આ સીઝનમાં ઘઉંના લોટને રિપ્લેસ કરીને કેવી-કેવી અવનવી વાનગીઓ બનાવી શકાય એ જાણીએ શેફ નેહા ઠક્કર પાસેથી
આ છે ટ્રાય કરવા જેવી વાનગીઓ
આ સીઝનમાં શરીરને ગરમાટો અને તાકાત બન્ને આપે એવી ચીજો ખાવાની હોય. બાજરી એમાં બરાબર બંધ બેસે છે ત્યારે આ સીઝનમાં ઘઉંના લોટને રિપ્લેસ કરીને કેવી-કેવી અવનવી વાનગીઓ બનાવી શકાય એ જાણીએ શેફ નેહા ઠક્કર પાસેથી
બાજરા પીત્ઝા
ADVERTISEMENT
સામગ્રી : પીત્ઝા બેઝ બનાવવા માટેની સામગ્રી ઃ ૧ મોટો બાઉલ બાજરીનો લોટ, ૧/૨ કપ જવનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, બે ચમચી તેલ, પાણી જરૂર પ્રમાણે, પીત્ઝા સૉસ જરૂર મુજબ.
૧/૨ સમારેલું કૅપ્સિકમ, ૧ ડુંગળી ઝીણી સમારેલી, ઝીણા સમારેલા મકાઈના દાણા, ૧ ચમચી ચિલી ફ્લેક્સ, ૧ ચમચી ઑરેગાનો, ચીઝ, ટમૅટો કેચપ, પીત્ઝા રોટલો શેકવા માટે બટર.
બનાવવાની રીત : સૌપ્રથમ ડુંગળી, કૅપ્સિકમ અને કૉર્નને સમારી લેવાં.
હવે લોટ બાંધવા માટે એક બાઉલમાં બાજરીનો લોટ, જવનો લોટ, મીઠું, અને તેલ નાખી મીડિયમ સૉફ્ટ એવી કણક બાંધી લેવી. પછી એમાંથી લૂઓ લઈ એનો રોટલો વણી લેવો અને ફૉર્કની મદદથી કાપા કરી લેવા. પછી આ બેઝને બન્ને બાજુ બટરથી ક્રિસ્પી શેકી લેવો.
પછી એના પર પીત્ઝા સૉસ લગાવી એના પર ડુંગળી, કૅપ્સિકમ, મકાઈના દાણા અને ચીઝ મૂકી ચિલી ફ્લેક્સ, ઑરેગાનો નાખી ધીમા ગૅસ પર ઢાંકીને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી શેકાવા દેવું.
પછી ગરમા ગરમ બાજરી ના લોટ ના પીત્ઝા ને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરવા..
બાજરાની ફૂલવડી
સામગ્રી : ૨૦૦ ગ્રામ બાજરાનો લોટ, ૫૦ ગ્રામ બારીક સૂજી, અડધો કપ દહીં, બે ચમચી તલ, ૧ ચમચી આખા ધાણા અધકચરા વાટેલા, બે ચમચી મરી અધકચરાં વાટેલાં, ૧ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી ખાવાનો સોડા, ૧/૨ ચમચી હળદર, બે ચમચી ખાંડ, બે ચમચી લાલ મરચું પાઉડર, બે ચમચી તલ, તેલ તળવા માટે, સ્વાદ પ્રમાણે મીઠું, પાણી જરૂર પ્રમાણે.
બનાવવાની રીત : સૌપ્રથમ ઘરે જો ઘંટીમાં લોટ દળતા હો તો બાજરીનો થોડો કકરો લોટ રાખવો. હવે દહીંમાં ગરમ મસાલો, હળદર, લાલ મરચું પાઉડર, ખાંડ, બેકિંગ સોડા ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે બાજરીના લોટમાં સૂજી, તલ, ધાણા, મરી, તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે દહીંમાં બધું મિક્સ કરીને રાખ્યું હતું એનાથી કઠણ લોટ બાંધવો. જરૂર પડે તો જ પાણી ઉમેરવું. હવે બાજરીનો લોટ છે એટલે દસ મિનિટ જ રેસ્ટ આપવો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું અને લોટમાં ૧ ચમચો ગરમ તેલ ઉમેરી બરાબર મિક્સ કરો. હવે ફૂલવડીના ઝારાથી ગરમ તેલમાં ક્રિસ્પી થાય એવી ફૂલવડી તળી લો. તૈયાર છે સ્વાદિષ્ટ બાજરીના લોટની ફૂલવડી.
બાજરીના લોટની ડ્રાયફ્રૂટ સુખડી
સામગ્રી : ૧ કપ બાજરીનો લોટ, ૧/૨ કપ ગોળ, ૧/૨ કપ ઘી, બે ચમચી તલ, બદામ-કાજુ, ૧ ચમચી સૂંઠ પાઉડર.
બનાવવાની રીત : સૌપ્રથમ પૅનમાં તલને શેકી લેવા. હવે એ જ પૅનમાં ઘી લેવું. ગરમ થાય એટલે એમાં બાજરીનો લોટ નાખીને એને હલાવતા રહીને શેકવું. લોટ ધીમા તાપે જ શેકવો. સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકવું. હવે એમાં થોડા તલ અને ડ્રાયફ્રૂટ નાખી મિક્સ કરી લેવું. હવે સમારેલો ગોળ ઉમેરી સરખું હલાવી લેવું અને એક થાળીમાં એને પાથરી દેવું અને એના પીસ પાડી દેવા. ઉપર તલ ભભરાવી દેવા. બદામથી ગાર્નિશ કરી ઠંડી પડે એટલે સર્વ કરવી. તો તૈયાર છે શિયાળામાં ગરમ-ગરમ બાજરીની સુખડી.
બાજરી પૅનકેક
સામગ્રી : દોઢ કપ બાજરાનો લોટ, ૧/૨ કપ રવો, ૧ કપ ક્રશ કરેલા ઓટ્સ, ૧ કપ મેથીની ભાજી, ૧ કપ લીલું લસણ, ૨ લીલી ડુંગળી, ૧/૨ કપ કોથમીર, ૧/૨ ચમચી અજમો, ૧ ચમચી તલ, ચપટી હિંગ, ૧/૨ ચમચી હળદર, ૧/૨ કપ દહીં, મીઠું સ્વાદ પ્રમાણે, ચપટી સોડા.
બનાવવાની રીત : સૌથી પહેલાં લીલી ડુંગળી, લીલું લસણ, મેથી અને કોથમીરને ઝીણાં સમારી લો. હવે એક બાઉલમાં બાજરાનો લોટ, રવો, ઓટ્સ પાઉડર મિક્સ કરો. હવે એમાં ઉપરની બધી સામગ્રી ઉમેરી બરાબર મિક્સ કરો. જરૂર પ્રમાણે પાણી ઉમેરી થિક બૅટર તૈયાર કરવું. એક નૉનસ્ટિક પૅન ગરમ કરો. એમાં તેલ લગાવી થોડા તલ નાખો. હવે બૅટરમાંથી નાની પૅનકેક પાથરી બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવી. તો તૈયાર છે શિયાળામાં મજા આવી જાય એવી બાજરી પૅનકેક.
મિક્સ વેજ બાજરી અપ્પમ
સામગ્રી : ૧ કપ બાજરીનો લોટ, ૧/૪ કપ લીલા વટાણા, ૧/૮ કપ છીણેલું ગાજર, ૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર, ૧/૪ કપ ઝીણું સમારેલું કૅપ્સિકમ, ૧ ચમચી
આદું-મરચાંની પેસ્ટ, મીઠું સ્વાદાનુસાર, ૧ ચમચી લાલ મરચું, ૧/૪ ટી-સ્પૂન હળદર, ૧ ચમચી ગરમ મસાલો, ચપટી ખાવાનો સોડા, ૧ ચમચી તેલ.
બનાવવાની રીત : સૌપ્રથમ એક બાઉલમાં બાજરીનો લોટ લઈ એમાં બધી શાકભાજી ઉમેરો અને બધા મસાલા ઉમેરો. બધું બરાબર મિક્સ કરી થોડું-થોડું પાણી મિક્સ કરી ઇડલીના ખીરા જેવું તૈયાર કરો. હવે અપ્પમ પૅનમાં તેલથી ગ્રીસ કરી એક ચમચી ખીરું ઉમેરો. ગોલ્ડન બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી એને થવા દો. પછી બીજી બાજુ ફેરવી ફરીથી ગોલ્ડન કલરના થવા દો. ગરમ-ગરમ અપ્પમ ચટણી કે કેચપ સાથે સર્વ કરો.