Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > મુંબઈમાં અનેક જગ્યાએ મળતી થયેલી સેવપૂરી-ટોસ્ટ સૅન્ડવિચ કોની ખાવી?

મુંબઈમાં અનેક જગ્યાએ મળતી થયેલી સેવપૂરી-ટોસ્ટ સૅન્ડવિચ કોની ખાવી?

23 March, 2023 05:09 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

મને આ સવાલ પૂછવામાં આવે તો એનો સીધો જવાબ છે, મલાડના અસ્પી ઑડિટોરિયમની સામે આવેલા સી. એલ. ગુપ્તાની

મુંબઈમાં અનેક જગ્યાએ મળતી થયેલી સેવપૂરી-ટોસ્ટ સૅન્ડવિચ કોની ખાવી?

ફૂડ ડ્રાઇવ

મુંબઈમાં અનેક જગ્યાએ મળતી થયેલી સેવપૂરી-ટોસ્ટ સૅન્ડવિચ કોની ખાવી?


હમણાં અમે જે નવું નાટક ઓપન કર્યું એના રોજ શો હોય. સાંજે શો હોય એટલે બને એવું કે શો પૂરો થાય રાતે બાર-સાડબાર વાગ્યે. એ પછી હું મેકઅપ ઉતારીને ઘરે જવા રવાના થઉં અને ઘરે પહોંચીને છેક જમવા પામું. લંચ પછી ડિનરમાં આટલો સમય ખેંચવો મારા માટે અઘરો પડે એટલે શો પહેલાં મારે મોડી સાંજે થોડો નાસ્તો કરી લેવો પડે અને નાસ્તો કરવાની વાત આવે એટલે મને તરત જ તમે યાદ આવી જાઓ. 

હમણાં બન્યું એવું કે થોડા દિવસ પહેલાં એક દિવસમાં અમારા બે શો હતા. બપોરે તેજપાલ ઑડિટોરિયમમાં અને રાતે અસ્પી ઑડિટોરિયમમાં. અસ્પી ઑડિટોરિયમને તમે મલાડનું મોતી કહી શકો. હજી હમણાં થોડાં વર્ષો પહેલાં જ બન્યું છે, પણ અમારી ગુજરાતી રંગભૂમિમાં બહુ પૉપ્યુલર થઈ ગયું છે. મારી વાત કહું તો મને અસ્પીમાં શો કરવાની બહુ મજા આવે છે. આપણે આવી જઈએ ફરી આપણી ફૂડ-ડ્રાઇવ પર. તેજપાલ ઑડિટોરિયમથી બધા કલાકારો નીકળતા હતા એટલે નક્કી કર્યું કે અસ્પી પર જઈને નાસ્તો કરીએ. અમે જેવા અસ્પી પર પહોંચ્યા કે ત્યાં જ અમારા પ્રોડક્શનવાળાએ અમને કહ્યું કે અસ્પીની સામે સી. એલ. ગુપ્તા છે ત્યાં આવી જાઓ. આ જે સી. એલ. ગુપ્તા છે એને ત્યાં સૅન્ડવિચ, સેવપૂરી-ભેળપૂરી અને એવોબધો નાસ્તો મળે. અગાઉ મેં અનેક વાર ત્યાં નાસ્તો કર્યો છે એ સહેજ તમારી જાણ ખાતર, પણ આ વખતે મેં જેવું એનું નામ સાંભળ્યું કે તરત જ મારા મનમાં આપણી ફૂડ-ડ્રાઇવ આવી ગઈ.


એને ત્યાં અલગ-અલગ પ્રકારના ભેળપૂરી-સેવપૂરી અને સૅન્ડવિચ મળે છે; પણ એની જે સિગ્નેચર ડિશ છે એ છે સેવપૂરી-ટોસ્ટ સૅન્ડવિચ. હવે તો આ વરાઇટી ઘણી બધી જગ્યાએ મળતી થઈ ગઈ છે, પણ બધી જગ્યાએ એ ટેસ્ટી છે એવું નથી. વાત કરતાં પહેલાં તમને સેવપુરી-ટોસ્ટ સૅન્ડવિચની વાત કરી દઉં.

આ પણ વાંચો: આર્ય ભવનની કઈ વરાઇટી ખાવા તમારે માટુંગા જવું જોઈએ?


બ્રેડની એક સ્લાઇસ લેવાની અને એના પર બટર અને સૅન્ડવિચની જે ગ્રીન ચટણી હોય એ લગાડવાની. એ પછી એ સ્લાઇસ પર સેવપૂરીની ચાર પૂરી મૂકી એના પર સેવપૂરીની બધી વરાઇટીઓ મૂકી દેવાની. કહો કે બ્રેડની સ્લાઇસ પર સેવપૂરી જ બનાવી નાખવાની અને એ બનાવ્યા પછી એના પર ફરીથી બટર અને ચટણી લગાડેલી સ્લાઇસ મૂકી એ સૅન્ડવિચને ટોસ્ટરમાં ટોસ્ટ કરવાની. હા, ટોસ્ટરમાં ટોસ્ટ કરવાની. 

ગ્રિલ્ડ સૅન્ડવિચ અને પેલું ઇલેક્ટ્રિક સૅન્ડવિચમેકર મશીન આવે છે એ બન્ને કરતાં તમને ટોસ્ટરમાં ટોસ્ટ થયેલી સૅન્ડવિચનો સ્વાદ જુદો આવશે. પ્રાઇમસ પર ગરમ થતા ટોસ્ટરને અમુક-અમુક સમયે ઉથાલવતા જવાનું અને ખોલીને ચેક પણ કરતા જવાનું કે બરાબર ટોસ્ટ થઈ છે કે નહીં. આ પ્રકારે ટોસ્ટ થયેલ સૅન્ડવિચમાં આછીસરખી સ્મોકી ફ્લેવર આવતી હોય છે.

બરાબર ટોસ્ટ થયા પછી એના ચાર ટુકડા કરીને તમને આપે. મજાની વાત તમને કહું. સૅન્ડવિચના ચાર પીસ કરે એ પછી પણ એની અંદરનું એક પણ મટીરિયલ બહાર ન નીકળે અને એને હું સૅન્ડવિચ બનાવનારાની માસ્ટરી ગણું છું. આ સૅન્ડવિચ સાથે ચટણી તો આપે છે, પણ તમે ચટણી ન પણ ખાઓ તોય સૅન્ડવિચ સરળતાથી ગળા નીચે ઊતરી જાય છે અને એમાં બનાવેલી 
પેલી સેવપૂરી એવી સરસ રીતે શેકાઈ ગઈ હોય છે કે તમને સાવ જ ડિફરન્ટ ટેસ્ટ આવે.

ગુપ્તાને ત્યાં આ સિવાય પણ ઘણી વરાઇટી મળે છે અને એ બધી વરાઇટીઓ બહુ સરસ હોય છે. ટેસ્ટ પણ સરસ અને ક્વૉલિટી પણ અવ્વલ દરજ્જાની. હું તો કહીશ કે જો ક્યારેય નાસ્તો કરીને પેટ ભરવાનું મન હોય તો મલાડમાં એસ્પી ઑડિટોરિયમની સામે પણ સહેજ ત્રાંસે આવેલા સી. એલ. ગુપ્તાને ત્યાં પહોંચી જજો.

Whatsapp-channel Whatsapp-channel

23 March, 2023 05:09 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK