હા, વડોદરાના રાજુના પટ્ટી સમોસામાં એક પણ જાતની ચટણી આપવામાં નથી આવતી અને એની જરૂર પણ નથી પડતી. એ આસાનીથી લુખ્ખા ખાઈ શકાય અને ગળે અટકે પણ નહીં
રાજુના પટ્ટી સમોસા ટ્રાય કર્યા કે નહીં?
હમણાં મારે પાંચ દિવસ નાટકના શો માટે બરોડા રહેવાનું થયું. ગુજરાતની ટૂર ચાલુ હતી અને બરોડાથી મારે જવાનું હતું સુરત. ફૂડ-ડ્રાઇવ માટે બે-ત્રણ જગ્યાએ ફરી લીધા પછી પણ તમારી સામે આઇટમ લાવવાનું મન થાય એવું કશું મળ્યું નહીં એટલે મેં વિચાર્યું કે સુરતમાં કશું શોધીશ. પણ ત્યાં થયો ચમત્કાર.
પાંચમા દિવસની સાંજે અમે મસ્તમજાનું મહાકાળીનું સેવ-ઉસળ ખાઈ લીધું અને ત્યાં મને મારા એક ચાહક મળ્યા. તેમણે મને કહ્યું કે તમે વડોદરા આવ્યા છો તો રાજુના પટ્ટી સમોસા ટ્રાય કર્યા કે નહીં? મારાં નેણ આજ્ઞાચક્ર પાસે એકત્રિત થયાં.
ADVERTISEMENT
સમોસા તો સાંભળ્યા હોય, પણ પટ્ટી સમોસા?
હા મિત્રો, પટ્ટી સમોસા. થોડી વાતો સાંભળી અને મને થયું કે જવું પડે રાજુભાઈને ત્યાં. એટલે હું તો પહોંચ્યો સુરસાગર તળાવની બાજુમાં આવેલા રાજુભાઈને ત્યાં પટ્ટી સમોસા ખાવા. વાત આગળ વધારતાં પહેલાં કહી દઉં કે વડોદરામાં રાજુ પટ્ટી સમોસાના નામે આઠ-દસ દુકાનો છે, પણ સુરસાગર તળાવ પાસે જે રાજુ પટ્ટી સમોસા છે એ ઓરિજિનલ.
નાનકડી દુકાન, પણ ઘરાકી જુઓ એટલે તમારી અક્કલ કામ ન કરે. હું સમજી ગયો કે ભાઈ, કંઈક તો દમ છે આ સમોસામાં. આ સમોસાની ખાસિયત કહું. તમને એમાં સમોસા સાથે બીજું કશું આપે નહીં. હા, તળેલાં મરચાં આપે, પણ ચટણી-બટણી જેવું કંઈ નહીં. તમને થાય કે આવી તે કેવી રીતે સમોસા ગળે ઊતરે? તો કહી દઉં કે આસાનીથી ગળે ઊતરે અને અન્નનળીમાં ક્યાંય અટક્યા વિના સીધા પેટમાં પહોંચે. સમોસાની ક્રન્ચીનેસ જ એવી કે તમને એવું લાગે કે તમે જાણે બિસ્કિટ ખાઓ છો.
રાજુને ત્યાં જાતજાતના સમોસા મળે છે. ચીઝ સમોસા, પનીર સમોસા, કાંદા-બટાટા સમોસા, ચાઇનીઝ સમોસા, જૈન સમોસા, જૈન ચાઇનીઝ સમોસા અને સ્વામીનારાયણ સમોસા પણ. આ સ્વામીનારાયણ સમોસા મેં લાઇફમાં પહેલી વાર જોયા એ સહેજ તમારી જાણ ખાતર. ભાવની વાત કરું તો એકદમ કિફાયતી દામ. અહીં પ્લેટ પર નહીં પણ નંગ પર સમોસા મળે છે. તમારે નંગ કહેવાનાં એટલે એ તમને આપી દે. ચીઝ સમોસાના સત્તર રૂપિયા હતા તો પનીર સમોસાના તેર રૂપિયા અને બાકી બધા નંગદીઠ સાત રૂપિયા.
હા, ફક્ત સાત રૂપિયા.
મેં તો જઈને સૌથી પહેલાં મગાવ્યા કાંદા-બટાટા સમોસા અને હું આફરીન થઈ ગયો. ઉપરના પડની ક્રન્ચિનેસ અને અંદર ભરેલા મસાલાનું જે કૉમ્બિનેશન ઊભું થતું હતું એ કહેતું હતું કે બકાસુર, તારે પાંચ-છ સમોસા ખાવા જોઈએ, પણ મેં ધીરજ રાખી અને કાંદા-બટાટા સમોસાનો ઑર્ડર રિપીટ કરવાને બદલે પછી મગાવ્યા પનીર સમોસા.
વન અપ.
હા મિત્રો, એ સમોસા તો પેલા કાંદા-બટાટા કરતાં પણ ચડિયાતા. આપણે જે પનીર ભુરજી ખાતા હોઈએ છીએ એ જ પ્રકારની પનીર ભુરજીનો મસાલો અંદર ભર્યો હતો. સમોસા તળાઈ જવાને કારણે પનીરમાં પણ નવો જ સ્વાદ ઉમેરાયો હતો. પનીર સમોસા રિપીટ કરવાનું મન હતું, પણ થયું કે રાજુભાઈની છેલ્લી પરીક્ષા લઈ લઉં અને મેં મગાવ્યા ચીઝ સમોસા.
ટોટલી ગેમ ચેન્જ.
ચીઝ અને એમાં ભેળવેલો લીલા રંગનો મસાલો. મસાલાની તીખાશ અને ચીઝની ક્રીમી ખારાશ. અદ્ભુત કૉમ્બિનેશન અને એ કૉમ્બિનેશનમાં ગેમચેન્જર બને એવું સમોસાનું ક્રન્ચી પડ. મને થયું કે આ રાજુભાઈના દરેક સમોસાને દસમાંથી દસ માર્ક આપવા જ પડે. રાજુ સમોસાની બીજી એક ખાસ વાત કહું. અહીં ખાવા માટે જ સમોસા મળે એવું નથી. ઘરે લઈ જવા માટે તળ્યા વિનાના કાચા સમોસા પણ મળે છે. તમારે ઘરે જઈને તળી લેવાના. જો કોઈ મહેમાન ઘરે આવવાના હોય તો તૈયાર સમોસા લઈ જવાને બદલે કાચા સમોસા લઈ જઈએ તો ગરમાગરમ પીરસી શકાય એવા ભાવથી આ રીતે કાચા સમોસા આપતા હશે એવું મારું ધારવું છે. કાચા સમોસાની પ્રાઇસ રેગ્યુલર સમોસા કરતાં એક રૂપિયો ઓછી. હું પૂછતા ભૂલી ગયો કે એ કાચા સમોસા કેટલા કલાક બગડ્યા વિના રહી શકે. જો પૂછી લીધું હોત અને ચોવીસ-અડતાલીસ કલાક સુધી એ રહી શકે એવો જવાબ આવ્યો હોત તો મેં ચોક્કસ સજેશન આપ્યું હોત કે વડોદરા જાઓ ત્યારે તમે રાજુના પટ્ટી સમોસા ખાતા આવજો અને મારા માટે (કાચા) સમોસા લેતા આવજો.
ઍનીવે, ઠીક છે. હવે તમે જાઓ ત્યારે પૂછી લેજો કે કાચા સમોસા કેટલા કલાક તળ્યા વિનાના રહી શકે. ભૂલતા નહીં.


