમ ક્યાં મળે છે તે આપ અમને ઉપરના ઇ-મેઇલ જરૂર જણાવજો. ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.
આ પણ વાંચો: Sunday Snacks: સુરતની રસ ખારી મુંબઈમાં ક્યાં મળે? જવાબ છે અહીંયા