Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > બબલ ટીની બોલબાલા ભલે રહી, રાતે લટાર મારતી વખતે ન પીતા

બબલ ટીની બોલબાલા ભલે રહી, રાતે લટાર મારતી વખતે ન પીતા

30 May, 2024 07:27 AM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

હાઈ શુગરવાળાં ડ્રિન્ક્સ ક્યારેય હેલ્ધી હોઈ શકે ખરાં? હા, જો એનો સમજી-વિચારીને ઉપયોગ કરવામાં આવે તો

ગરમ પણ પિવાય... મોટા ભાગે ઇન્ડિયામાં બબલ ટી કોલ્ડ જ પિવાય છે; પરંતુ ચીન, તાઇવાન અને અન્ય એશિયન દેશોમાં વિન્ટરની સીઝનમાં હૉટ બબલ ટી પણ પિવાય છે

ગરમ પણ પિવાય... મોટા ભાગે ઇન્ડિયામાં બબલ ટી કોલ્ડ જ પિવાય છે; પરંતુ ચીન, તાઇવાન અને અન્ય એશિયન દેશોમાં વિન્ટરની સીઝનમાં હૉટ બબલ ટી પણ પિવાય છે


બે વર્ષ પહેલાં મુંબઈના એક મૉલના કાઉન્ટર પર વેચાવી શરૂ થયેલી એ બોબા ટીનાં પાર્લર્સ હવે મુંબઈના ચોરે અને ચૌટે ખૂલી રહ્યાં છે. યંગસ્ટર્સમાં બહુ જ ઍટ્રૅક્શન ધરાવતા આ તાઇવાનીઝ પીણાને કેટલાક લોકો હેલ્ધી ડ્રિન્ક તરીકે પ્રમોટ કરી રહ્યા છે. જોકે હાઈ શુગરવાળાં ડ્રિન્ક્સ ક્યારેય હેલ્ધી હોઈ શકે ખરાં? હા, જો એનો સમજી-વિચારીને ઉપયોગ કરવામાં આવે તો


ચા એક એવું યુનિવર્સલ પીણું છે જે દુનિયાના કોઈ પણ છેડે જાઓ તો મળી જ જાય. અલબત્ત, દરેક પ્રાંત, દેશ અને પ્રદેશની પોતાની આગવી ચા બનાવવાની રીત હોય છે. ચાની પત્તી લગભગ એકસરખી જ હોય છે, પરંતુ એમાંથી ૧૫૦૦થી વધુ ટાઇપની ચા વિશ્વમાં પિવાય છે. મોટા ભાગે ચાની પત્તીઓના પ્રોસેસિંગના હિસાબે અવનવી ચાની ફ્લેવર અને ટાઇપ્સ પેદા થતી હોય છે, પરંતુ હવે જાણે એ ક્રીએટિવિટીમાં ઓટ આવી છે અેટલે એમાં જાતજાતની ચીજો નાખીને ચા બનવા લાગી છે. આવું એક ક્રીએશન છે બબલ ટી, જેણે આજકાલ યંગસ્ટર્સમાં સારોએવો ક્રેઝ જમાવ્યો છે. અલબત્ત, આ બબલ ટી પણ કંઈ નવી નથી. એની શોધ પણ છેક ૩૫-૩૬ વર્ષ પહેલાં થયેલી છે.



ક્યાંની છે બબલ ટી?


બોબા ટી, પર્લ ટી અને બબલ ટીના નામે ઓળખાતી આ ચા ઇન્વેન્ટ થઈ હતી ૧૯૮૦ના દાયકાના અંત ભાગમાં તાઇવાનમાં. અલબત્ત, કોણે શોધેલી એમાં વિવાદ છે. કેટલાક લોકોના મતે લિઉ હા-ચિહ નામના તાઇવાનીઝ ચાવાળાએ તેના ટી-હાઉસમાં ગ્રીન ટીની અંદર બબલ્સ નાખીને વેચવાનું શરૂ કર્યું હોવાનું મનાય છે. તો કેટલાકના મતે તાઇચુન્ગ શહેરના ચુન શુઈ તાંગ અથવા તાઇનાન શહેરના હાનલીન ટી રૂમ નામના ટી-હાઉસ દ્વારા ૧૯૮૬ની સાલમાં શોધી હોવાનો દાવો

થાય છે. એ વખતના બબલ ટીના વર્ઝનમાં આઇસ્ડ ટીની અંદર ચાવવામાં મજા પડે એવા સ્ટાર્ચના બૉલ્સ ઉમેરવામાં આવ્યા હતા.


લગભગ ચાર દાયકા પહેલાં શોધાયેલી આ ચા અત્યારે મુંબઈ શહેરમાં ફેમસ થઈ ગઈ છે એટલું જ નહીં, હેલ્થ એક્સપર્ટ્સ પણ આ અળવીતરી દેખાતી ટીને ‘હેલ્ધી’ હોવાનું બિરુદ આપી રહ્યા છે ત્યારે થયું કે આપણે પણ નિષ્ણાત પાસેથી જાણી લેવું જોઈએ કે હકીકત છે શું.

બબલ શાના બનેલા હોય?

બબલ ટી ગ્લાસમાં ભરેલી જોવામાં જેટલી મજાની છે એટલી પીવામાં મજાની નથી, એમ છતાં લોકોમાં એનો ક્રેઝ કેમેય શમતો નથી. આ હેલ્ધી ઑપ્શન છે કે કેમ એ સમજતાં પહેલાં બબલ શાના બનેલા હોય એ સમજી લેવું પડે. હાથમાં લઈને રમાડવાનું મન થાય એવા પોચા, ચ્યુઇ અને રબરની જેમ ઊછળી પડતા બબલ્સ ટેપિઓકા સ્ટાર્ચ, બ્રાઉન શુગર અને પાણીમાંથી બને છે. ટેપિઓકા એટલે જેમાંથી આપણા સાબુદાણા બને છે એ જ સ્ટાર્ચનો કમ્પાઉન્ડ. આ સ્ટાર્ચ કસાવા નામના કંદમાંથી બને છે. બબલ ટી બનાવવામાં આ સ્ટાર્ચની અંદર પાણી અને શુગર મેળવીને બનાવેલી ગોળીઓને બાફવામાં આવે છે એટલે એ ફૂલીને દડા જેવી થઈ જાય છે. બીજા થોડાક કડક બોબા આવે છે એમાં ટેપિઓકાની સાથે શક્કરિયાંનો સ્ટાર્ચ ભેળવવામાં આવે છે, એને કારણે એ થોડાક ઓછા સૉફ્ટ અને વજનમાં વધુ ભારે હોય છે. આમ જોઈએ તો સાબુદાણા કે શક્કરિયાંનો સ્ટાર્ચ સફેદ રંગનો હોય છે, પણ એને કાળો રંગ આપવા માટે ડાર્ક કૅરેમલ કલર ઉમેરવામાં આવે છે. આ રંગ નૅચરલી પણ બને અને કેમિકલથી પણ. એટલે તમે જે બબલ્સ ખાઓ છો એ નૅચરલ કલરના છે કે કેમિકલ કલરના એ શંકાનો વિષય હંમેશાં રહેવાનો.  ફ્રેશ બનાવેલા નૅચરલ બબલ્સ બે-ત્રણ દિવસથી વધુ સારા રહેતા નથી.

શું એ ખરેખર હેલ્ધી છે?

હવે વાત કરીએ સ્ટાર્ચમાંથી બનેલા બબલની ટી પીવી કેટલી હેલ્ધી છે. અત્યાર સુધીમાં એશિયન દેશોમાં આ ટી પર થયેલા અભ્યાસોમાં એવા દાવા થયા છે કે બબલ ટી હાઈ શુગર, ફૅટ અને સિમ્પલ કાર્બોહાઇટ્રેટ ધરાવતું પીણું હોવા છતાં ફાયદાકારક છે. જો એ ઓછી શુગર સાથે લેવામાં આવે તો ટેપિઓકા સ્ટાર્ચમાંથી પોટૅશિયમ મળે છે અને રક્તવાહિનીઓ સાંકડી થતી અટકે છે. બબલ ટી તમને હાઇડ્રેટેડ રાખે છે અને એમાં વપરાતાં ચાના અર્ક અને એમાં રહેલાં ઉત્તમ ઍન્ટિ-ઑક્સિડન્ટ ગણાતાં કૅટેચિન અને ફ્લૅવોનૉઇડ્સ કેમિકલ્સને કારણે શરીરમાં ક્યાંય પણ ઑક્સિડેશનને કારણે થતા કોષોનું ડૅમેજ સુધરે છે અને માઇલ્ડ સોજા જેવું હોય તો ફાયદો થાય છે. આ દાવાઓ વિશે જાણીતાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘બોબા ટી માટે થયેલા ઉપરના દાવાઓ ત્યારે જ સાચા પુરવાર થાય જ્યારે એમાં શુગર કન્ટેન્ટ કન્ટ્રોલમાં લેવામાં આવી હોય. બોબા ટીની સાથે બીજી પણ વધારાની કૅલરી પેટમાં તમે ન પધરાવી હોય. ભરપેટ જમ્યા પછી રાતે લટાર મારવા નીકળો અને બબલ ટી પેટમાં ઠપકારો તો એ નકરી શુગર અને કૅલરી જ પેટમાં જમા કરે છે.’

તો ફાયદા ક્યારે થાય એ સમજાવતાં યોગિતાબહેન કહે છે, ‘બબલ ટીમાં હવે તો ગ્રીન ટી ઉપરાંત ક્રીમી મિલ્ક, ફ્રેશ ફ્રૂટ જૂસ અને ફ્લેવર્ડ સિરપવાળાં પીણાંનો પણ ઉપયાગ થવા લાગ્યો છે. આ ઘટકોમાંથી સમજી-વિચારીને પસંદગી કરવી જોઈએ. ફ્લેવર્ડવાળી આર્ટિફિશ્યલ ફ્લેવર્સને બદલે ગ્રીન ટી અથવા મિલ્ક કે ફ્રૂટ જૂસ સાથે આ કૉમ્બિનેશન સારું છે. એમાં જે બોબા નાખવામાં આવે છે એ ફ્રેશ અને નૅચરલી બનાવેલા હોય એ પણ જરૂરી છે. જો આવું હોય તો ટેપિઓકામાંથી બનેલા બોબાનો ફાયદો થાય. જોકે એ પીધા પછી તમને ઇન્સ્ટન્ટ શુગર સ્પાઇક થતી હોય છે એટલે આ ટી પીધા પછી જો તમે વર્કઆઉટ કરો તો એનાથી તમારી કસરત કરવાની એનર્જીમાં પણ સુધારો થાય અને તમે થાક્યા વિના લાંબો સમય વર્કઆઉટ કરી શકો. સમજવાનું એ છે કે બબલ ટીમાં બબલનું જે ફન એલિમેન્ટ ઉમેરવામાં આવ્યું છે એ પોતે અનહેલ્ધી નથી પરંતુ જો એ ભરેલા પેટે, બેઠાડુ જિંદગી સાથે લેવામાં આવે તો એ નુકસાન કરી શકે છે. બબલ ટી પીધા પછી જો એને પચાવી લેવાય એટલી ઍક્ટિવિટીઝ કરો તો એ ફાયદો કરી શકે.’

બબલ ટીના ગેરફાયદા પણ પૂરતા છે એ ભૂલવું નહીં

મોટા ભાગનાં બોબા પાર્લર્સમાં જે પ્રોડક્ટ પીરસાય છે એમાં શુગર-કન્ટેન્ટ પર કોઈ કન્ટ્રોલ નથી હોતો. ક્રીમી મિલ્કને કારણે ફૅટ પણ વધુ હોય છે અને બોબામાં ભરપૂર સ્ટાર્ચ. આને કારણે જેઓ વેઇટ લૉસ કરવા માગે છે એ લોકો માટે આ ટી વર્જ્ય છે એમ સમજવું. ડાયાબિટીઝ અને હાર્ટ ડિસીઝના દરદીઓ જો આ બબલ ટી રેગ્યુલરલી પીએ તો તેમને નુકસાન થાય. આ ચામાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ છે, પણ જે માત્રામાં કૅલરી પેટમાં જાય છે એની સરખામણીએ બીજાં ન્યુટ્રિઅન્ટ્સ ઓછાં છે એટલે એ વજન અને ફૅટ વધારનારી છે.

બબલ ટી એન્જૉય કરવી હોય તો આટલું ધ્યાન રાખજો

પોર્શન કન્ટ્રોલ કરવો. ક્યારે પીવી એનો યોગ્ય સમય નક્કી કરવો. રાતના લટાર મારતી વખતે તો નહીં જ. બને તો શુગર-ફ્રી અથવા લો-શુગર બબલ ટી ટ્રાય કરી શકાય.

Whatsapp-channel Whatsapp-channel

30 May, 2024 07:27 AM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK