ઘાટકોપરની આ પાણીપૂરી એવી તો અવ્વલ દરજ્જાની છે કે જો મારું ચાલે તો એને હું મુંબઈની બેસ્ટ પાણીપૂરીમાંની એક પાણીપૂરીનો ખિતાબ આપું
ફૂડ ડ્રાઇવ
ઇસ પાનીપૂરી કે દીવાને હઝાર હૈ...
આજકાલ અમારા નવા નાટક ‘બે અઢી ખીચડી કઢી’ના શો ઘાટકોપરમાં ચાલે છે એટલે રોજ ઘાટકોપરમાં શો હોય અને રોજ અમારે જવાનું બને. ઘાટકોપરમાં જ્યારે ટૂર હોય ત્યારે અમારા બધા કલાકારનો શો પહેલાં એક પ્રોગ્રામ ફિક્સ હોય, પાણીપૂરી ખાવાનો અને એ પણ એક ચોક્કસ જગ્યાની જ પાણીપૂરી.
રસ્તા પર એક ભાઈ પાણીપૂરી વેચવા બેસે છે, પહેલાં તે ઝવેરબેન ઑડિટોરિયમ પાસે આવેલી ફૂડ સ્પૉટ નામની દુકાન હતી એની સામે બેસતો. આ જે ફૂડ સ્પૉટ છે એ બહુ જાણીતી જગ્યા છે. ત્યાંની પણ ઘણી આઇટમો સરસ છે પણ એની વાત આપણે ભવિષ્યમાં કરીશું, અત્યારે વાત કરીએ પેલા પાણીપૂરીવાળાની.
ADVERTISEMENT
એ ભાઈએ હમણાં જગ્યા બદલાવી છે. હવે તે ઉપાશ્રયવાળી જે ગલી છે ત્યાં એટલે કે હિંગવાલા લેનના નાકા પર આવેલા પટેલ ચોકના નોબલ મેડિકલ સ્ટોર છે એની સામે બેસે છે. જોકે તેનું આ નવું ઍડ્રેસ અમને ખબર નહોતી એટલે અમે તો ઘાટકોપર જઈને સીધા પહોંચ્યા પેલી જૂની જગ્યાએ, પણ ત્યાં એ નહોતો એટલે અમે પૂછપરછ શરૂ કરી અને એમાં અમારા બે દિવસ નીકળી ગયા પણ સાહેબ, બે દિવસ પછી અમને એ લાપતા થયેલા ભાઈનો પત્તો મળ્યો અને અમને હૈયે ધરપત થઈ!
આ વાંચતાં તમને થાય કે પાણીપૂરી એટલે પાણીપૂરી, એમાં શું આટલાં નખરાં તો તમને કહી દઉં કે તમે પણ એ ભાઈની પાણીપૂરી ખાશો એટલે અમારા જેવા નખરાં કરતા થઈ જશો. હા, સાચે જ. એની જે પાણીપૂરી છે એ અદ્ભુત લેવલની છે અને તમને એનાં કારણો પણ ગણાવી શકું.
આ પણ વાંચો : ચાલો જઈએ, લાલબાગના લાડુસમ્રાટમાં
એક તો, એની પૂરી માપસરની હોય છે. માપસરની પૂરી હોય તો એ આખેઆખી તમારા મોઢામાં જાય. એક વાત યાદ રાખજો, પાણીપૂરી ખાવાનો શોખ હોય તો હંમેશાં માપસર પૂરી મળતી હોય એવી જગ્યા શોધજો. એની બીજી ખાસિયત છે, પાણીપૂરીમાં વપરાતું પૂરણ. પલાળેલી બુંદી અને બાફેલા મગનું પૂરણ એવું તો અદ્ભુત છે કે તમે કલ્પના પણ ન કરી શકો (તમે મને જો અત્યારે જોતાં હોત તો મારા મોઢામાં આવતું પાણી તમને દેખાતું હોત). ત્રીજી વાત, પાણીપૂરીમાં વપરાતું એનું પાણી. પાણીપૂરી ખાઈ લીધા પછી પણ એના પાણીની જે તીખાશ છે એ તમારી જીભ પર રહે અને તમે આછા સરખા સિસકારા કર્યા કરો. આ જે તીખું પાણી છે એ પ્યૉર ફુદીના અને લીલાં મરચાં નાખીને બનાવવામાં આવે છે. આર્ટિફિશ્યલ તીખાશ નામે કશું નહીં. એક ખાસ વાત કહું, એની પાસે તીખા પાણીની પણ બે વરાઇટી છે. તીખું પાણી લીધા પછી પણ ધારો કે તમે વધારે તીખું પાણી માગો તો એ બીજો એક ડબ્બો ખોલીને એમાંથી પાણી આપે અને ખરેખર, એ પાણીની જે તીખાશ હોય છે... વાત જ રહેવા દો ભાઈ.
તેને ત્યાં મળતી મીઠી ચટણી પણ પ્યૉર ગોળ અને આંબલીની હોય છે. આ ચટણીની વૅલ્યુ તમને ત્યારે સમજાય જ્યારે તમે એનાં બન્ને તીખાં પાણી પી લીધાં હોય અને હોઠમાંથી સિસકારા છૂટતા હોય. સિસકારા વચ્ચે તમને જ્યારે આ ખટમીઠી ચટણી મળે ત્યારે એવું જ લાગે કે જાણે કે સાક્ષાત અન્નપૂર્ણાનાં દર્શન થઈ ગયાં. જો તમારે પણ એ જ દર્શન કરવાં હોય અને અસ્સલ પાણીપૂરીનો સ્વાદ માણવો હોય તો જ્યારે પણ ઘાટકોપર જવાનું બને ત્યારે ખાસ, પટેલ ચોકમાં આવેલા નોબલ મેડિકલ સ્ટોરની સામે બેસતા એ પાણીપૂરીવાળાને ત્યાં જજો અને ધારો કે તમે ઘાટકોપર જ રહેતા હો તો...
અત્યારે જ હડી કાઢો...
જલદી જાઓ.