Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > મસાલાની ખરીદી અને સાચવણીમાં જરાસરખીયે બેદરકારી રાખશો તો ગયા કામથી

મસાલાની ખરીદી અને સાચવણીમાં જરાસરખીયે બેદરકારી રાખશો તો ગયા કામથી

02 April, 2024 10:54 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તમારા ઘરમાં બારેમાસ કેટલી સ્વાદિષ્ટ રસોઈ મળશે એનો આધાર આ સીઝનમાં તમે કેવા મસાલા ખરીદો છો એના પર નિર્ભર કરે છે. છેક વર્ષ પૂરું થાય ત્યાં સુધી મસાલાનો રંગ અને મહેક જળવાયેલાં રહે એ માટે એને સાચવવામાં એટલી જ તકેદારી જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

મસાલા મેજિક

પ્રતીકાત્મક તસવીર


રસોડાની રાણીઓની સ્કિલની ખરી કસોટી મસાલાની સીઝનમાં થઈ જાય છે. હોળી પૂરી થતાં જ ગૃહિણીઓનું ટેન્શન વધવા માંડે છે, કારણ કે એ સમયે બજારમાં નવા મસાલાની આવક શરૂ થઈ જાય છે. અગાઉના સમયમાં મહિલાઓ મરચાં, હળદર, ધાણા-જીરું વગેરે મસાલાને આખા જ માર્કેટમાંથી ખરીદી લાવી પછી ચાર-પાંચ દિવસ ઘરે તપાવી અને ઘરે ખાંડણિયામાં પીસીને તૈયાર કરતી હતી. હવે બજારમાં પીસેલા મસાલા તૈયાર ઉપલબ્ધ હોવાથી મસાલાઓને ઘરે બેસીને તૈયાર કરવાની ઝંઝટમાં મહિલાઓ પડતી નથી. ઘરે લાવી જાતે પિસાવી તૈયાર કરવામાં આવેલા મસાલાની વાત જ ન્યારી છે, પણ આજકાલ સીઝનમાં જે તૈયાર મસાલા આવે છે એ પણ સારી ગુણવત્તાવાળા જ હોય છે. હા, એની શૉપિંગમાં થોડી સાવધાની જરૂર રાખવી પડે છે.
જોકે આજે પણ મુંબઈમાં એવી ઘણી મહિલાઓ છે જે જાતે જ પિસાવેલા મસાલા પ્રિફર કરે છે. 

ખરીદીમાં શું ધ્યાન રાખશો?
મસાલાની ખરીદીમાં કઈ બાબતનું ધ્યાન રાખવું એનું પ્રશિક્ષણ પેઢી દર પેઢી મહિલાઓને મળી જતું હતું, પણ હવે એ બાબત લુપ્ત થઈ રહી છે એથી મસાલાઓને ઘરે પિસાવીને તૈયાર કરવા માગતી મહિલાઓ પણ ઘણી અવઢવમાં હોય છે કે કેવા મસાલા લેવા? આજે આ વિશેનું થોડું માર્ગદર્શન અહીં પેશ છે.મરચાં
રેશમપટ્ટી મરચું તમને થોડું મોઘું પડે, પણ ખાવા માટે એ બેહતરીન છે. તમને જો મધ્યમ તીખું મરચું જોઈતું હોય તો રેશમપટ્ટી સાથે થોડું કાશ્મીરી મિક્સ કરી લો તો સ્વાદ, સુગંધ અને કલર બધું જ બરાબર જળવાશે.
મરચું તીખું ન જોઈતું હોય તો એકલું કાશ્મીરી મરચું લો.
જો બજારમાં ડીટિયાં કાઢેલાં આખાં મરચાં મળે તો ઠીક, નહીં તો ઘરે લાવીને એ દૂર કરી શકાય.
હાથમાં લેતાં ખખડે એવું સૂકું મરચું જ બજારમાંથી ખરીદો. ઘણી વાર વજન પકડે એ માટે મરચાં પર આછું પાણી છાંટ્યું હોય છે અને જો એ મરચાં લેશો તો સુકાયા પછી વધુ ઘટ પડશે. આમ પણ સૂકવ્યા પછી મરચાંમાં ઘટ પડશે જ. પાંચ કિલોમાં લગભગ કિલો જેવી ઘટ પડે છે. એથી જો પાંચ કિલો મરચાં પાઉડર જોઈતો હોય તો છ કિલો સૂકાં મરચાં ખરીદો.
મરચાં બરાબર સુકાઈ જાય પછી કચરો, ડીટિયાં બધું સાફ કર્યા પછી જ પિસાવવાનો આગ્રહ રાખો. 


સ્ટોર કેવી રીતે કરશો?
મસાલા સ્ટોર કરવા માટે આપણી પરંપરાગત પદ્ધતિ જ બેસ્ટ છે. પીસેલા મરચાના પાઉડરને પહેલાં ચાળણીથી ચાળી લો. દિવેલને નવશેકું ગરમ કરી એમાં નાખો અને લોટ મોઈએ છીએ એમ મોઈ નાખો. આમ કરવાથી મરચાંનો રંગ લાલચટાક થશે. કિલો મરચા પાઉડરમાં લગભગ ૨૦૦ ગ્રામ દિવેલ જરૂર પડશે. એ પછી એને ડબ્બામાં ભરો ત્યારે ઉપરથી દબાવીને હવાનો પાર્ટ કાઢી નાખો અને ફિટ બંધ કરી દો. જ્યારે પણ મસાલો કાઢવો હોય તો ચમચાનો ઉપયોગ કરો અને પછી પાછું ચમચાથી દબાવી દો. આ રીતે કરવાથી ૧૨ મહિના સુધી પણ એ સરસ રહે છે અને એનો કલર પણ જળવાઈ રહે છે. જો તમે પીસેલા મસાલા ખરીદવાનો આગ્રહ રાખો છો તો સીઝનમાં બજારમાં સરસ પીસેલા મસાલા પણ મળે છે. બ્રૅન્ડેડ કંપનીઓના મસાલા સારા હોય અને એ સિવાયના મસાલા સારા ન હોય એવું નથી હોતું, પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે બારમાસી વસ્તુ ખરીદીએ ત્યારે મરચાં, હળદર કે કોઈ પણ વસ્તુ બજારમાં જે ભાવ હોય એનાથી સસ્તું હોય એવા મસાલા ખરીદવાનો લોભ ન રાખો. એમ કરવામાં મસાલાને બદલે તમે ભળતી જ વસ્તુ ઉપાડી લાવશો અને પસ્તાવું પડશે. ખાવાની ચીજોની ખરીદીમાં કદી સસ્તું ખરીદવાનો આગ્રહ ન રાખો. સીઝનમાં પીસેલા મસાલા લો તો એનાં પૅકેટ જેમ જરૂર હોય એમ ઓપન કરો. એકસાથે બધાં પૅકેટ ખોલી ડબ્બામાં ભરી લેવાને બદલે પૅકેટને જ ડબ્બામાં ભરો અને જરૂર પ્રમાણે ખોલશો તો એ વરસ સુધી અકબંધ રહેશે.

હળદર
ત્રણથી ચાર જાતની હળદર બજારમાં આવે છે, પણ સાલેમ વધુ ચાલે છે. એ ખરીદો ત્યારે એક તો એ સૂકી છે, એના ગાંઠિયા લાંબા અને તોડો ત્યારે એનો કલર હળદરિયો પીળો હોય તથા જરાય રેસા ન હોય એ જુઓ. ઘરે લાવી એને છાંયડામાં જ સૂકવો. સાફ કરી દળાવી લો. સીઝનમાં હળદર પાઉડર પણ સરસ મળે છે. સારી દુકાનેથી સારી હળદર ખરીદો. બ્રૅન્ડેડ વસ્તુઓ જ સારી હોય છે એવું નથી હોતું. 


સ્ટોર કેવી રીતે કરશો?
હળદર પાઉડરને ચાળી લો અને એમાં નવશેકું દિવેલ નાખી લોટ મોઈએ એમ મોઈ લો. એક ડબ્બામાં ભરી હાથેથી દબાવી બધી હવા દૂર કરી ઢાંકણ બંધ કરો. ડબ્બામાંથી જ્યારે પણ કાઢો ત્યારે ચમચાનો ઉપયોગ કરો અને કાઢી લીધા પછી પાછું ચમચાથી દબાવી લો. આખું વર્ષ હળદર સરસ રહેશે. જો બજારમાંથી રેડી હળદર પાઉડર લાવ્યા છો તો જરૂર મુજબ જ પૅકેટમાંથી કાઢો. આ પણ આખું વરસ સારી જ રહે છે. ફરી કહેવું છે કે મસાલા ખરીદવામાં એ ન જુઓ કે બજારમાં મળે છે એનાથી સસ્તા મસાલા લઈ આવો. એમાં ભેળસેળની ભરપૂર શક્યતા રહે છે. બાર મહિના સાચવી રાખવાની ચીજ સાવ સસ્તી હોય એ ન જ લેવી જોઈએ.

ધાણા-જીરું
ધાણા બે પ્રકારના હોય છે. એક મોટા દાણા હોય જે ધાણા છે અને નાના દાણાવાળી ધાણી છે. કલર અને એની ક્વૉલિટી મુજબ એનો ભાવ હોય છે, પણ ધાણાજીરું બનાવવા માટે લીલી અને કદમાં નાની ધાણી સોડમદાર હોય છે. ધાણાજીરું બનાવવા માટે એ બેસ્ટ છે. ૧ કિલો ધાણી સાથે ૧૦૦ ગ્રામ જીરું તથા ૧૦ ગ્રામ તમાલપત્ર તથા બાકીનો તૈયાર મસાલો આવે છે એ નાખી ધાણા-જીરું પિસાવવાથી સોડમદાર પાઉડર તૈયાર થાય છે. બજારમાં ધાણા-જીરું પાઉડર પણ રેડીમેડ મળે છે, જે સરસ હોય છે. તૈયાર પાઉડર ખરીદતાં પહેલાં થોડો ખરીદી એની ટેસ્ટ કર્યા પછી વધુ લેવાનો નિર્ણય કરવો.

સ્ટોર કેવી રીતે કરશો? 
પીસેલાં ધાણા-જીરુંને ચાળણીથી ચાળી લો અને એમાં નવશેકું દિવેલ ઉમેરી મોઈ લો તથા ડબ્બામાં ભરી હાથથી દબાવી લો. એને એમ જ રાખશો તો એમાં ધનેડા પડી જશે, પણ જો બરાબર દબાવીને જરાય હવા ન જાય એમ ભર્યું હશે તો લાંબો સમય ટકશે.જો ધાણા-જીરું પાઉડર રેડી લીધો હોય તો પૅકેટને જરૂર મુજબ જ ખોલો. એકસાથે બધાં પૅકેટ ખોલી ડબ્બામાં ન ભરો. જો આ રીતે કરશો તો બારેમાસ મસાલા સારા રહેશે એની ગૅરન્ટી.

જીરું અને રાઈ
આજકાલ જીરું-રાઈ મશીનમાં સાફ થયેલાં ક્લીન અને પૅકેટમાં આવે છે. એથી જરૂર મુજબ જ પૅકેટ ખોલશો તો આખું વરસ નહીં, બે વરસ સુધી પણ એ બગડતાં નથી. 

વરિયાળી 
મશીન ક્લીન આ બધી ચીજો હોવાથી હવે એ ખરાબ થવાનો ડર નથી રહેતો. 
હા, થોડી સાવધાની રાખશો તો બારેમાસ મસાલા સચવાઈ રહેશે એ નક્કી છે.

Whatsapp-channel Whatsapp-channel

02 April, 2024 10:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK