ટેસ્ટ એટલાસે વિશ્વની 100 શ્રેષ્ઠ સેન્ડવીચની યાદી બહાર પાડી છે. આ યાદીમાં મુંબઈના પ્રખ્યાત વડાપાવને 13મા નંબરે રાખવામાં આવ્યા છે

ફાઇલ તસવીર
મુંબઈ (Mumbai)ના સૌથી લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ વડાપાવ (Vada Pav)ને વિશ્વની શ્રેષ્ઠ સેન્ડવીચની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. આ યાદી ક્રોએશિયાની ટ્રાવેલ ગાઈડ ટેસ્ટ એટલાસ દ્વારા બહાર પાડવામાં આવી છે, જે વિશ્વભરના પરંપરાગત ભોજનની નોંધ તૈયાર કરે છે.
ટેસ્ટ એટલાસે વિશ્વની 100 શ્રેષ્ઠ સેન્ડવીચની યાદી બહાર પાડી છે. આ યાદીમાં મુંબઈના પ્રખ્યાત વડાપાવને 13મા નંબરે રાખવામાં આવ્યા છે, જે શાકાહારી ખોરાક છે. આ યાદીમાં તુર્કીની ટોમ્બિક ડીશ પ્રથમ નંબરે છે, ત્યાર બાદ બીજા નંબરે પેરુની બુટીફારા અને ત્રીજા નંબરે આર્જેન્ટિનાની સેન્ડવીચ ડી લોમો છે. વડાપાવ એ આ યાદીમાં સામેલ એકમાત્ર ભારતીય સેન્ડવીચ છે, જેને ભારતીય બર્ગર તરીકે પણ ઓળખવામાં આવે છે.
વડાપાવનો ઇતિહાસ
TestAtlasએ વડાપાવ વિશે લખ્યું છે કે આ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ અશોક વૈદ્ય નામના સ્ટ્રીટ વેન્ડરની ભેટ છે. અશોક વૈદ્ય 1960 અને 1970ના દાયકામાં મુંબઈના દાદર રેલવે સ્ટેશન પાસે કામ કરતા હતા. અશોક વૈદ્યએ મજૂરોની ભૂખ સંતોષવા માટે એવી વાનગી વિશે વિચાર્યું, જે બનાવવા અને પીરસવામાં સરળ તેમ જ ખરીદવામાં સસ્તી હોય. વર્ષ 1966માં વડાપાવ બનાવવાનો વિચાર અશોક વૈદ્યને આવ્યો અને ધીરે-ધીરે આ વાનગી મુંબઈની ઓળખ બની ગઈ.
આ પણ વાંચો: જાણો મુંબઈના કયા પાંચ વડાપાંવ છે મોસ્ટ પૉપ્યુલર
શિવસેનાએ વડાપાવનો પ્રચાર કર્યો
વડાપાવ પહેલાં, દક્ષિણ ભારતીય ઉડુપી હૉટેલ્સ વાનગી મુંબઈમાં લોકપ્રિય હતી. જોકે, શિવસેનાએ મુંબઈમાં અન્ય રાજ્યોની વસ્તુઓનો પ્રચાર કરવાને બદલે પોતાના શહેરની વાનગીને મહત્ત્વ આપ્યું. શિવસેનાના પ્રોત્સાહન પછી જ વડાપાવે ઉડુપીનું સ્થાન લીધું અને આ વાનગી મુંબઈના લોકો માટે ખાસ બની ગઈ. સ્વાભાવિક છે કે વડાપાવની સુગંધ આખી દુનિયામાં ફેલાઈ ગઈ છે. આ જ કારણ છે કે તેને વિશ્વની શ્રેષ્ઠ સેન્ડવિચમાં સામેલ કરવામાં આવ્યા છે.