Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝએક અંગ્રેજ અને એક ઝાલમૂડી

23 November, 2023 03:34 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

લંડનમાં બેઠાં-બેઠાં તમે ઝાલમૂડી ખાઓ છો જે એક અંગ્રેજે બનાવી છે. તમે જ કહો, આનાથી વધારે ખુશીની વાત બીજી કઈ હોઈ શકે?

સંજય ગોરડિઆ, અંગૂસન ડેનું ફૂડ ડ્રાઇવ

સંજય ગોરડિઆ, અંગૂસન ડેનું


આજે આપણે વાત કરવાની છે લંડનમાં મળતી એક એવી ઇન્ડિયન આઇટમની જે બનાવવાનું કામ ત્યાંનો બ્રિટિશર કરે છે! હા, બ્રિટિશર અને એ આઇટમનું નામ છે ઝાલમૂડી. આમ તો તમને અગાઉ એક વખત મેં ઝાલમૂડીની સ્વાદયાત્રા કરાવી હતી પણ અંગ્રેજના હાથની ઝાલમૂડીની વાત આવે તો પછી આપણાથી રહેવાય કેવી રીતે? ઍક્ચ્યુઅલી આ જે બ્રિટિશર છે તેનું નામ છે અંગુસ ડિનુન. લંડનમાં તે ઝાલમૂડી વેચે છે એવી ખબર મને બેત્રણ વર્ષ પહેલાં પડી એટલે મેં નક્કી કર્યું કે મારે તેના હાથની ઝાલમૂડી ખાવી. પણ બન્યું એવું કે હું જ્યારે પણ લંડન ટૂરમાં જાઉં ત્યારે આ અંગુસભાઈ બીજે ક્યાંક ગયા હોય અને મારે ધરમધક્કો થાય. સોશ્યલ મીડિયાથી અમે કૉન્ટૅક્ટમાં એટલે આ વખતે જ્યારે હું લંડન ગયો ત્યારે મેં પહેલાં જ જાણી લીધું હતું કે એ ભાઈ છે ક્યાં.

ઝાલમૂડીની વાત આપણે અગાઉ એક વાર કરી છે એટલે એના વિશે વધારે વાત કરવાને બદલે ટૂંકમાં સમજાવી દઉં કે આ એક પ્રકારની ભેળ છે, પણ એમાં આવતા મમરા નાના અને અંદરથી ભરેલા હોય છે. મૂળ બંગાળની આઇટમ, પણ બિહારમાં પણ એ ખાવાનું ચલણ મોટી માત્રામાં.
લંડન પહોંચીને મેં તો અંગુસને ફોન કર્યો કે આવતી કાલે હું ફ્રી છું તો તું ક્યાં બેસવાનો છે? આપણે ત્યાં લારી-ગલ્લા કે ખૂમચાવાળા સામાન્ય રીતે એક જ જગ્યાએ બેસતા હોય છે, પણ લંડનમાં એવું નથી હોતું. એ લોકો ફર્યા કરે અને જ્યાં મજા આવે ત્યાં પોતાનું કામ કરે. રાત પડે એટલે પોતાની વૅન લઈને ઘરભેગા થઈ જાય. અંગુસ વૅનમાંથી જ બિઝનેસ કરે અને આ જ તેનું કામચલાઉ ઘર છે.અંગુસ રહે છે બ્રિટનમાં ક્યાંક બહુ દૂર પણ સેન્ટ્રલ લંડન કે પછી આ બાજુના વિસ્તારમાં આવ્યો હોય તો એ રાતે પોતાની વૅનમાં જ સૂઈ જાય. વૅન તેણે એ પ્રકારની બનાવી છે કે એમાં તેનો સિંગલ બેડ આવી જાય અને વૅન તેનું ઘર બની જાય. સવારે વૅનમાંથી પોતાનો ઝાલમૂડીનો ખૂમચો કાઢે અને વૅનની બહાર ગોઠવીને કામ શરૂ કરી દે.
હું ફ્રી હતો એ દિવસે અંગુસ ઈસ્ટ હેમમાં હતો. ઈસ્ટ હેમ સ્ટેશનથી ઊતરીને તમે બહાર આવો કે જરા આગળ જતાં એક મોટું ગાર્ડન આવે છે, જેનું નામ પ્લેસેટ પાર્ક. ત્યાં અંગુસ ઝાલમૂડી વેચવાનો હતો. હું તો ચાલતો-ચાલતો પહોંચ્યો પ્લેસેટ પાર્ક અને મેં જોયું, એક વૅનની બહાર એક અંગ્રેજ ખૂમચો લગાડીને ઊભો હતો. ખૂમચો એટલે બંગાળમાં જે પ્રકારે લાલ-પીળા રંગથી શણગાર્યો હોય એવો જ ખૂમચો. મને જોઈને એ તો ખુશ થઈ ગયો કે કોઈ ઇન્ડિયાથી ખાસ તેને મળવા માટે અહીં સુધી આવ્યો છે.


મને વધુ તાલાવેલી તો તેની પાસેથી એ જાણવાની પણ હતી કે એ ઝાલમૂડી વેચતો કેવી રીતે થયો. વાત કરતાં ખબર પડી કે અંગુસ વર્ષો સુધી કલકત્તામાં રહ્યો અને તેને ત્યાં ઝાલમૂડી બહુ ભાવતી. સમય જતાં એ ફરી બ્રિટન આવી ગયો પણ ઝાલમૂડીનો પ્રેમ તેનો અકબંધ રહ્યો એટલે તેણે ઝાલમૂડીનો ખૂમચો જ શરૂ કરી દીધો.‘આ ઈસ્ટ હેમ જેવી જગ્યાએ જ શું કામ ઊભા રહેવાનું?’તેણે મને સરસ રીતે સમજાવ્યું અને કહ્યું કે આ વિસ્તારમાં બંગલાદેશીઓની વસ્તી બહુ મોટા પાયે છે, એ લોકોને ઝાલમૂડી બહુ ભાવે અને મારો ધંધો સારો ચાલે.
હું આગળ પૂછપરછ કરું એ પહેલાં તો માંહ્લો બકાસુર જાગ્યો અને એણે મને લાત મારીને આદેશ આપ્યો, હવે જલદી ઝાલમૂડી મંગાવ.

મેં જેવો ઑર્ડર કર્યો કે તેણે તરત જ પેપરનો કોન બનાવ્યો. અફકોર્સ પેપર જુદું હતું પણ કોન ડિટ્ટો એવો જ જેવો ઝાલમૂડી માટે બનાવવામાં આવે. પછી તેણે ઝાલમૂડીમાં વપરાતા મમરા જ લીધા અને એમાં સેવ, શિંગ, ચણાની દાળ નાખી અને પછી એના પર કાંદા, કાકડી અને ટમેટાં નાખી ઉપરથી મીઠું અને લાલ મરચું ભભરાવ્યું.એક આડવાત કહું. આ ઝાલમૂડીમાં કોઈ જાતની તીખી-મીઠી ચટણી નાખવામાં નથી આવતી પણ એમાં સરસવનું તેલ નાખવામાં આવે છે જે આપણે ત્યાં યુપી, બિહાર અને બંગાળ બેલ્ટમાં પુષ્કળ ખવાય છે. તૈયાર થયેલી ઝાલમૂડી પર તેણે સરસવનું તેલ નાખ્યું અને એ પછી એના પર જાતે બનાવેલો મસાલો નાખ્યો અને એની ઉપર કોથમીર અને એના ઉપર કોપરાના ઝીણા-ઝીણા ટુકડા કાપીને નાખ્યા અને સૌથી ઉપર લીલા નારિયેળનો એક લાંબો ટુકડો કાપીને મૂક્યો.


મેં તરત જ તેને કહ્યું કે કલકત્તામાં તો ઉપર સૂકું કોપરું મૂકે છે તો એ મારો બેટો મારાથી વધારે ઉસ્તાદ. મને કહે કે તમે સૂકું કોપરું પણ નાખી શકો અને લીલું કોપરું પણ નાખી શકો.
મારી ઝાલમૂડી તૈયાર કરી એમાં તેણે લાકડાની એક ચમચી મૂકીને મને આપી અને સાહેબ, એ જે મેં ખાધી છે, મને એમ જ લાગ્યું કે હું કલકત્તાના કોઈ બાંકડા પર બેસીને ઝાલમૂડી ખાઉં છું! સાચે... મારી આંખોમાં ભીનાશ આવી ગઈ કે એક માણસ આપણા દેશનો સ્વાદ લઈને લંડન આવે છે અને એ સ્વાદને પોતાની આજીવિકા બનાવે છે જ્યારે આપણે, આપણે એ સ્વાદને ક્યાંક ને ક્યાંક પાછળ છોડીને બર્ગર ને પીત્ઝા ને પાસ્તાની પાછળ ભાગી રહ્યા છીએ. 

અંગુસભાઈ થૅન્ક યુ. તમને પણ કહીશ કે લંડન જાઓ તો પ્લીઝ એક વાર અંગુસના હાથની આ ઝાલમૂડી ખાવા જજો અને તેને થૅન્ક યુ કહીને આવજો. ધારો કે તમે જઈ નથી શકતા તો ફેસબુક પર તેને શોધીને પણ થૅન્ક યુ કહેજો, નામ તો યાદ રહેગાના? અંગુસ ડિનુન. ભૂલના મત.
બહુ જરૂરી છે આ.

આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના અંગત છે.

Whatsapp-channel Whatsapp-channel

23 November, 2023 03:34 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK