Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

ટેસ્ટી ભી એનર્જેટિક ભી

29 September, 2022 04:23 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

રોજ-રોજ સાબુદાણાની ખીચડી ખાઈને તમે પણ કંટાળી ગયા હો તો વર્ષા ચિતલિયા કેટલીક રસોઈની શોખીન મહિલાઓ પાસેથી લઈ આવ્યાં છે એવી રેસિપીઓ જે સ્વાદની સાથે ગરબા રમવાની એનર્જી પણ જાળવશે

ટેસ્ટી ભી એનર્જેટિક ભી

ટેસ્ટી ભી એનર્જેટિક ભી


નવરાત્રિ સૌથી લાંબું ચાલતું પર્વ હોવાથી આ નવ દિવસ દરમ્યાન જે લોકો ઉપવાસ કરે છે તેમના માટે રોજ ફરાળમાં શું ખાવું એ વિકટ પ્રશ્ન છે. રોજ-રોજ સાબુદાણાની ખીચડી ખાઈને તમે પણ કંટાળી ગયા હો તો વર્ષા ચિતલિયા કેટલીક રસોઈની શોખીન મહિલાઓ પાસેથી લઈ આવ્યાં છે એવી રેસિપીઓ જે સ્વાદની સાથે ગરબા રમવાની એનર્જી પણ જાળવશે

ફરાળી ટોસ્ટ સ્વીટ
સામગ્રી : ચાર શક્કરિયાં (સ્વીટ પૅટેટો), એક ચમચો દહીં, એક ચમચી સીંગદાણાનો ભૂકો, બે ચમચી બારીક સમારેલી કોથમીર, મીઠું અને સાકર સ્વાદ અનુસાર, બટર, પનીર

રીત : શક્કારિયાંને ધીમી આંચ પર બાફી લો. ઠંડા થયા પછી છાલ ઉતારી વચ્ચેથી ઊભા બે ભાગ કરો. નૉન સ્ટિક પૅન પર બટર લગાવી શક્કરિયાંને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવા. સીંગદાણા, કોથમીર, દહીં, મીઠું, સાકર મિકસ કરી અધકચરું વાટી ચટણી બનાવવી. શક્કરિયાને પ્લેટમાં ગોઠવી એના પર બટર નાઇફ વડે ચટણી લગાવવી. પનીર અને કોથમીર વડે ગાર્નિશ કરી સર્વ કરવું. 


ફરાળી ડમ્પ્લિંગ

સેજલ મોદી, બોરીવલી

સામગ્રી : પૂરણ બનાવવા માટે અડધી વાટકી ફ્રેશ નાળિયેરનું ખમણ, બે ચમચી સીંગદાણાનો ભૂકો, બે ચમચી બારીક સમારેલી કોથમીર, બારીક કાપેલાં લીલાં મરચાં, ૬-૭ સમારેલા મનુકા, પનીર (ઑપ્શનલ), મીઠું , સાકર સ્વાદ પ્રમાણે, આઉટર લેયર માટે એક વાટકી શીંગોડાનો લોટ
રીત : પૂરણ માટેની તમામ સામગ્રી સરખી રીતે મિક્સ કરી લેવી. ઇચ્છો તો પનીર ઍડ કરી શકો. 
એક વાસણમાં શીંગોડાનો લોટ કાઢો. અડધી વાટકી પાણીમાં મીઠું નાખી ઉકાળવા મૂકવું. (લોટ બાંધવાની રીત પર ખાસ ધ્યાન આપવું) મીઠાવાળું પાણી લોટમાં નાખી, હલાવીને પાંચ મિનિટ ઢાંકીને મૂકી રાખો. ત્યાર બાદ હથેળી પર તેલ લગાવી લોટને પાંચ મિનિટ સુધી મસળવો. આ લોટમાંથી નાની-નાની પૂરી બનાવી પૂરણથી ફિલિંગ કરવું. મોદક, ઘૂઘરા, કચોરી એમ જુદા જુદા શૅપનાં ડમ્પલિંગ તૈયાર કરો. તમામ ડમ્પલિંગ રેડી થયા બાદ એને પંદર મિનિટ ફાસ્ટ ગૅસ પર અને પાંચ મિનિટ સ્લો ગૅસ પર સ્ટીમ કરવા. સ્વીટ દહીં અથવા દહીં-સીંગદાણાની ચટણી સાથે સર્વ કરવા. 
ચટણી બનાવવાની રીત  : એક વાટકી સીંગદાણાને શેકી છોતરાં કાઢી લેવાં. એમાં લીલાં મરચાં, મીઠું, સાકર અને દહીં ઉમેરી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવું. ઘીમાં જીરાનો વઘાર કરી ચટણીની ઉપર રેડી સર્વ કરો. 

રેડ વેલ્વેટ બરફી (ગાજર, બીટ ખાતા હોય તેમના માટે)

 

સીમા મકવાણા, બોરીવલી

સામગ્રી : બસો ગ્રામ દૂધી, દોઢસો ગ્રામ ગાજર, સો ગ્રામ બીટ, અઢીસો ગ્રામ સાકર, સો ગ્રામ મિલ્ક પાઉડર અને એટલી જ માત્રામાં દૂધ, સો ગ્રામ દેશી ઘી, ચપટી એલચીનો ભૂકો, ગાર્નિશિંગ માટે ડ્રાયફ્રૂટ્સ
રીત : દૂધી, ગાજર, બીટને ખમણી લો. પૅનમાં દેશી ઘી લઈ એમાં ખમણ નાખી દો. ધીમી આંચે થોડું ચડવા દો. વચ્ચે વચ્ચે હલાવતાં રહો. ત્યાર બાદ એમાં દૂધ, સાકર અને એલચીનો પાઉડર નાખી ડ્રાય થાય ત્યાં સુધી હલાવો. જુદા જુદા મોલ્ડમાં નાખી ઠંડું થવા દો. ડ્રાયફ્રૂટ્સથી સજાવીને સર્વ કરો.

માવા-મિલ્ક કોકોનટ કેક

પુનિતા શેઠ, કાંદિવલી

સામગ્રી : એક કપ માવો, એક કપ મિલ્ક, અડધો કપ સાકર, અડધો કપ સૂકા કોપરાનું છીણ, એલચી પાઉડર, બદામ
રીત : માવાને બદામી રંગનો થાય ત્યાં સુધી શેકી લો. (જરૂર જણાય તો ઘી લેવું). એક પૅનમાં દૂધ ગરમ કરવું. ઊભરો આવે એટલે એમાં માવો નાખીને સરખી રીતે હલાવવું. સરખું મિક્સ થાય પછી સાકર અને કોપરાનું છીણ નાખવું. ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતાં રહો. ત્યાર બાદ ગૅસ પરથી ઉતારી, ચોકીમાં 
પાથરીને ઠંડું પડવા દો. ઇચ્છો તો ફ્રિજમાં મૂકી શકો છો. બદામથી ડેકોરેટ કરી સર્વ કરો. 

નૉન-ફ્રાઇડ સાબુદાણા શૉટ્સ

સામગ્રી : સો ગ્રામ સાબુદાણા, સો ગ્રામ શેકેલા સીંગદાણાનો ભૂકો, ત્રણ મધ્યમ કદના બટેટા, સાકર, મીઠું, લીંબુ, આદુ-મરચાંની પેસ્ટ, મરી પાઉડર, બારીક સમારેલી કોથમીર, દહીં. અપમ બનાવવાની લોઢી 
રીત :    સાબુદાણાને ત્રણ-ચાર કલાક પલાળવા. બટેટાને બાફીને માવો તૈયાર કરવો. એમાં સાબુદાણા, સીંગનો ભૂકો, કોથમીર, આદુ-મરચાં, મીઠું, લીંબુ નાખીને સરખી રીતે મિક્સ કરી નાના-નાના બૉલ્સ બનાવી લો. દહીંને ઘોળી એમાં સાકર, મરી પાવડર અને કોથમીર નાખી ફ્રિજમાં ચિલ્ડ કરવા મૂકો. હવે અપમની લોઢી ગૅસ પર ગરમ કરવા મૂકવી. બધાં ખાનાંમાં સહેજ તેલ લગાવી સાબુદાણાના બૉલ્સ મૂકવા. બૉલ્સની ઉપર પણ સહેજ તેલ લગાવવું. થોડી-થોડી વારે ફેરવવું. બ્રાફન કલર આવે પછી ઉતારી લેવા. નાની સાઇઝના ગ્લાસમાં ચિલ્ડ દહીં રેડી એના પર બૉલ્સ મૂકી સર્વ કરો.

પટેટો પૅન કેક

સામગ્રી : એક કાચું બટેટું, એક બાફેલું બટેટું, એક બારીક સમારેલું મરચું, બે ચમચી ચીઝ, ચપટી મરી પાઉડર, મીઠું અને ઘી
રીત : બન્ને બટેટાને છીણી લેવું. એમાં મસાલા ઍડ કરો. હળવા હાથે કેકની જેમ વાળી લો. તવાને ગરમ કરવા મૂકો. એના પર ઘી લગાવી કેકને બન્ને બાજુ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.  દહીં અથવા સીંગદાણાની ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

ફરાળી પીત્ઝા

સામગ્રી : એક કપ રાજગરાનો લોટ, પા કપ આરા લોટ, એક નાની સાઇઝનું બાફેલું બટેટું, એક ચમચી બેકિંગ પાઉડર, અડધી ચમચી બેકિંગ સોડા, એક ચમચી સાકર, અડધી ચમચી મીઠું, બે ચમચી દહીં, એક ચમચી બટર
ટોપિંગ માટે : લાલ, લીલાં ને પીળા મરચાં, મોઝરેલા ચીઝ, ઉપર ભભરાવા માટે ઓરેગૅનો, ચિલી ફ્લેક્સ, કાળાં મરી ને મીઠું
રીત : સૌપ્રથમ એક વાસણમાં રાજીગરાનો લોટ લો. એમાં આરા લોટ, સાકર, મીઠું, બટર, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા લઈ મિક્સ કરી લો. દહીં ઉમેરીને ના તો બહુ કડક ના તો બહુ ઢીલો એવો લોટ બાંધી લેવો. એને અડધો કલાક સાઇડમાં મૂકી દો. બાંધેલા લોટમાંથી પીત્ઝા રોટી બનાવો. ત્યાર બાદ બાદ બેકિંગ ટ્રે પર ઍલ્યુમિનિયમ ફૉઇલ પાથરી કોરો લોટ ભભરાવો. રોટીને ટ્રેમાં મૂકી ઉપર થોડું બટર લગાવો. એના પર લાલ, લીલાં, પીળાં મરચાં, મીઠું, મરી, ચીઝ, ચિલી ફ્લેક્સ, ઓરેગાનોથી સજાવી લો. ૧૮૦...પર પ્રી-હિટ અવનમાં ૧૫ મિનિટ માટે બેક કરવો. રેડી છે આપણો ફરાળી પીત્ઝા. (ફરાળમાં ટમેટાંની છૂટ રાખી હોય તો ઍડ કરી શકાય)

Whatsapp-channel Whatsapp-channel

29 September, 2022 04:23 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK