Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > મોટી શીતળા સાતમ માટે આ વાનગીઓ ટ્રાય કરો

મોટી શીતળા સાતમ માટે આ વાનગીઓ ટ્રાય કરો

Published : 16 August, 2024 08:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વખતે તમે કંઈક હટકે ટ્રાય કરવા માગતા હો તો માસ્ટર શેફ નેહા ઠક્કરે શૅર કરી છે કેટલીક રેસિપીઓ

શેફ નેહા ઠક્કર

શેફ નેહા ઠક્કર


સામાન્ય રીતે રાંધણછઠ આવે એટલે મેથીનાં ઢેબરાં, કંકોડાનું શાક, મકાઈ-બાજરીનાં વડાં કે કર્ડ-રાઇસ જેવી ગણીગાંઠી ચાર-પાંચ વાનગીઓ જ યાદ આવે. જોકે આ વખતે તમે કંઈક હટકે ટ્રાય કરવા માગતા હો તો માસ્ટર શેફ નેહા ઠક્કરે શૅર કરી છે કેટલીક રેસિપીઓ. આવતા અઠવાડિયે આવનારી રાંધણછઠમાં શું બનાવવું એની અત્યારથી જ તૈયારી કરી લો.

ઘારેવડાં




સામગ્રી : એક વાટકો ઢોકળાનો લોટ, એક વાટકો ખાટી છાશ, એક ચમચી આદું, લસણ અને મરચાં પેસ્ટ, ચપટી હળદરનો પાઉડર, એક ચમચી મરચાંનો પાઉડર, એક ચમચી ધાણાજીરું, એક ચમચી હિંગ, તળવા માટે તેલ.
બનાવવાની રીત : એક વાટકો ઢોકળાનો લોટ લેવો. એમાં ખાટી છાશ ઉમેરવી. ખીરું ઘટ્ટ જ રાખવાનું છે. એમાં ચપટી હળદર ઉમેરીને મિક્સ કરવું. એને પાંચ-છ કલાક ઢાંકીને રાખો એટલે આથો આવી જશે. બધી સામગ્રી ભેગી કરીને ખીરામાં ઉમેરવી. 
બધું સરખું મિક્સ કરો. ખીરું ઘટ્ટ જ રાખો. 
હવે એને થેપીને અથવા ગોળ બનાવીને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન તળી લેવાં. 
આ ઘારેવડાં છથી સાત દિવસ તમે રાખી શકો છો.

મીઠી ભાખરી


સામગ્રી : એક કપ ઘઉંનો લોટ, ૧/૨ કપ ઘઉંનો કરકરો લોટ, ૧ ચમચો ઘી, ૧ ચમચી તલ, ૧/૨ ચમચી ઇલાયચીનો ભૂકો, ૧/૪ કપ ગોળ, ભાખરી શેકવા ઘી
બનાવવાની રીત : ગોળમાં અડધો કપ પાણી ઉમેરીને ગરમ કરી લો. ગોળ ઓગળે ત્યાં સુધી ગરમ કરવું. હવે પાણીને ગરણીથી ગાળી લો. બન્ને લોટ ભેળવી લો.
હવે લોટમાં ઘી, તલ, ઇલાયચીનો ભૂકો ઉમેરો. ગોળના પાણીથી કડક લોટ બાંધો એકસરખા લૂઆ કરીને ભાખરી વણવી.
લોઢી ગરમ કરવા મૂકી ભાખરીને ઘીથી બન્ને બાજુએ ગોલ્ડન બ્રાઉન શેકી લો. ઠંડી ભાખરી ઘી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. છઠના દિવસે દેશી ચણાનું શાક અથવા બટાટાનું શાક બનાવતા હોય છે. એની સાથે પણ આ ભાખરી ખૂબ જ ટેસ્ટી લાગે છે.

સીઝનલ કંકોડા ફ્રિટર્સ

સામગ્રી : ૧૫૦ ગ્રામ કંકોડા, ૨ ટેબલસ્પૂન કૉર્નફ્લોર, ૧ ટીસ્પૂન મરચાંનો પાઉડર, ૧ ટીસ્પૂન ગરમ મસાલો, ૧/૨ ટીસ્પૂન હળદર, ૧ ટીસ્પૂન લસણની પેસ્ટ, જરૂર મુજબ મીઠું, જરૂર મુજબ પાણી, ૬-૭ નંગ ટૂથપિક, તળવા માટે તેલ
બનાવવાની રીત : પહેલાં કંકોડાને વચ્ચેથી કટ કરી લેવા અને ટૂથપિકમાં પરોવી લેવા. હવે કૉર્નફ્લોર, મરચાંનો પાઉડર, હળદર, ગરમ મસાલો, લસણની પેસ્ટ, મીઠું બધું મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરીને સરખું હલાવી લેવું.
હવે કંકોડાને કાપા પાડેલા છે એમાં વચ્ચે અને બહાર બધે મસાલો ચોંટે એમ તૈયાર કરી લેવા. તેલ ગરમ થાય એટલે એમાં કંકોડાને તળી લેવા . તૈયાર છે કંકોડાનાં ફિલ્ટર્સ. છઠના દિવસે બનાવીને કંકોડાનાં ફીટર્સની સાતમના દિવસે મજા માણવી.

સ્ટફ્ડ ટમેટાં / સ્ટફ્ડ કાકડીનું સૅલડ

સામગ્રી : ચાર મિડિયમ સાઇઝનાં ટમેટાં, બે લીલાં મરચાંની ઝીણી સમારેલી કતરી, પા કપ કોથમીર, પા કપ બારીક છીણેલું કોપરું (લીલું કે સૂકું કંઈ પણ ચાલે), અડધો કપ શેકેલા સિંગદાણાનો ભૂકો, પા ચમચી કાળાં મરીનો પાઉડર, નમક સ્વાદ અનુસાર, પા ચમચી શેકેલા જીરાનો પાઉડર, એક ચમચી બ્રાઉન શુગર અથવા રસાયણ વિનાનો ગોળ, અડધું લીંબુ
બનાવવાની રીત : સૅલડ માટેનાં શાકભાજી હંમેશાં એકદમ તાજાં અને કડક હોય એવાં લેવાં. ટમેટાં મિડિયમ સાઇઝનાં લેવાં. આ વાનગી કાચી ખાવાની હોવાથી ટમેટાં બરાબર ધોઈ લેવાં અને ચોખ્ખા કપડાથી કોરાં કરી લેવાં. પછી એને વચ્ચેથી કાપીને એનો બિયાંવાળો ગર કાઢી લેવો.  બીજા વાસણમાં બારીક છીણેલું કોપરું, સિંગદાણા, કાળાં મરી, જીરાનો પાઉડર, બ્રાઉન શુગર, ધોઈને બારીક સમારેલી કોથમીર, બારીક વાટેલાં મરચાં મિક્સ કરીને સ્વાદ અનુસાર નમક નાખો. પછી ગોળ/શુગર અને લીંબુ નાખીને બરાબર માવા જેવું તૈયાર કરો આ માવો ટમેટાંનાં ફાડિયાંમાં ભરી લો અને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો. 
નોંધ : આ વાનગી કાચી જ સૅલડ તરીકે ખાવાની હોવાથી જ્યારે જમવાનું હોય ત્યારે છેલ્લે જ બનાવવી. નહીંતર થોડીક વાર રાખી મૂકવાથી એમાંથી પાણી છૂટશે તો અંદરનો માવો ઢીલો પડી જશે. 

Whatsapp-channel Whatsapp-channel

16 August, 2024 08:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK