વિશ્વ વડાપાંવ દિવસ : જાણો મુંબઈના કયા પાંચ વડાપાંવ છે મોસ્ટ પૉપ્યુલર

23 August, 2021 06:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દર વર્ષે 23 ઓગસ્ટના રોજ વિશ્વ વડાપાંવ દિવસ ઊજવવામાં આવે છે.

પ્રતિકાત્મક તસવીર

મુંબઈવાસીઓના ફેવરેટ અને મુંબઈના દરેક ખૂણે સહેલાઈથી મળતા એવા વડાપાંવનો આ દિવસ છે. દર વર્ષે 23 ઓગસ્ટના રોજ વિશ્વ વડાપાંવ દિવસ ઊજવવામાં આવે છે.

આ રીતે થઈ શરૂઆત

હકીકતે 23 ઓગસ્ટ 2001ના રોજ, ધીરજ ગુપ્તાએ જમ્બો વડાપાંવ ફૂડ ચેઇન શરૂ કરી હતી અને વડાપાંવને ભારતીય બર્ગરમાં રૂપાંતરિત કર્યું હતું. એટલા માટે 9 શહેરોમાં હાજર તેમની શાખાઓ વિશ્વ આજે વડાપાંવ દિવસની ઉજવણી કરે છે. હવે અન્ય લોકોએ પણ તેની નકલ કરવાનું શરૂ કર્યું છે. એક અંદાજ મુજબ આજે મુંબઈમાં દરરોજ આશરે 18થી 20 લાખ વડાપાંવનું વેચાણ થાય છે.

આ પાંચ વડાપાંવ છે મુંબઈગરાંની પસંદ

૧. અશોક વડાપાંવ

પ્રભાદેવીમાં કીર્તિ કોલેજ પાસે આવેલો આ સ્ટોલ અશોક વડાપાંવ સ્ટોલ તરીકે પણ ઓળખાય છે, જે છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી મુંબઈમાં શ્રેષ્ઠ વડાપાંવ બનાવે છે. આ સ્થળ કાયમ તમામ વયજૂથના મુંબઈવાસીઓ દ્વારા ભરેલું જ મળે છે, કારણ કે અહીં પીરસવામાં આવતો વડાપાંવ ખૂબ જ જાણીતા છે. હકીકતમાં આ સ્ટોલ પર માધુરી દીક્ષિત અને સોનુ નિગમ જેવી હસ્તીઓ પણ વારંવાર આવતી રહે છે.

૨. આરામ વડાપાંવ

આ આઇકોનિક વડાપાંવ સ્ટોલ મુંબઈના વીટી સ્ટેશનની બરાબર સામે છે અને 70 વર્ષથી વધુ જૂનો છે! તેની ખાસિયત વડાપાંવ સહિત તેની સાથે પીરસાતી લસણની ચટણી પણ છે. સાદા વડાપાંવ ઉપરાંત તેના પનીર વડાપાંવ અને મિર્ચી વડાપાંવનો ગજબ છટકો મુંબઈગરાંને લાગ્યો છે. આ સહિત હજી વિવિધ પ્રકારના વડાપાંવ પણ અહી મળે છે.

૩. પારલેશ્વર વડાપાંવ સમ્રાટ

શહેરના અન્ય તમામ વડાથી વિપરીત વિલેપાર્લે પૂર્વના નેહરુ રોડ પર મળતા પારલેશ્વર સમ્રાટના વડામાં નાળિયેરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તેમના મેનૂમાં તમને ગ્રીલ વડાપાંવ એ પણ બટર ગ્રીલ, શેઝવાન ગ્રીલ, મેયોનેઝ ગ્રીલ, અને સમ્રાટ સ્પેશિયલ વેરિએન્ટ્સ સહિત મળે છે. ઉપરાંત પટ્ટી ડુંગળી સમોસા, બટાટા ભાજી, જૈન વડાપાંવ, મિસલ પાવ અને કોથીમબીર વડીનો પણ સ્વાદ લઈ શકો છો.

૪. આનંદ વડાપાંવ સ્ટોલ

મુંબઈના યુવાનોઅને ખાસ કરીને કોલેજના વિદ્યાર્થીઓ માટે આનંદ વડાપાંવ સ્ટોલ મુંબઈમાં સૌથી વધુ મનપસંદ સ્ટ્રીટ ફૂડ છે.મીઠીબાઈ કોલેજની બરાબર સામે આવેલા આ સ્ટોલ પર તેમને બટર, ગ્રીલ, ચીઝ, શેઝવાન ચીઝ, મેયોનેઝ અને મેયોનેઝ ચીઝ સહિત વિવિધ પ્રકારના વડાપાંવ મળે છે.

૫. મંગેશ વડાપાંવ

બોરીવલીમાં રહેતા લોકો માટે તો આ નામ ખૂબ જ જાણીતું છે. બે દાયકાથી વધુ સમયથી કાર્યરત, મંગેશ વડા પાવ મુંબઈમાં મળતા કેટલાક શ્રેષ્ઠ વડાપાંવમાંના એક છે. અહી મળતા સાદા વડાપાંવ ખાવા માટે પણ લોકોની ભીડ ઉમટે છે. મંગેશ વડાપાંવની બોરીવલી વેસ્ટમાં બાભઈ નાકા, ચંદાવરકર રોડ અને સ્ટેશન પાસે એમ ત્રણ શાખાઓ છે.

Vadapav mumbai