લાડુસમ્રાટ રેસ્ટોરાંની વાત આવે કે તરત જ મારી આંખ સામે મારું બાળપણ આવી જાય. આ વિસ્તારમાં મારા પપ્પાની દુકાન હતી, ચોપડાપૂજન પછી અમારા માટે જે નાસ્તો આવતો એ લાડુસમ્રાટમાંથી જ આવતો
ફૂડ ડ્રાઇવ
ચાલો જઈએ, લાલબાગના લાડુસમ્રાટમાં
મારા નવા નાટકના શોના કારણે મારી મુંબઈ યાત્રા અત્યારે જોરશોરમાં ચાલી રહી છે અને મુંબઈ યાત્રા ચાલતી હોય એવા સમયે તમારા માટે ફૂડ ડ્રાઇવ લાવવાનું કામ કેવી રીતે અટકી શકે, ઊલટું જ્યારે ફરવું એ સોનેરી તક કહેવાતી હોય.
થોડા સમય પહેલાં મેં તમારી સાથે એલ્ફિન્સ્ટન રોડની એક ફૂડ ડ્રાઇવ શૅર કરી હતી. એલ્ફિન્સ્ટન રોડનું નવું નામ હવે પ્રભાદેવી છે. એ સમયે અમારો દામોદર હોલમાં શો હતો અને આ વખતે ફરી શો આવી ગયો એ જ દામોદર હૉલમાં. આ વખતે મારા મનમાં લાલબાગ વિસ્તારમાં આવેલી એક રેરેસ્ટોરાં ક્લિયરલી યાદ હતી. એ રેસ્ટોરાંનું નામ લાડુસમ્રાટ. વાત આગળ વધારતાં પહેલાં કહી દઉં, ‘મિડ-ડે’ની અત્યારની ઑફિસ બાંદરામાં છે પણ અગાઉ ‘મિડ-ડે’ની ઑફિસ આ લાડુસમ્રાટ રેસ્ટોરાંથી સાવ જ વૉકિંગ ડિસ્ટન્સ પર હતી.
ADVERTISEMENT
લાડુસમ્રાટ આ વિસ્તારની બહુ પૉપ્યુલર અને ખૂબ જૂની રેસ્ટોરાં છે. અમારી દુકાન આ લાલબાગ વિસ્તારમાં જ હતી. મને આજે પણ યાદ છે કે દિવાળીના દિવસે ચોપડાપૂજન થાય ત્યારે પૂજન પૂરું કર્યા પછી અમારા માટે લાડુસમ્રાટમાંથી બટાટાવડાં અને થાલીપીઠ જેવી વરાઇટીઓ આવતી અને અમે હોંશે-હોંશે ખાતા. એ દિવસોથી મારી યાદો લાડુસમ્રાટ સાથે જોડાયેલી છે. લૉકડાઉન પછી આખી લાડુસમ્રાટ નવી થઈ ગઈ છે, જેની મને ખબર નહોતી. હું તો પહોંચ્યો લાડુસમ્રાટ અને જઈને જોઉં તો લાંબી લાઇન. આખું રેસ્ટોરાં ફુલ. ખાસ્સી એવી મોટી જગ્યા, બે ગાળાની રેસ્ટોરાં અને એ પણ આખી ફુલ. મારો ટર્ન આવે એ માટે લાઇનમાં ઊભા રહેવાનું હતું. તમને એક વાત કહી દઉં. મને લાઇનનો બહુ કંટાળો આવે પણ ખાવા માટેની લાઇન હોય તો મને જરા પણ વાંધો ન હોય.
હું તો ઊભો રહી ગયો લાઇનમાં અને આવ્યો મારો વારો. વાત આગળ વધારતાં પહેલાં કહી દઉં, લાડુસમ્રાટ મરાઠી રેસ્ટોરાં છે. મરાઠી રેસ્ટોરાંમાં જે મળે એ બધી વરાઇટી અહીં મળે.
હાઇજિનનું ખૂબ ધ્યાન રાખવામાં આવે અને નવું જે ઇન્ટીરિયર છે એ પણ બહુ સરસ થયું છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, દરેક આઇટમ તમને જૈનમાં પણ મળે અને ઉપવાસની પણ દરેક વરાઇટી હોય. આપણે એકેક આઇટમની વાત કરીએ.
આ પણ વાંચો: મુંબઈમાં અનેક જગ્યાએ મળતી થયેલી સેવપૂરી-ટોસ્ટ સૅન્ડવિચ કોની ખાવી?
લાડુસમ્રાટનાં બટાટાવડાં સાથે મારી યાદો જોડાયેલી છે અને એ વડાં હોય પણ એવાં અવ્વલ દરજ્જાનાં એટલે મેં તો સૌથી પહેલાં મગાવ્યાં બટાટાવડાં. સાથે જે આપે છે એ ગ્રીન અને લાલ ચટણી હતી. હજી પણ એવો જ સ્વાદ છે, જે સ્વાદ હું નાનો હતો ત્યારે ખાતો હતો. નોસ્ટાલ્જિક ફીલ સાથે મેં એ બટાટાવડાં પૂરાં કરીને પછી મેં મગાવી કોથંબીર વડી. એ એટલી સરસ હતી કે ન પૂછો વાત. એક વાત કહું, કોથંબીર વડી મને હંમેશાં મહારાષ્ટ્રિયન રેસ્ટોરાંની જ ભાવી છે, કારણ કે એમાં ઑથેન્ટિસિટી જળવાયેલી રહે છે. એ પછી ઑર્ડર કર્યો ઉપવાસનો મસાલા ઢોસો.
તમને થાય કે આ ફરાળી ઢોસો એટલે શું તો એ જ વાત મારા મનમાં પણ હતી અને એટલે મેં પૂછી પણ લીધું હતું.
ફરાળી ઢોસો રાજગરાના લોટમાંથી બને અને એમાં બટાટા અને કાંદાના મસાલાને બદલે સાબુદાણાની ખીચડી મૂકે, જે ખીચડીમાં બટાટા અને સીંગદાણા પણ હોય. આ બધા સાથે ચટણી હોય અને એ ચટણી પણ ફરાળી હોય. અદ્ભુત મસાલા ઢોસા અને એ પણ ફરાળી. અહીં વાત પૂરી થતી નથી. હું તો મારી અંદર રહેતા તમામેતમામ બકાસુરને જગાડીને જ લાડુસમ્રાટમાં દાખલ થયો હતો અને હજી મારે એક વરાઇટી ટેસ્ટ કરવાની બાકી હતી, જેને હું નાનપણથી ખાતો આવ્યો છું. થાલીપીઠ, જે મારી ફેવરિટ આઇટમ છે.
થાલીપીઠ જો તમે ઘરે બનાવો તો એ સફેદ માખણમાં બનાવવાની. લાડુસમ્રાટમાં પણ એ સફેદ માખણમાં જ બનાવે છે. ત્યાં થાલીપીઠ ફરાળી પણ અને જૈન એમ બન્ને પ્રકારની મળે છે. લાડુસમ્રાટની થાલીપીઠ પણ નાનપણથી હું ખાતો આવ્યો છું. અહીંનું મિસળ પણ બહુ સરસ હોય છે. અહીં મિસળ પણ જૈન મળે છે.
એક સમય હતો જ્યારે આખો પરેલ વિસ્તાર મરાઠી ડૉમિનન્ટ હતો, પણ હવે અહીં ગુજરાતી-મારવાડીનું વર્ચસ્વ વધ્યું છે અને કદાચ એટલે જ દરેક આઇટમ જૈન ફૉર્મેટમાં પણ અવેલેબલ હોતી હશે. પરેલ જવાનું બને કે પછી ગણેશ મહોત્સવ સમયે લાલબાગ ચા રાજાનાં દર્શન કરવા જાઓ ત્યારે લાડુસમ્રાટમાં જવાનું બિલકુલ ભૂલતા નહીં. ઑથેન્ટિક મરાઠી વરાઇટીઓ તો મળશે જ મળશે, પણ સાથોસાથ બીજી વરાઇટી પણ એવી મળશે જેનો સ્વાદ તમે ક્યારેય નહીં ભૂલો.