ટ્રેડિશનલ અને વેસ્ટર્ન બન્ને પ્રકારના આઉટફિટ અને ઓપન હેરસ્ટાઇલમાં જો માથે શીશપટ્ટી પહેરવામાં આવે તો સિમ્પલ અને સોબર લુકમાં સ્પેશ્યલ ફીલ આવી જશે
ફૅશન ઍન્ડ સ્ટાઇલ
પ્રતીકાત્મક તસવીર
માથાપટ્ટીનો વધુ એક ફાયદો એ છે કે એને તમે ચોકરની જેમ પણ પહેરી શકો છો.
ફૅશનેબલ યુવતીઓમાં હાલમાં સ્ટાઇલિશ શીશપટ્ટી કે માથાપટ્ટી પહેરવાની ફૅશન પુરબહારમાં ચાલી રહી છે. માથાપટ્ટી ટ્રેડિશનલ લુકની સાથે-સાથે ગ્લૅમરસ આઉટફિટને ખાસ લુક આપવા માટે પહેરવામાં આવે છે. માથાપટ્ટીનું મહત્ત્વ ખાસ કરીને મારવાડી અને દક્ષિણ ભારતીય લોકોમાં પહેલેથી જ વધુ રહ્યું છે. જોકે હવે યુવતીઓ સ્ટાઇલ સ્ટેટમેન્ટ તરીકે દરેક નાના-મોટા ફંક્શનમાં પહેરતી હોય છે. ફૅશનને લઈને મોટા ભાગના અખતરાઓ બૉલીવુડના સિતારાઓ પર થતા જ હોય છે અને માથાપટ્ટીનું ચલણ પણ હાલમાં ત્યાંથી જ વધ્યું છે. આલિયા ભટ્ટે તેનાં લગ્નમાં જે પ્રકારે માથાપટ્ટી ફ્લૉન્ટ કરી હતી ત્યારથી માથાપટ્ટીનો ટ્રેન્ડ જોરમાં ચાલે છે. આલિયા અને રણબીર કપૂરનાં લગ્નમાં કરિશ્મા કપૂરની માથાપટ્ટી પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. થોડા સમય પહેલાં અંબાણી પરિવારની વહુરાણી શ્લોકા અંબાણીએ પણ ઇન્ડિયન અને વેસ્ટર્ન એમ બન્ને પ્રકારના આઉટફિટમાં માથાપટ્ટી ફ્લૉન્ટ કરીને નવી ફૅશનનો ગોલ આપ્યો હતો.
ટ્રેન્ડી શીશપટ્ટી એવરગ્રીન
ADVERTISEMENT
માથાપટ્ટી એ પહેલેથી જ માંગટીકાનો ભાગ રહી છે એમ જણાવતાં હાલમાં ચાલી રહેલા નવા ટ્રેન્ડ વિશે મુલુંડના ફૅશન-ડિઝાઇનર જિનલ ત્રિવેદી કહે છે, ‘પહેલાં માંગટીકાની સાથેની માથાપટ્ટી ફક્ત દુલ્હનને પહેરાવવામાં આવતી હતી. આજે પણ એ ટ્રેન્ડમાં તો છે, પરંતુ ટીકા વગરની માથાપટ્ટીનો ટ્રેન્ડ ધૂમ મચાવી રહ્યો છે. હવે માથાપટ્ટી ફક્ત લેહંગા સુધી સીમિત નથી, પરંતુ ગ્લૅમરસ ગાઉન સુધી પહોંચી ગઈ છે. જમાનો ગમે એટલો મૉડર્ન ભલે થઈ જાય અને જ્વેલરીની ફૅશનમાં પણ જાતજાતના અખતરા થઈ જાય, પરંતુ જે ટ્રેડિશનલ ડિઝાઇન છે એ પ્રાચીનકાળથી જે છે એ જ છે અને ભવિષ્યમાં પણ એ જ રહેવાની છે. આ જ ખાસિયત છે આપણા ભારતની. રાજસ્થાની લોકોનું માનવું છે કે જ્યારે કોઈ સ્ત્રી શણગાર કરે છે તો તેના માથા પર કંઈક આભૂષણ હોવાં જોઈએ તો તેઓ પહેલાં બોરલા નાખતાં હતાં અને પછી એની સાથે માથાપટ્ટી આવી હતી. માથાપટ્ટીની ટ્રેડિશનલ વૅલ્યુ છે. રાજસ્થાનમાં નાની-મોટી પૂજા હોય તો તેમને ફરજિયાત માથાપટ્ટી પહેરવી પડે છે. જોકે હવે ગુજરાતણો દરેક પ્રસંગમાં ફૅશનેબલ દેખાવા માથાપટ્ટી પહેરી રહી છે.’
સિમ્પલ અને સોબર લુક
ઓપન હેર સાથે આ પટ્ટી સરસ મૅચ થાય છે એમ જણાવતાં જિનલ કહે છે, ‘હેરસ્ટાઇલમાં પહેલાં ફ્રેન્ચ રોલ સાથે બ્રૉચ ટ્રેન્ડમાં હતાં. પછી લો બન સાથે ગજરાનું ચલણ વધ્યું હતું. ત્યાર બાદ સાઉથથી ચોટલાનો ટ્રેન્ડ આવ્યો. હવે મહિલાઓને ઓપન હેરની હેરસ્ટાઇલ ગમે છે જે હાઇલાઇટ પણ થાય, વેસ્ટર્ન અને ઇન્ડિયન બન્ને લુક આપે એવું સ્ત્રીઓ પસંદ કરી રહી છે. લેહંગા અને ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ પર યુવતીઓ પર માથાપટ્ટી સૂટ થશે. જો તમારાં હેવી ચણિયાચોળી છે તો કુંદન વર્કની જાડી માથાપટ્ટી ખૂબ જ સુંદર લુક આપશે. જો તમે ફંક્શનમાં ગાઉન પહેરવાના હો તો ડાયમન્ડ અથવા મોતી વર્કવાળી માથાપટ્ટી સારી લાગશે. કોઈ નાનીમોટી પાર્ટીમાં જવાનું થાય તો સિમ્પલ એક પાતળી પટ્ટી જેવી માથાપટ્ટી સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે.’
આ પણ વાંચો : ફૅશન એ માત્ર સ્ટાઇલ સ્ટેટમેન્ટ જ નહીં, થેરપી પણ હોઈ શકે છે
દુલ્હનની પહેલી પસંદ
બ્રાઇડલ જ્વેલરીમાં માથાપટ્ટીનો અચૂક સમાવેશ કરવામાં આવે છે. લગ્નનાં ચાર-પાંચ ફંક્શનમાં દુલ્હન વિવિધ પ્રકારની માથાપટ્ટી પહેરી શકે છે. એ કેવી-કેવી હોઈ શકે એ સમજાવતાં જિનલ કહે છે, ‘પીઠી અને મેંદીના ફંક્શનમાં ફૂલથી બનેલી માથાપટ્ટી પહેરી શકાય. સંગીતમાં ઇન્ડો-વેસ્ટર્ન ગાઉન પર સિમ્પલ ડાયમન્ડની માથાપટ્ટી વધુ સારો લુક આપશે અને લગ્નમાં તો ટીકાવાળી માથાપટ્ટી ઇઝ બેસ્ટ. બ્રાઇડનો રિસેપ્શન લુક સિમ્પલ હોય તો તે વધુ સુંદર લાગે. ગાઉન હોય તો એના પર સૂટ થતી પાતળી માથાપટ્ટી પહેરી શકાય.’
આટલું રાખજો ધ્યાન
જિનલ જણાવે છે કે માથાપટ્ટી આમ તો બધી જ લેડીઝ પર સૂટ થાય છે, પરંતુ તેઓ કેવા આઉટફિટ પર પહેરે છે એ પણ મહત્ત્વનું છે. જો સાડી પર માથાપટ્ટી પહેરતા હો તો ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. બનારસી અથવા ફ્લોરલ પ્રિન્ટેડ સાડી પર માથાપટ્ટી સારી લાગે છે. સામાન્યપણે ખૂબ જ ઓછી સ્ત્રીઓ પર સાડી અને માથાપટ્ટીનું કૉમ્બિનેશન સારું લાગે છે.
લેહંગા અને ગાઉન પર માથાપટ્ટીનું સિલેક્શન બંધ આંખે કરી લેશો તો પણ મસ્ત જ લાગશે. લો બન સાથે માથાપટ્ટી ખૂબ જ ઓછી મહિલાઓ પર સારી લાગે છે. મોટા ભાગની હેરસ્ટાઇલિસ્ટ પણ આવું કરવાની ના પાડે છે, કારણ કે ઘણી ઓછી યુવતીઓ પર એ સૂટ થાય છે. બાકી ખુલ્લા વાળ પર માથાપટ્ટી સારી રીતે ફ્લૉન્ટ કરી શકાય છે. જેટલાં મિનિમલિસ્ટ રહેશો એટલાં સુંદર લાગશો.
કસ્ટમાઇઝેશનનો છે ટ્રેન્ડ
ગ્રૅજ્યુએશન કરીને લંડન સ્કૂલ ઑફ ફૅશનમાં માસ્ટર્સ કરી ચૂકેલી જિનલ કસ્ટમાઇઝેશનની હિમાયત કરતાં કહે છે, ‘આજકાલ બધી જ વસ્તુમાં લોકોને કસ્ટમાઇઝેશન મળી રહ્યું છે. તમે માથાપટ્ટી પણ તમારા લેહંગાના કલરના હિસાબે અને ડિઝાઇનના હિસાબે કસ્ટમાઇઝ કરાવી શકો છો. અત્યારે તો રેડીમેડ હેરબૅન્ડ્સ મળી રહ્યાં છે જેમાં કુંદન, એમ્બ્રૉઇડરી વર્ક અને ડાયમન્ડ્સનું વર્ક હોય. કોઈ લેહંગા પર તમને જો હેરસ્ટાઇલ કરવાનું મન ન હોય અથવા સમયનો અભાવ હોય તો વાળ સ્ટ્રેટ કરીને આવાં હેડબૅન્ડ્સ નાખી લઈએ તો પણ મસ્ત લાગશે.
પ્રાઇસની વાત કરીએ તો રેડીમેડ ડિઝાઇનર હેરબૅન્ડ્સ ૪૦૦ રૂપિયાથી શરૂ થાય છે અને ૮૦૦ સુધીમાં તમને જોઈએ એવાં લઈ શકો છે. આ ઉપરાંત ચેઇનવાળી માથાપટ્ટીને જો તમે કસ્ટમાઇઝ કરાવો તો ૭૦૦ રૂપિયાથી શરૂ થાય છે અને તમારું બજેટ જેટલું હોય એ હિસાબે તમે કસ્ટમાઇઝ કરાવી શકો છો.’