ઍક્ટર આમિર દળવી ટ્રેડિશનલ ઇન્ડિયન ફૂડનો જબરદસ્ત શોખીન છે તો તેની પાસેથી અમુક કુકિંગ ટ્રિક્સ પણ અપનાવવા જેવી છે
આમિર દળવી
પૉપ્યુલર ટીવી સિરિયલ ‘બાલવીર રિટર્ન્સ’થી માંડીને ‘અલાદીન - નામ તો સુના હોગા’, ‘ભાગે રે મન’ અને ‘પરવરિશ’ જેવી અનેક ડેઇલી સોપમાં દેખાઈ ચૂકેલા અને અત્યારે સોની ટીવીના ‘દબંગી મુલગી આઈ રે આઈ’ નામના નવા શોમાં એન્ટ્રી કરનારો ઍક્ટર આમિર દળવી ટ્રેડિશનલ ઇન્ડિયન ફૂડનો જબરદસ્ત શોખીન છે તો તેની પાસેથી અમુક કુકિંગ ટ્રિક્સ પણ અપનાવવા જેવી છે
જુઓ, હું એક વાત કહી દઉં, હું બીજા જેવો નૉર્મલ ફૂડી ન હોઉં એવું તમને લાગશે, કારણ કે ખાવા માટે હું કોઈ પણ મર્યાદા ચૂકી જાઉં એવું ક્યારેય બન્યું નથી. ઇન ફૅક્ટ, દિલ્હીના છોલે-કુલચા બહુ ફેમસ છે એ જાણ્યા પછી પણ ત્રણ વાર દિલ્હીમાં લાંબો સમય રોકાયો હોઉં અને એ પછી પણ છોલે-કુલચા ખાધા વિના, અરે સહેજ અમસ્તો ટેસ્ટ કર્યા વિના પણ પાછો મુંબઈ આવ્યો હોઉં એવું એક્ઝામ્પલ હું છું. સાથોસાથ હું એ પણ કહું છું કે ટેસ્ટની ખબર મને પડે છે અને મારું ફેવરિટ ફૂડ આપણું ઇન્ડિયન ટ્રેડિશનલ ફૂડ છે.
ADVERTISEMENT
તમે મને દાલ-ચાવલ આપી દો. મારા માટે એ ઘણું છે. ઇન ફૅક્ટ, હું તો એ પણ કહીશ કે કોઈ પણ જાતનું હોમમેડ ફૂડ મારું સૌથી ફેવરિટ ફૂડ છે અને સ્વાદમાં પણ એ સૌથી બેસ્ટ છે. ઘરના ખાવામાં નમક ઓછું હશે કે પછી ઘરનું ફૂડ તીખું કે ખાટું કે ફીકું હશે તો પણ એમાં તમને જુદો જ સ્વાદ, જુદી જ વૉર્મ્થનો અનુભવ થશે. કેમ કે હું દૃઢપણે માનું છું કે હોમમેડ ફૂડમાં ઇમોશન્સ જોડાયેલાં હોય છે.
યસ, આઇ કૅન કુક...| તમે ઘરે આવો અને હું એકલો હોઉં તો તમને જાતે બનાવીને જમાડી શકું એટલું કુકિંગ મને આવડે છે. આજે પણ મારો બ્રેકફાસ્ટ અને કૉફી હું જાતે જ બનાવું. એ સિવાય દાલ-ચાવલ, અમુક સબ્જીઓ હું બનાવી શકું છું. ભલે મારા હાથે સિમ્પલ ફૂડ બનતું હોય પણ એમાં મારી મહેનતનો ખાસ સ્વાદ હોય છે એવાં કૉમ્પ્લીમેન્ટ્સ મને ઘણી વાર મળ્યાં છે. હા, એ વાત સ્વીકારું છું કે તમે ઘરે જ્યારે જાતે જમવાનું બનાવતા હો છો ત્યારે તમારો ભાવ સામેવાળાનું પેટ ભરવાનો છે અને તેને સંતોષ આપવાનો છે નહીં કે પૈસા કમાવાનો એટલે આપમેળે જ એમાં સ્વાદ ભળી જતો હોય છે. આ જ કારણ છે કે આજે દુનિયામાં ૯૯.૯૯૯ ટકા લોકોને તેના મમ્મીના હાથનું ફૂડ વર્લ્ડ્સ બેસ્ટ લાગે છે.
મારી મમ્મી બેસ્ટ કુક| મારી આઈ બહુ જ સારી કુક છે. તેના હાથનું બેંગન કા ભરથા, તેના હાથનાં રેગ્યુલર દાલ-રાઇસ પણ તમે ચાખો તો આંગળાં ચાટતા રહી જાઓ.
પહેલી વાર હું દસ વર્ષનો હતો જ્યારે મેં મારાં મમ્મી માટે ચા બનાવી હતી. મમ્મીને બહુ જ બૅકપેઇન હતું. તેનાથી ઊભાં નહોતું થવાનું. પપ્પા ઑફિસે નીકળી ગયા હતા. મેં આઈને પૂછ્યું અને તેણે મારા હાથના ટેસ્ટમાં બહુ ખરાબ કહેવાય એવી ચા સરસ મજાના સ્માઇલ અને તારીફ કરતાં પીધી હતી. મમ્મી રસોઈ બનાવે ત્યારે બાજુમાં બેસું અને જોઉં અને આ તો વર્ષોની મારી આદત. ફૂડ બનતું હોય એ દરમ્યાન હું તેમને પૂછતો પણ જઉં કે આ મસાલો તેં પહેલાં કેમ નાખ્યો અને આ આઇટમ સૌથી છેલ્લે તેં કેમ નાખી? બસ, એમ જ હું થોડુંઘણું કુકિંગ શીખ્યો છું. જોકે એ પછીયે દાળ બાળી લીધી હોય, ક્યારેક વઘારમાં રાઇ-જીરું બદલે એને ઉકાળતા નાખ્યાં હોય અને દાળ કડવી બની ગઈ હોય આવા અખતરા થયા છે.
મારું ફેવરિટ ગુજરાતી ફૂડ
હું એક વાર ગુજરાતી ફ્રેન્ડના ઘરે જમવા ગયો. મારી લાઇફમાં પહેલી વાર એ દિવસે મેં ગુજરાતી ભોજન ટેસ્ટ કર્યું. ખટ્ટમીઠી કઢીની સાથે સહેજ ગળાશવાળું કહીએ એવું શાક અને પ્લસ ચાર-પાંચ જુદી-જુદી સ્વીટ ડિશ. એ દિવસે મને સમજાયું કે ગુજરાતીઓ બોલવામાં આટલા મીઠડા શું કામ હોય છે. જેમના ફૂડમાં આવી મીઠાશ હોય એ નૅચરલી સ્વીટ જ હોવાના. હું ફ્રીક્વન્ટ્લી ગુજરાતી ફૂડ નથી ખાતો પણ હા, જો મારી આંખ સામે ફાફડા, પાપડી, ખાંડવી અને પાતરાં આવી જાય તો તરત હું એ ખાવાની તક છોડું નહીં. વેજિટેરિયન હોવાને લીધે જ ગુજરાતીઓ પ્રોટીન સોર્સ તરીકે ફૂડમાં બેસનનો આટલો બધો વપરાશ કરતા હશે એવું હું ધારું છું.

