માણેક ચોક જેવી જ દેખાતી આ સરાફા બજાર હવે તો ઇન્દોરની ટૂરિસ્ટ સ્પૉટ બની ગઈ છે
સંજય ગોરડિયા
હમણાં અમારા નાટકનો શો ઇન્દોરમાં હતો. પ્રોગ્રામ અમારો એવો બન્યો હતો કે રાતે સાડાદસ વાગ્યે શો પૂરો થાય એટલે અમારે ઇન્દોરથી રતલામ જવાનું હતું, જ્યાંથી અમારી વહેલી સવારે સાડાચાર વાગ્યાની ટ્રેન હતી. ઇન્દોરથી રતલામ જતાં તમને અઢી કલાક થાય. એક સમયે તો ચારથી પાંચ કલાક થઈ જતા, કારણ કે રસ્તાઓ બહુ ખરાબ હતા પણ હવે તો બહુ સરસ રસ્તા થઈ ગયા છે એટલે અઢી કલાકમાં તમે રતલામ પહોંચી જાઓ. અમે કંઈ અમારો પ્રોગ્રામ બનાવીએ એ પહેલાં જ અમારા શોના ઑર્ગેનાઇઝરે અમને સજેસ્ટ કર્યું કે રાતે શો પૂરો કર્યા પછી હોટેલમાં જમવા જવાને બદલે અમે તમને સરાફા બજાર લઈ જઈએ જ્યાં તમને ઘણી નવી વરાઇટી ટેસ્ટ કરવા મળશે.
બંદાની અંદરનો બકાસુર જાગ્યો અને આખી ટીમ પણ તૈયાર થઈ ગઈ. અમે તરત હા પાડી એટલે રાતે શો પૂરો થયા પછી અમે તો ઊપડ્યા સરાફા બજાર. સરાફા બજારથી થોડે દૂર પહેલાં અમારી બસ પાર્ક કરી દેવામાં આવી. અહીંથી અમારે ચાલતાં ચાલતાં સરાફા બજાર જવાનું હતું. આ જે સરાફા બજાર છે એ જૂના ઇન્દોરમાં આવેલી છે, ત્યાં ઊભા રહેવાની પણ જગ્યા નથી હોતી એટલે વાહનની તો વાત જ ન થાય.
ADVERTISEMENT
આ જે સરાફા બજાર છે એને તમે અમદાવાદના માણેક ચોક કે પછી મુંબઈની ગુલાલવાડી સાથે સરખાવી શકો. ખાવા-પીવાની અલગ-અલગ આઇટમોની ખૂબ બધી દુકાનો હોય. અમદાવાદનો જે માણેક ચોક છે એ દિવસ દરમ્યાન સોના-ચાંદીની બજાર છે. એવું જ સરાફા બજારનું છે. સરાફા એટલે ઇન્દોરની સોની બજાર. આપણને એમ થાય કે ક્યાં જ્વેલરી શૉપ અને ક્યાં ખાણીપીણીની દુકાનો, તો તમને કહી દઉં કે આ બધી દુકાનો સાંજે સાત-આઠ વાગ્યે બંધ થાય પછી ખાણીપીણીના વેપારી આવે અને ત્યાં પોતાની દુકાન લગાડે, જેની સામે ઝવેરીઓને વાંધો પણ ન લાગે; કારણ કે એ બધાની દુકાનોને કારણે એમની સોના-ચાંદીની દુકાનને આપોઆપ સિક્યૉરિટી મળી જાય.
અમદાવાદના માણેક ચોકમાં તમને ચાટ આઇટમ, પાણીપૂરી અને નૉર્થની અલગ અલગ આઇટમો પણ મળે, પણ સરાફા બજારમાં તમને માત્રને માત્ર નૉર્થ ઇન્ડિયાની અવનવી વસ્તુઓ જ મળે. ઇન્દોરની આ સરાફા બજાર હવે ટૂરિસ્ટ સ્પૉટ પણ બની ગઈ છે અને અમે ગયા એ દિવસે રવિવાર હતો એટલે ત્યાં ગિરદી ધારણા કરતાં પણ ડબલ હતી પણ તમને મારી તો ખબર છે, ખાવા માટે તો કોઈ પણ પ્રકારની ગિરદીમાં પિસાવાનું હોય તો પણ આપણે તો તૈયાર હોઈએ. ગિરદીમાં ઘૂસી-ઘૂસીને આપણે આગળ વધતા રહ્યા અને સરાફા બજારની અંદર પહોંચી ગયા.
અમારા ઇન્દોરના શોના જે ઑર્ગેનાઇઝર હતા એમને કઈ જગ્યાએ કઈ સારી વસ્તુ મળે એની ખબર એટલે એ તો અમને લઈ ગયા સૌથી પહેલાં ત્યાં. અમારો પહેલો મુકામ હતો શ્રી ઓમ શીખવાલ ચાટ સેન્ટર પર. ત્યાં અમારે પાણીપૂરી ખાવાની હતી. અમે તો લાઇનમાં ઊભા રહી ગયા. જેવો અમારો નંબર આવ્યો કે અમે તો લીધી પાણીપૂરીની એક પ્લેટ. એક એટલા માટે કે હું બીજી વરાઇટી તમારા માટે ખાઈ શકું.
એ પાણીપૂરી આપણા મુંબઈ જેવી જ હતી. ફરક એ કે એની પૂરી થોડી મોટી અને પાણી જરાક તીખું પણ પૂરીમાં બુંદી અને ચણાનું પૂરણ હતું. રગડાની ત્યાં સિસ્ટમ નથી. ગરમ રગડો અને ચિલ્ડ પાણીનો કન્સેપ્ટ મુંબઈમાં પૉપ્યુલર છે, જેની મને ખુશી છે. એ પછી અમે ઑર્ડર કર્યો શાહી દહીબડાનો. મિત્રો, નૉર્થ ઇન્ડિયા કે મધ્ય પ્રદેશમાં ‘વ’નો ઉચ્ચારણ ‘બ’ થાય છે. ફરી આવીએ આપણે શાહી દહીબડા પર. આ જે દહીબડા હતાં એનું દહીં એકદમ મીઠું, ઠંડું અને જાડું હતું અને જે વડાં હતાં એ એકદમ સૉફ્ટ હતાં. દહીબડા ઉપર તીખી-મીઠી અને એની ઉપર જીરુંનો પાઉડર તથા મિર્ચી પાઉડર હતો.
આહાહાહા, મજા મજા પડી ગઈ સાહેબ. આમ વડું મોઢામાં મૂકો કે એ ઓગળી જાય. સમજ્યા!
એ જ જગ્યાએ એક નવી વરાઇટી હતી, દહી પતાશે. આ દહી પતાશેમાં જે પતાશા છે એ પાણીપૂરીની પૂરી છે. હા, પાણીપૂરીની પૂરીને એ લોકો પતાશા કહે છે. દહી પતાશે આપણી મુંબઈની દહીપૂરી હોય એ જ પ્રકારની હોય. પૂરીમાં બટાટા અને ચણા અને એવું બધું નાખે અને ઉપરથી દહીં અને ચટણી નાખે. લાગે આપણી દહીંપૂરી જેવી જ પણ મજા આવી એ તો મારે કહેવું જ રહ્યું. મિત્રો, ફૂડને સ્થાનિક પાણી સાથે સીધો સંબંધ છે. આ જ કારણ હોતું હશે કે રાજકોટ જેવા પેંડા આપણે ત્યાં બનતા નથી અને આપણા જેવો આઇસ હલવો રાજકોટવાળા ઊંધા પડી જાય તો પણ બનાવી નથી શકતા.
સરાફા બજારમાં અમારી લટાર તો થોડી લાંબી હતી અને એટલે જ એ ટૂરને આપણે આવતા ગુરુવારે પણ કન્ટિન્યુ કરીશું. મળીએ નવી વરાઇટી સાથે, આવતા ગુરુવારે.
અહીં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે.


