Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > રેલવે-સ્ટેશન પર મળતાં રગડો-વડાં અને પાંઉના ભોજનનો સુપર્બ સ્વાદ

રેલવે-સ્ટેશન પર મળતાં રગડો-વડાં અને પાંઉના ભોજનનો સુપર્બ સ્વાદ

09 March, 2023 04:48 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

આપણા મનમાં એવી ઇમ્પ્રેશન હોય છે કે સ્ટેશન પર મળતું ભોજન સારું ન હોય પણ આ વાત મુંબઈનાં રેલવે-સ્ટેશનોએ ખોટી પાડી છે. સ્વાદ, ગુણવત્તા અને ભાવ એમ ત્રણેત્રણ બાબતમાં એ અવ્વલ માર્ક્‍સ લઈ જાય છે

રેલવે-સ્ટેશન પર મળતાં રગડો-વડાં અને પાંઉના ભોજનનો સુપર્બ સ્વાદ

ફૂડ ડ્રાઇવ

રેલવે-સ્ટેશન પર મળતાં રગડો-વડાં અને પાંઉના ભોજનનો સુપર્બ સ્વાદ


આ વખતની ફૂડ ડ્રાઇવ પર આવતાં પહેલાં મારે તમને મારી પર્સનલ વાત કરવી છે.


મુંબઈના રેલવે-સ્ટેશનની એક વરાઇટી મને બહુ ભાવે. રગડા સાથે પાંઉ અને રગડામાં બટાટાવડું હોય. ગુજરાત જવાનું હોય ત્યારે મોટા ભાગે મારે બોરીવલીથી ટ્રેન પકડવાની હોય અને બોરીવલીથી જ્યારે પણ ટ્રેન પકડવાની હોય ત્યારે સ્ટેશને હું થોડો વહેલો પહોંચી જઉં. સુરત જવાનું હોય તો કર્ણાવતી એક્સપ્રેસ બોરીવલીથી બે વાગ્યે નીકળે. એવો વિચિત્ર સમય કે લંચ તો થાય જ નહીં અને એવું હોય એટલે મારા જેવા ભોજન-ભગતને તો જલસો થઈ જાય. રેલવે-સ્ટેશને જઈને સીધો પહોંચું સ્ટૉલ પર. ત્યાં ગરમાગરમ રગડો હોય, આછા સરખા ગરમ કહેવાય એવાં બટાટાવડાં હોય. એક મોટું વડું રકાબીમાં લઈ એમાં ગરમાગરમ રગડો નાખે અને એની ઉપર તીખી-મીઠી ચટણી નાખી પાંઉ સાથે આપે. સાતેય કોઠે એવા દીવા થાય કે પેટમાંથી જઠર બહાર આવીને તમારો આભાર માને.



આવો મોકો મને મળી ગયો હમણાં. બન્યું એવું કે મારા નાટક ‘બે અઢી ખીચડી કઢી’નો શો એલ્ફિન્સ્ટન રોડ પર આવેલા દામોદર ઑડિટોરિયમમાં હતો. એલ્ફિન્સ્ટન રોડનું નામ બદલીને હવે પ્રભાદેવી કરવામાં આવ્યું છે એ તમને ખબર જ હશે. પ્રભાદેવી સ્ટેશનથી દાદરો ચડીને તમે ઉપર આવો એટલે બ્રિજ આવે, જેની જમણી બાજુએ ચાલવાનું શરૂ કરો એટલે આગળ જતાં દામોદર ઑડિટોરિયમ આવે.


શો માટે મેં અને મારા સાથી કલાકાર એવા સૌનિલ દરુએ નક્કી કર્યું કે ગાડીને બદલે આપણે લોકલમાં જઈએ. ટ્રેનમાં જવાનું કારણ માત્ર એક કે દામોદર ઑડિટોરિયમ બહુ વિચિત્ર જગ્યાએ આવેલું છે. જો કારમાં જાઓ તો તમારે બહુ ફરવું પડે. શૉર્ટકટ છે, પણ ઘણી વાર એ શૉર્ટકટમાં ફેરિયાઓ બેસી જાય છે એટલે એ રસ્તો બ્લૉક થઈ જાય છે. 

આ પણ વાંચો:  દૃષ્ટિકોણ બદલવાનો અદ્ભુત પ્રયાસ


નીકળ્યા અમે તો લોકલમાં અને જેવા પ્રભાદેવી ઊતરી બ્રિજ પર જવા દાદરો ચડવા જતા હતા કે એક સ્ટૉલ પર મેં પુષ્કળ ભીડ જોઈ. ખાવાના સ્ટૉલ પર હું ભીડ જોઉં કે મારા મનમાં આપણી ફૂડ ડ્રાઇવનો લડ્ડુ ફૂટે. 

ત્યાં જઈને મેં જોયું તો બટાટાવડાં અને વડાપાંઉ માટેની એ ભીડ હતી. મને થયું કે સ્ટેશન પર આવી ડિમાન્ડ હોય તો પછી આપણે એ ચાખવાં તો પડે જ. મેં તો આપ્યો બે વડાંનો ઑર્ડર અને આવ્યાં તીખી-મીઠી ચટણી નાખેલાં બે વડાં. વડાં સાઇઝમાં ખાસ્સાં મોટાં હતાં. સામાન્ય રીતે મળતાં હોય છે એના કરતાં મોટાં અને ટેસ્ટી પણ ખરાં. એક વડું એમ જ ટેસ્ટ કર્યું અને મને મારું પેલું રગડો-વડાવાળું કૉમ્બિનેશન યાદ આવ્યું એટલે મેં તો બીજા વડા સાથે ઑર્ડર કર્યો રગડાનો અને સાથે લીધાં બે પાંઉ, ઉપર પેલી તીખી-મીઠી ચટણી. જલસો જ જલસો. રગડામાં જે વટાણા હતા એ વટાણા બરાબર બૉઇલ થઈ જવાના કારણે ગ્રેવી સાથે મિક્સ થઈ ગયા હતા તો આ રગડો વડાને પર્ફેક્ટ્લી કૉમ્પ્લીમેન્ટ પણ કરતો હતો. સાથે પાંઉની સૉફ્ટનેસ એટલે કોળિયો એક જ ઝાટકે ગળા નીચે ઊતરીને જઠરાગ્નિને મંદ કરવાનું કામ કરતો હતો.

આ મેં તમને જે સ્ટૉલની વાત કરી એ પ્રભાદેવીના એક નંબરના પ્લૅટફૉર્મ પર આવ્યો છે. ચર્ચગેટ તરફ જતા પ્લૅટફૉર્મ પર પહેલો જ સ્ટૉલ એટલે આ અદ્ભુત સ્વાદનું મંદિર. આમ તો સબર્બનાં બધાં રેલવે-સ્ટેશન પર રગડો-વડાં અને પાંઉ બહુ સરસ મળતાં હોય છે પણ એમ છતાં એ બધામાં આ પ્રભાદેવી સ્ટેશનનાં રગડો-વડાં અને પાંઉનો સ્વાદ વેંત ઊંચો છે એ પણ મારે કહેવું જ રહ્યું. જો ટાઉન સાઇડ કામ રહેતું હોય કે પ્રભાદેવી-લોઅર પરેલની અવરજવર રહેતી હોય તો ભૂલ્યા વિના એક વખત અહીં જજો અને મારું ફેવરિટ કૉમ્બિનેશન તમે પણ ટ્રાય કરજો.

Whatsapp-channel Whatsapp-channel

09 March, 2023 04:48 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK