વેલ્વેટ પૅન્ટ, ચંકી હીલ્સ, બીડ્સથી ચમકતાં ડેનિમ જૅકેટ, બેગી જીન્સ આર બૅક ઇન ફૅશન અને એ જ છે Y2K ફૅશન ફન્ડા. વીતેલા ફૅશનયુગની બેસ્ટ ફૅશન નવા મૉડર્ન ટ્વિસ્ટ અને ફ્રેશ વાઇબ સાથે અત્યારે બહુ ટ્રેન્ડમાં છે. આ સ્ટાઇલ જેન ઝી યુથમાં ખૂબ જ ફેવરિટ બની રહી છે
ફાઇલ તસવીર
જીવન એક સર્કલ છે અને એ જીવનના તમામ આયામોમાં રિફ્લેક્સ થાય છે. ફૅશન અને બ્યુટીની દુનિયા પણ એમાંથી બાકાત નથી. કૉસ્ચ્યુમ્સ, ઍક્સેસરીઝ, બ્યુટી રેજીમ કે મેકઅપ એમ કોઈ દુનિયા લો ૨૦૦૦ની સાલમાં જે ટ્રેન્ડમાં હતું એ આજે ફરી ડિમાન્ડમાં છે અને એ જ છે Y2K ફૅશન ટ્રેન્ડ. ફૅશન એક્સપર્ટ્સનું કહેવું છે કે આપણને માણસોને ભૂતકાળમાં ફરી ફરીને જોવું ગમે જ છે અને એમાં પણ ફૅશનની વાત આવે ત્યારે ફૅશનનું ચક્ર ફરતું રહે છે અને દર દસ વર્ષે કે વીસ વર્ષે જૂની જ ફૅશન થોડી નવી રીતે કે પછી જૂની યાદ સ્વરૂપે એક નવી વેવ સાથે પાછી આવે છે. નૉસ્ટાલ્જિક ફીલ અને વૅલ્યુ ધરાવતો Y2K ફૅશન ટ્રેન્ડ આજના ટીનેજર્સ અને કૉલેજિયન યુથની ખાસ પસંદ બની રહ્યો છે. તેઓ જ્યારે પા પા પગલી ચાલતા હતા અને સ્કૂલમાં યુનિફૉર્મ પહેરતા હતા ત્યારે જે ફૅશન ટ્રેન્ડમાં હતી એ અત્યારે તેઓ ફરી અપનાવી રહ્યા છે અને એક સમયે જેને જૂની અને આઉટડેટેડ ફૅશન કહેવામાં આવતી હતી એને હવે નવી સ્ટાઇલ રૂપે પોતાના વૉર્ડરોબમાં સ્થાન આપી રહ્યા છે. મૉડર્ન લુક પર થોડો રેટ્રો છંટકાવ અને એમાં પોતાની ખાસ પર્સનલ સ્ટાઇલનો ઍટિટ્યુડ આ બધાનું મિશ્રણ કરી Y2K ફૅશન ટ્રેન્ડમાં યુથ ઘણાબધા એક્સપરિમેન્ટ બોલ્ડ બનીને કરે છે અને મોસ્ટ ફૅશનેબલ ગણાય છે.
Y2K નામ શા માટે?
ADVERTISEMENT
કમ્પ્યુટરમાં મિલેનિયમ યર ૨૦૦૦ પછીના ઈરાને Y2K તરીકે ઓળખવામાં આવે છે. કમ્પ્યુટરના જાણકારોને ખબર જ હશે કે જ્યારે ઇન્ટનેટ અને વર્લ્ડવાઇડ ટેક્નૉલૉજી બૂમ હતો ત્યારે ૧૯૯૯ પછી કમ્પ્યુટર તેના કૅલેન્ડરને ફૉર્મેટ કરીને ૨૦૦૦ની સાલ દેખાડી શકશે કે નહીં એની બધાને ચિંતા હતી અને આ પ્રૉબ્લેમને પણ ‘Y2K બગ’ કહેવામાં આવ્યો હતો અને ત્યારના સમયની ફૅશનને પણ Y2K ફૅશન ટ્રેન્ડ નામ મળ્યું.
ફૅશન અને ક્લોધિંગ તમારી પર્સનાલિટી અને કૅરૅક્ટર દર્શાવે છે એમ જણાવતાં કાંદિવલીનાં ફૅશન ડિઝાઇનર પ્રીતિ જગડા કહે છે, ‘વર્ષ ૨૦૦૦ અને એનાં થોડાં વર્ષ પહેલાં લેટ નાઇન્ટીઝ અને થોડાં વર્ષ પછી એટલે અર્લી ૨૦૦૧-૨૦૦૨માં પૉપ કલ્ચર અને ટેક્નૉલૉજી ઈરામાં જે ફૅશનમાં હતું એ સ્ટાઇલને ફરી પાછી આજની જેન-ઝી જનરેશન અપનાવી રહી છે એને y2k અથવા તો gen-z ફૅશન ટ્રેન્ડ કહે છે. આ ટ્રેન્ડમાં નૉસ્ટાલ્જિક ફીલ, ઍસ્થેટિક ફૅશનની સાથે એક કમ્ફર્ટ પણ છે. આ ટ્રેન્ડ આજના યુથને પોતાની પસંદ પ્રમાણે લુક ક્રીએટ કરવાની આઝાદી આપે છે. દરેક બૉડી શેપ પર આ ટ્રેન્ડ સરસ લુક આપે છે એટલે એને બૉડી પૉઝિટિવ ટ્રેન્ડ પણ કહેવાય છે. સ્ટ્રીટવેઅર, હેવી હિપ હોપ લુક તરીકે પણ ઓળખવામાં આવે છે. Y2K ફૅશન એક પ્લેફુલ ફૅશન સ્ટાઇલ તરીકે ઓળખાય છે. યંગ ગર્લ્સ માટે તો બાર્બી પિન્ક કલર અને ડૉલ લુક એકદમ ઇનથિંગ છે. આ ટ્રેન્ડમાં સિલ્વર અને અન્ય મેટેલિક કલર, ફ્યુચરિસ્ટિક ફૅબ્રિક, ફ્લેર્ડ પૅન્ટ, પ્લૅટફૉર્મ શૂઝ વગેરે ઇનથિંગ હતાં જે આજનું યુથ ફરી પસંદ કરી રહ્યું છે. આ ટ્રેન્ડનો ગોલ છે કે યુથ પોતાની પર્સનાલિટીને પોતાની રીતે પ્રેઝન્ટ અને એક્સપ્રેસ કરે.’
ઑપ્શન્સ અનલિમિટેડ
Y2K ફૅશન ટ્રેન્ડની હિટ સ્ટાઇલ અત્યારે પાછી ફરી રહી છે અને તેમાં અનેક ઑપ્શન્સ છે.
ટાઇની બેબી ટી-શર્ટ અત્યારે યંગ ગર્લ્સની પહેલી પસંદ છે ક્રૉપ ટૉપ બનીને... એ કૅઝ્યુઅલ લુક માટે પર્ફેક્ટ છે. આ સાથે બસ્ટિયર ટૉપ કે ક્રૉસેટ પણ સ્ટેટમેન્ટ લુક છે.
બલગમ પિન્ક, બેબી બ્લુ, બ્રીટ ગ્રીન જેવા રંગના મૅચિંગ વેલ્વેટ ટ્રૅક સૂટ સાથે ક્રૉપ ટૉપ કે સ્પોર્ટ્સ બ્રાનું કૉમ્બિનેશન મૉડર્ન લુક આપે છે.
કમ્ફર્ટેબલ અને ફૅશનેબલ વાઇડ લેગ ટ્રાઉઝર કે ડેનિમ પણ આજકાલ યંગ ફૅશનેબલ ગર્લના વૉર્ડરોબમાં ઇન થિંગ છે. એની સાથે ફિટેડ બેબીડૉલ ટી-શર્ટ કમ્પ્લીટ Y2K લુક ક્રીએટ કરે છે. ડાર્ક ડેનિમ, બૅગી જીન્સ, લો રાઇઝ જીન્સ, અપ સાઇકલ્ડ જીન્સ અને ટૉપ અને બૉટમ બંનેનો ડબલ ડેનિમ લુક પણ Y2K ફૅશન છે.
પ્લીટેડ મિની સ્કર્ટ અને મૅચિંગ બ્લેઝર અથવા મૅચિંગ મિની સ્કર્ટ-ટૉપનો ૨૦૦૦માં સ્કર્ટ ક્રેઝ હતો અને આજે પણ એ ફરી ડિમાન્ડમાં છે.
આ ટ્રેન્ડમાં બ્રાઇટ અને લાઉડ કલર્સનો વધારે ઉપયોગ થાય છે, બ્રાઇટ સૉલિડ કલર્સ અને રેટ્રો પ્રિન્ટનું કૉમ્બિનેશન પર્ફેક્ટ ફૅશન ચૉઇસ છે.
શાઇની ફૅબ્રિક અને મેટાલિક કલર્સ તેમાં પણ સ્પેશ્યલી સિલ્વર કલરના પાર્ટી આઉટફિટ ઇનથિંગ છે. તેની સાથે મિનિમમ જ્વેલરી પહેરવામાં આવે છે, મેટાલિક જૅકેટ પણ આજકાલ ખૂબ જ ડિમાન્ડમાં છે.
સ્વૅગી સ્વેટશર્ટ, ગ્રાફિક ટી-શર્ટ, ટ્રાન્સક્યુલન્ટ ક્લોધિંગ, ટાઇ ફ્રન્ટ ટૉપ, સિલ્ક સ્કાર્ફ ટૉપ બધું જ Y2K ફૅશન સ્ટેટમેન્ટ છે.
ફૅન્સી ક્લરફુલ ઍક્સેસરીઝ
Y2K ફૅશન ટ્રેન્ડ માત્ર કપડામાં જ નહીં પણ ઍક્સેસરીઝમાં પણ ખાસ છે. આ ટ્રેન્ડ સાથે વપરાતી ઍક્સેસરીઝ પણ ફન અને કલરફુલ હોય છે.
સ્કિની સનગ્લાસ, કલરફુલ ગ્લાસિસ તેમાં પણ પિંક, રેડ, ગ્રીન જેવા રંગના ગ્લાસ હોય એવા સનગ્લાસિસ આ ટ્રેન્ડ સાથે મસ્ટ છે.
આ ટ્રેન્ડમાં હેર આઇટમ પણ ખાસ છે. કલરફુલ પ્રિન્ટેડ સ્કાર્ફને માથા પર બાંધી ફૅન્સી લુક આપતા બંદાનાસ, બટરફ્લાય હેર ક્લિપ્સ, ફૅન્સી ઍક્સેસરીઝ Y2K લુક માટે જરૂરી છે.
કલરફુલ પર્સ, બેગુટા બૅગ, પ્લૅટફૉર્મ હીલ્સ, ટ્રેન્ડી સ્નીકર્સ, એક પગમાં પહેરાતાં ઍન્કલેટ્સ Y2K ટ્રેન્ડની ઓળખ છે.
મૉડર્ન મમ્મી-પપ્પાના યંગ લુકને જોજો કે મોટાં ભાઈ બહેનો અને કઝિનને પૂછજો તેમની કોઈક યાદ કબાટના ખૂણામાં હશે. હાઈ એન્ડ ડિઝાઇનર આઉટફિટ સામે આ ફૅશન આઉટફિટ અફૉર્ડેબલ પસંદગી છે.
આ ફૅશન ટ્રેન્ડ સ્ટ્રીટવેઅરથી લઈને ડિઝાઇનર શોરૂમ સુધી ફેલાયેલો છે. ફૅશન સ્ટ્રીટમાં આ આઉટફિટ્સ રેડીમેડ મળે છે કે પછી ડિઝાઇનર પાસે મેક ટુ ઑર્ડર આઉટફિટ બનાવી શકાય છે. ઑનલાઇન પણ ઑપ્શન્સ મળી રહે છે.
વેડિંગ ફૅશનમાં પણ Y2K
લગભગ દસ વર્ષથી બ્રાઇડલ મેકઓવરના ક્ષેત્રમાં તેના યુનિક વર્કથી ફેમસ એવા આર્ટિસ્ટ સમીર સાવલા કહે છે કે ‘હવે બ્રાઇડ્સના કૉસ્ચ્યુમ્સમાં પણ જૂની ફૅશન પાછી આવી રહી છે. વચ્ચે એક સમય હતો કે લગ્ન વખતે બ્રાઇડ ચણિયાચોળી જ પહેરતી, પણ હવે ફરીથી ઘરચોળાની ફૅશન આવી છે. મેકઅપમાં પણ પીર બિંદીની ફૅશન પાછી આવી રહી છે. સંગીત કે રિસેપ્શનની થીમમાં પણ રેટ્રો થીમ પાછી આવી રહી છે. લગ્નમાં હજીયે બ્રાઇડ સિમ્પલ હેરસ્ટાઇલ પ્રિફર કરે છે, પણ રિસેપ્શનમાં બ્રાઇડ્સ મોટા બનવાળી રેટ્રો હેરસ્ટાઇલ કરતી થઈ ગઈ છે.’


