વરસાદની સીઝનમાં ભુટ્ટા ખાવાની મજા જ કંઈ ઑર છે. જોકે દર વખતે માત્ર શેકેલી કે બાફેલી મકાઈ જ ખાઈને કંટાળો આવતો હોય તો મકાઈની ચટપટી ચખના જેવી ડિશ પણ બનાવી શકાય.
ભુટ્ટાનાં ક્રિસ્પી ભજિયાં
આ વીક-એન્ડમાં તમે ટ્રાય કરી શકો એવી અવનવી વાનગીઓની રેસિપી શૅર કરે છે મુલુંડનાં કુકિંગ-એક્સપર્ટ હંસા કારિયા.
ભુટ્ટાનાં ક્રિસ્પી ભજિયાં
ADVERTISEMENT
સામગ્રી : મકાઈના દાણા એક કપ (અડધો કપ અધકચરા ક્રશ કરેલા અને અડધો કપ આખા), અડધો કપ ચણાનો લોટ, અડધો કપ ચોખાનો લોટ, અડધો કપ પીળી મકાઈનો લોટ, એક ચમચી મીઠું, એક ચમચી મરચું, અડધી ચમચી હળદર, એક નાની ચમચી અજમો (હથેળીમાં ક્રશ કરેલો) અને બેથી ત્રણ ટેબલસ્પૂન કસૂરી મેથી (જો કસૂરી મેથી ન હોય તો ૩ ચમચી ફુદીનો અને એક ચમચી કોથમીરનું મિશ્રણ પણ ચાલે), એક મિડિયમ કાંદો બારીક સમારેલો.
બનાવવાની રીત : તમામ લોટ અને કૉર્ન મિક્સ કરવાં. બારીક સમારેલો કાંદો અને તમામ મસાલા ભેળવો. મોટા ભાગે એમાં પાણીની જરૂર નહીં પડે, કેમ કે કૉર્ન અને કાંદામાંથી પાણી છૂટશે. એમ છતાં જો જરૂર પડે તો ચમચી-ચમચી જેટલું પાણી ઉમેરવું. આ મિશ્રણને એક કલાક ઢાંકીને મૂકી રાખવું જેથી મસાલો લોટમાં બરાબર ભળે. એ પછી જ્યારે તળવાનું હોય ત્યારે જસ્ટ પહેલાં જ એમાં પા ચમચી ખાવાનો સોડા મિક્સ કરવો. તેલ બરાબર ગરમ થઈ જાય એટલે એમાં નાનાં-નાનાં ડબકાં મૂકીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાં. કોથમીર-મરચાંની ચટણી કે કેચપ સાથે સર્વ કરી શકાય.
કૉર્ન કેસડિયા
સામગ્રી : પરાઠા માટે પા કપ પીળી મકાઈનો લોટ અને પા કપ મેંદો, પા ચમચી ઇટાલિયન હર્બ્સ, પા ચમચી અજમો, પા ચમચી ચિલી ફ્લેક્સ અને પા ચમચી હળદર, અડધી ચમચી મીઠું, એક ચમચી સૉલ્ટ, બે ચમચી તેલ. આ બધું મિક્સ કરીને પરાઠા જેવો કડક લોટ બાંધવો. એને અડધો કલાક રાખી મૂકો. અંદરના પૂરણ માટે અડધો કપ અધકચરા કે આખા કૉર્ન, એક કપ જેટલાં લાલ-પીળાં બેલપેપર અને લીલાં કૅપ્સિકમ બારીક સમારેલાં, પા કપ લીલો કાંદો બારીક ચૉપ કરેલો, પા ચમચી કાળાં મરી, અડધી ચમચી ઇટાલિયન હર્બ્સ અથવા તો મેક્સિકન સીઝનિંગ, અડધી ચમચી લસણની પેસ્ટ, અડધી ચમચી લાલ મરચાંનો પાઉડર, એક ટેબલસ્પૂન ઑલિવ ઑઇલ કે બટર, જેટલું ભાવે એટલું ચીઝ (એકથી બે ક્યુબ ચીઝ છીણેલું)
બનાવવાની રીત : ઑલિવ ઑઇલ અથવા તો બટરને ગરમ કરો. એમાં લસણ સાંતળો. પછી બેલપેપર, કૅપ્સિકમ અને કાંદો નાખીને ફરી સાંતળો. આ મિશ્રણને પૂરું પકાવી નથી દેવાનું. કાચુંપાકું રંધાઈ જાય એટલે સ્વાદ અનુસાર મીઠું નાખવું. (સીઝનિંગમાં પણ મીઠું હોય છે એટલે એ મુજબ સંભાળીને મીઠું લેવું.) જો તમને ચીઝ ભાવતું હોય તો એ પણ નાખી શકાય.
મસાલો ઠંડો થવા દેવો. બીજી તરફ બાંધેલા લોટમાંથી પરાઠાથી સહેજ ઓછી થિકનેસવાળી રોટલી બનાવો. એને કાચીપાકી શેકી લો. ત્યાર બાદ પરાઠાના અડધા સર્કલમાં આ પૂરણ પાથરીને ઉપર અડધું પરાઠું ફોલ્ડ કરી બંધ કરી લો. આ સેમી સર્કલ પરાઠાને ધીમી આંચે બન્ને તરફથી શેકો અને ટમેટો કેચપ સાથે સર્વ કરો.
કૉર્ન રબડી
સામગ્રી : પા કપ આખા કૉર્ન, પા કપ અધકચરા ક્રશ કરેલા કૉર્ન, અડધો લીટર દૂધ, ૩થી ૪ ટેબલસ્પૂન શુગર, એક ટેબલસ્પૂન મસાલા દૂધનો તૈયાર મસાલો (જો એ ન હોય તો એલચી અને જાયફળનો પા ચમચી પાઉડર અને એમાં બદામ-પિસ્તાની કતરી અને કેસરનું મિશ્રણ વાપરી શકાય), એક ટેબલસ્પૂન કૉર્નફ્લોર, એક ચમચી ઘી
બનાવવાની રીત : એક ચમચી ઘી કડાઈમાં લઈને એમાં આખી અને ક્રશ કરેલી કૉર્ન સાંતળવી. એમાં અડધો લીટર દૂધ નાખવું. એકથી બે ઉકાળા આવે એટલે એમાં સાકર અને ડ્રાયફ્રૂટ્સનો મસાલો નાખી દેવો. જો ખીર જેવું ખાવું હોય તો તમારી ખીર તૈયાર છે, પણ જો ગાઢી રબડી બનાવવી હોય તો અલગથી પા કપ દૂધમાં એક ચમચી કૉર્નફ્લોર મિક્સ કરીને આ મિશ્રણમાં નાખો. એ પછી ત્રણથી ચાર ઉકાળા આવે એટલું દૂધ ઉકાળો અને સતત ચમચાથી હલાવતા રહો જેથી ચોંટે નહીં. જો ઉકાળશો નહીં તો કાચા કૉર્નફ્લોરનો ટેસ્ટ આવશે. બરાબર થઈ જાય એટલે ઠંડું પડવા દો. રબડીની જેમ સર્વ કરવું હોય તો નાના-નાના મટકામાં ભરીને ફ્રિજમાં મૂકવું.
મટકામાં જામી ગયેલી રબડીનું ડીઝર્ટ ખૂબ સ્વાદિષ્ટ લાગશે.
બ્રેડ વિનાની કૉર્ન સૅન્ડવિચ
સામગ્રી : ૧ કપ રવો, એક ચમચી આદું-મરચાં અને લસણની પેસ્ટ, પા કપ અધકચરા ક્રશ કરેલા કૉર્ન, પા કપ આખા કૉર્ન. પા કપ પલાળીને બાફીને મૅશ કરેલા રાજમા, એક ચમચી ટાકો સીઝનિંગ, એક ચમચી ઇટાલિયન હર્બ્સ, બારીક સમારેલો એક કાંદો અને બારીક સમારેલું એક કૅપ્સિકમ, સ્વાદ અનુસાર મીઠું
બનાવવાની રીત : રવો અને બધી જ સામગ્રી બરાબર મિક્સ કરી લેવી. પાણી નાખીને એનું ખીરું તૈયાર કરવું. અડધો કલાક રેસ્ટ કરવા દેશો તો રવો બરાબર પાણીમાં મિક્સ થઈને ફૂલશે. એમાં બે ચમચી કોથમીર અને બે ચમચી ફુદીનો મિક્સ કરવો. ગાઢું ખીરું તૈયાર થઈ જશે.
નૉન-સ્ટિક હૅન્ડ-ટોસ્ટરની અંદરની બન્ને બાજુને બરાબર બટર કે ઘીથી ગ્રીસ કરીને એમાં ખીરું ભરવું. હૅન્ડટોસ્ટરને બેઉ તરફથી ધીમી આંચે શેકવું. અંદર બન્ને બાજુથી બ્રેડની જેમ બ્રાઉન થઈ જાય અને કિનારી છોડી દે એટલે બહાર કાઢી લેવું. ટોસ્ટ સૅન્ડવિચને કાપીને કેચપ સાથે સર્વ કરી શકાય.

