પાર્લરમાં જઈને નેઇલ આર્ટ કે એક્સ્ટેન્શન કરવાની પળોજણમાં ન પડવું હોય તેમના માટે રેડીમેડ નખનો આ ટ્રેન્ડ વરદાન સમાન છે

પ્રતીકાત્મક તસવીર
ઓરિજિનલ નખ જો બટકણા હોય કે પછી નેઇલ એક્સ્ટેન્શન સૂટ ન થતું હોય તો શું કરવું એ હંમેશાં યુવતીઓનો પ્રશ્ન રહ્યો છે. ખાસ કરીને ખાસ પ્રસંગોમાં નેઇલ આર્ટ કરાવવાનો આજકાલ ટ્રેન્ડ છે. જોકે ઍક્રિલિક પાઉડરથી કરવામાં આવતું નેઇલ એક્સ્ટેન્શન એટલે કે કુદરતી નખ પર કૃત્રિમ નખ લગાવવાની પ્રોસેસ કરાવવામાં કલાકો લાગે છે તેમ જ એ ખિસ્સાને સામાન્ય રીતે પરવડે એવી પણ નથી હોતી. જોકે આજના સુપરફાસ્ટ સમયમાં નેઇલ આર્ટ કરાવવા માટે સમય વેડફવા ન માગતા હોય તેમના માટે એક નવી પ્રોડક્ટ બજારમાં આવી છે, પ્રેસ ઑન નેઇલ્સ.
શું છે ખાસ?
પ્રેસ ઑન નેઇલનો સરળ અર્થ થાય છે દબાવીને લગાવી દેવાતા નખ. આ આર્ટિફિશ્યલ નખ ઍક્રિલિક રેસિન, જેલ કે પછી એબીએસ પ્લાસ્ટિકમાંથી બનેલા હોય છે. જો તમે ક્યારેય ઍક્રિલિક નેઇલ એક્સ્ટેન્શન કરાવ્યું હોય તો આ નખ પણ એના જેવા જ હોય છે જે તમારા કુદરતી નખને ઢાંકી દે છે.
આ નખ પર નેઇલ-પૉલિશ કે નેઇલ આર્ટ પહેલેથી કરેલું હોય છે. લગાવવા માટે માટે ખાસ ગમ આવે છે જેનાથી આ નખ ચોંટાડી શકાય. આ વિશે જણાવતાં હેર અને નેઇલ આર્ટિસ્ટ નિહારિકા રાજપૂત કહે છે, ‘પ્રેસ ઑન નેઇલ્સ લગાવવા આસાન છે. એ તમારા વપરાશ મુજબ કેટલાક દિવસ કે કેટલાંક અઠવાડિયાં સુધી ટકે છે. ઓછામાં ઓછા પંદર દિવસ પ્રેસ ઑન નેઇલ્સ ટકે છે.’
ફાયદા
પ્રેસ ઑન નેઇલ્સ વિવિધ શેપ અને સાઇઝમાં મળે છે એટલે તમે પોતાની ચૉઇસ અને નખના શેપ મુજબ એ પસંદ કરી શકો છો. વળી કેટલાક પ્રેસ ઑન નેઇલ્સ રીયુઝ કરી શકાય એવા આવે છે. આ વિશે નિહારિકા કહે છે, ‘જો ખાસ પ્રસંગ માટે જ નેઇલ લગાવ્યા હોય તો ઘરે આવીને કાઢીને રાખી દો. બીજી વાર કોઈ બીજા પ્રસંગમાં એને ફરી વાપરી શકાય. એ સિવાય પ્રેસ ઑન નેઇલ્સનો સૌથી મોટો ફાયદો એટલે એ સમય બચાવે છે અને કૉસ્ટ ઇફેક્ટિવ છે. તમે એને જાતે જ ઘરે લગાવી શકો છો. પાર્લરમાં જઈને કલાકો બેસી રહેવાની જરૂર નથી.’
ઍક્રિલિક નેઇલ એક્સ્ટેન્શન કાઢવા માટે નેઇલ ટેક્નિશ્યનની જરૂર પડે છે નહીં તો નખ ડૅમેજ થવાનો ચાન્સ હોય છે, જ્યારે પ્રેસ ઑન નેઇલ ઘરે જ જાતે કાઢી શકાય.
ગેરફાયદા
પ્રેસ ઑન નેઇલ્સ ઍક્રિલિક કે જેલ નેઇલ એક્સ્ટેન્શન જેટલા ટકાઉ નથી હોતા. જો સારી બ્રૅન્ડના મળી જાય તો ઠીક નહીં તો કેટલીક કંપનીઓ સસ્તા પ્રેસ ઑન નેઇલ્સ બનાવવા લાગી છે જે દેખાવમાં ખરાબ અને સાવ કૃત્રિમ લાગે છે. એટલે જો પ્રેસ ઑન નેઇલ્સમાં ઇન્વેસ્ટ કરવું જ હોય તો સારી કંપનીના ખરીદવા.