Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ચાની સાથે ભજિયાં ખાવાનું મજાનું તો છે જ, હેલ્ધી પણ છે

ચાની સાથે ભજિયાં ખાવાનું મજાનું તો છે જ, હેલ્ધી પણ છે

05 July, 2024 06:53 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વરસતા વરસાદમાં કંઈક તળેલું ખાવાનું ક્રેવિંગ થતું હોય તો ગિલ્ટ ફીલ કરવાની જરૂર નથી. પ્રમાણભાન સાથે ભજિયાં ખાઈ લેવામાં કંઈ વાંધો નથી. એવી જ રીતે આ સીઝનમાં ચા પીવાની લિજ્જત પણ કંઈ ઓર જ છે અને જો એ મસાલાવાળી હોય તો ફાયદાકારક જ છે

ચા અને ભજિયાં

ચા અને ભજિયાં


ચા શબ્દનું નામ પડતાં જ આપણા મુખ પર પણ ચાના રંગ જેવી લાલિમા પથરાઈ જાય છે. મોટા  ભાગના લોકોની સવાર ચા વગર પડતી નથી. સવારના પહોરમાં ચા પીતાંની સાથે તન-મનને સ્ફૂર્તિનો અનુભવ થાય છે. એમાંય વરસાદના દિવસોમાં તો ચા પીવાની તલબ વધી જાય છે. એવી જ રીતે ચોમાસામાં ભજિયાં ખાવાનું પણ મન થઈ જાય છે. આ ચા અને ભજિયાં બન્ને હેલ્ધી પણ સાબિત થઈ શકે છે.


ભજિયાં ખાવાની મોસમઆપણે ત્યાં કહેવત છે પડતા મૂકી કજિયા, ખાઓ ચા સાથે ભજિયાં! સમય બદલાય, ઋતુપરિવર્તન થાય ત્યારે ઘણા વૉટ્સેપિયા ઋતુ પ્રમાણે ફોન-સલાહનો ધોધ વહેવડાવવા માંડે. થોડા જ દિવસોમાં એવા મેસેજ ફરતા થઈ જશે કે ચોમાસામાં તળેલાં ભજિયાં ન ખવાય. અપચો થાય. ઍસિડીટી વધે વગેરે-વગેરે. જોકે બોરીવલીના જનરલ ફિઝિશ્યન ડૉક્ટર સંજય ત્રિવેદી કહે છે, ‘સામાન્ય માણસો કોઈ પણ ઋતુમાં તેમને જે ભાવે એ ખાય તો કશો જ વાંધો નથી. ન ભાવતું ખાવા જાય તો સ્વાભાવિક છે ઓછું ખવાય અને ઓછું ખવાય તો પોષણને લગતી બીજી સમસ્યાઓ ઉદ્ભવે. એકલી ચા પીવા કરતાં ચા સાથે બિસ્કિટ કે બટાટાપૌંઆ ખાવાથી ચાની ખરાબ અસર ઓછી થાય. આ જ રીતે ચોમાસામાં મૂડ આવે તો ચા સાથે ભજિયાં ચોક્કસ ખાવાં.’


ભજિયાંમાં બધું જ મળે છે

ભજિયાંને અનહેલ્ધી તરીકે બહુ વગોવવામાં આવ્યાં છે પણ જો પ્રમાણસર ખાવામાં આવે તો એમાં શરીરને જરૂરી ત્રણેય મુખ્ય તત્ત્વો છે એમ જણાવતાં ડૉ. સંજય ત્રિવેદી કહે છે, ‘ભજિયાંમાં બટાટા હોય તો એ કાર્બોહાઇડ્રેટ્સ આપે, ચણાના લોટમાં પ્રોટીન હોય અને સારા શિંગતેલમાં તળ્યાં હોય તો શરીરને ચરબી પૂરી પાડે.’


ઘણા લોકો તેલ કે તૈલી પદાર્થ ખાવાથી ડરે છે, પણ ડૉક્ટરસાહેબ કહે છે કે તેલ, કે પછી માખણ કે ઘીના સ્વરૂપમાં શરીરને ફૅટ્સ પૂરી પાડવી જ પડે. આપણા શરીરનો શેપ છે એ ચરબીના કારણે છે. મગજના સ્તર ચરબીમાંથી બન્યા છે. ૧ કિલોગ્રામ વજનદીઠ રોજની એક ગ્રામ ચરબી માણસે લેવી જોઈએ અર્થાત્ ૬૫ કિલો વજનવાળી વ્યક્તિએ રોજની ૬૫ ગ્રામ ચરબી ખાવી જોઈએ; પછી એ ઘી હોય, તેલ હોય કે માખણ.

આ રીતે જોઈએ તો બટાટાનાં ભજિયાં કે બટાટાવડાં સંપૂર્ણ ખોરાક કહેવાય. વળી ભજિયાં બનાવવામાં મેથી, કેળાં, કાંદા, મરચાં કે સરગવા કે પાલકનાં પાન જેવી શાકભાજી કે પાંદડાં વપરાય તો શરીરને જોઈતાં વિટામિન્સ કે મિનરલ્સ મળે છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘આ બધાં તત્ત્વો કે ભજિયાં બનાવવામાં વપરાતા મસાલાઓ કુદરતની દેણ છે. એમનો કુદરતી સ્વરૂપમાં ઉપયોગ કરવાથી શરીરમાં પોષણ આપે છે અને ઔષધી જેવું પણ કામ આપે છે. મોંકાણ ત્યારે ઊભી થાય જ્યારે કોઈ હલકા પ્રકારના તેલ કે ભેળસેળવાળા મસાલા વપરાયા હોય.’
મસાલાવાળી ચા

ગુજરાતીઓની પહેલી પસંદ જે ચા છે એમાં સામાન્ય રીતે ચામાં દૂધ, પાણી, સાકર અને ચાની ભૂકી વપરાતી હોય છે; પરંતુ તમારી અને મારી મમ્મીઓ અને દાદીમાઓ વિવિધ મસાલાઓને ખાંડી, ચાળી, ડબ્બાઓમાં ભરી રાખતી. મસાલાવાળી ચા સ્વાદિષ્ટ તો હોય જ છે અને સાથે-સાથે ગુણકારી પણ હોય છે. આમાં મુખ્યત્વે સૂંઠનો પાઉડર તેમ જ તજ, લવિંગ અને મરીનો ભૂકો હોય છે. આ મસાલા ઉષ્ણ પ્રકૃતિના હોઈ ચોમાસામાં બહુ પ્રસરતી કફવિશેષ બીમારીઓ, શરદી- સળેખમ, ખાંસી-ઉધરસ સામે શરીરને રક્ષણ આપે છે.

ચામાં લીલી ચા નાખીને પીધી હોય તો એમાં રહેલાં ઍન્ટિઑક્સિડન્ટ્સ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તુલસીવાળી ચા કફનાશક છે. ફુદીનાવાળી ચા ચોમાસામાં પ્રવર્તતા વાયુપ્રકોપ સામે રક્ષણ આપે છે. પામતા-પહોંચતા લોકો ચામાં એલચી કે કેસર નાખીને પણ પીતા હોય છે.

વર્ષો પહેલાં ભારતમાં ચાનું ચલણ નહોતું, પરંતુ અંગ્રેજોએ આદત પાડ્યા પછી એ આજે ઘરમાં ‘મસ્ટ હૅવ’ સામગ્રીનું સ્થાન ભોગવે છે. ઘરમાં કોઈ ચા ન પીતું હોય તો પણ મહેમાનો માટે ચા  રાખવી પડે છે. જોકે આ વિદેશી પીણામાં મસાલા-તેજાના નાખી આપણે એને સંપૂર્ણ ભારતીય બનાવી દીધી છે, જે સ્વાદ સાથે સ્વાસ્થ્ય પણ આપે છે. 
આ વરસાદી ઋતુમાં તમે તમારી

રુચિ કે ક્ષમતા અનુસાર ચા કે ભજિયાં 
ખાઈ-પીને સ્વાદ, પોષણ અને સ્વાસ્થ્ય કોઈ પણ જાતના ટેન્શન વગર મેળવી શકો છો. પાચન ખરાબ હોય કે કોઈ વિશેષ બીમારીનો ઇતિહાસ ધરાવતી વ્યક્તિએ કોઈ પણ જાતનો અતિરેક ટાળી ફૅમિલી-ડૉક્ટરના માર્ગદર્શન પ્રમાણે આ ચીજવસ્તુઓનો ઉપભોગ કરવો જોઈએ.

ચા પહેલાં પાણી કેમ પીવું જોઈએ?

આપણે ત્યાં ચા પીધી એમ પૂછવું હોય તો સામાન્ય રીતે એમ પૂછવામાં આવે છે કે ચાપાણી પીધાં? રસ્તા પર ચાની લારી કે હાટડી ધરાવનાર પણ ચા સાથે પાણીની વ્યવસ્થા અચૂક રાખે છે. મોટા ભાગના માણસો ચાનો ઑર્ડર આપે ને પછી ચા બનતી હોય એ દરમ્યાન પાણી પણ પી લેતા હોય છે. ઘર કે ઑફિસમાં પણ ચા-કૉફી આવે એ પહેલાં લોકો પાણીનો ઘૂંટડો પી લેતા હોય છે. આ ચા અને પાણીનો શું સંબંધ હશે એવો કોઈ વાચક મિત્રને પ્રશ્ન થતો હોય તો આનંદો, હવે એનો ઉત્તર મળી ગયો છે.

ચામાં ઍસિડ બનાવવાની ક્ષમતા છે. બૅન્ગલોરની અપોલો હૉસ્પિટલની ચીફ ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ ડૉ. પ્રિયંકા રોહતગીના કહેવા મુજબ ચા ઍસિડિક પ્રકૃતિની હોય છે. આ ઍસિડિક નેચર pH વૅલ્યુથી મપાય છે. ૭ કરતાં ઓછો pH હોય એવા ખાદ્ય પદાર્થો ઍસિડિક ગણાય છે. સામાન્ય કાળી ચામાં pH વૅલ્યુ ૪.૯થી ૫.૫ સુધી હોય છે. મતલબ કે એ શરીરમાં ઍસિડિટી વધારી શકે છે. ઘણા લોકોનો જાતઅનુભવ છે કે તેમને ચા પીધા પછી ઍસિડિટી થતી હોય છે. વળી ચામાં જે કડવો-તૂરો સ્વાદ હોય છે એ એમાં રહેલા ટૅનિનને કારણે હોય છે. ટૅનિન વધારેપડતું  શરીરમાં જવાથી ચયાપચયની પ્રક્રિયા ધીમી પડી જાય છે. પેટમાં દર્દ, ઍસિડિટી કે ઊલટી-ઊબકા આવવાની ફરિયાદ પણ જોવા મળી શકે.

ડૉ. રોહતગી જણાવે છે કે આ જ કારણે અમે લોકોને ચા પીવાની પંદર મિનિટ પહેલાં એક ગ્લાસ પાણી પીવાની સલાહ આપીએ છીએ. પાણી પીવાથી ટૅનિન પેટની અંદર મંદ થઈ જાય છે અને ઝડપથી કિડનીમાં જઈ પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને પેટ પર ખરાબ અસર થતી નથી. પાણી પીવાથી મોં અને દાંત પર પણ પાણીનું એક સ્તર રચાય છે, જેનાથી દાંત પર પણ ટૅનિનની અસર ઓછી કરવામાં મદદ મળે છે. આમ ચા પીતાં પહેલાં પાણી પીવાથી ખરેખર પાણી પહેલાં પાળ બાંધી શકાય છે.

Whatsapp-channel Whatsapp-channel

05 July, 2024 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK