આમ તો વેલ્વેટ એવરગ્રીન છે, પરંતુ ખાસ કરીને ઠંડીની સીઝનમાં શરીરને ગરમાટો આપે એવું રૉયલ ફૅબ્રિક હોવાથી લગ્નસમારંભોમાં કે પછી વેસ્ટર્ન પાર્ટીઝમાં વેલ્વેટ ફૅબ્રિક ડિમાન્ડમાં રહે છે. આ સીઝનમાં પ્રિન્ટેડ વેલ્વેટનો ટ્રેન્ડ મસ્ત ફૉર્મમાં છે
વેલ્વેટ ક્લોથિંગ
વેલ્વેટ એક એવું ફૅબ્રિક છે જે એક રૉયલ લુક આપવાની સાથે તમને ગરમ પણ રાખે છે. એટલે વિન્ટરમાં વેડિંગ હોય કે પાર્ટી, વેલ્વેટ એક બેસ્ટ ઑપ્શન છે. બીજું એ કે વેલ્વેટમાં તમને ઇન્ડિયન અને વેસ્ટર્ન બંને આઉટફિટના ઑપ્શન મળી રહે છે, જેને તમે તમારી ઇવેન્ટના હિસાબે ચૂઝ કરી શકો છો. એમાં પણ આજકાલ પ્રિન્ટેડ વેલ્વેટના આઉટફિટનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ વિશે ફૅશન-ડિઝાઇનર પરિણી અમૃતે જણાવે છે, ‘વેડિંગ સીઝનમાં વેલ્વેટની સાડી ડિમાન્ડમાં છે. ખાસ કરીને જ્યાં વધુ ઠંડી પડતી હોય એવા સ્થળે ડેસ્ટિનેશન વેડિંગ હોય તો ગર્લ્સ વેલ્વેટની સાડી પહેરવાનું પ્રિફર કરે છે. આના ઘણા ફાયદા છે. એક તો વેલ્વેટને કારણે તમને ઠંડી નહીં લાગે અને ઉપરથી એ તમને એક રૉયલ લુક પણ આપશે. બીજું એ કે વેલ્વેટની સાડી પહેરવામાં પણ એકદમ સ્મૂધ અને કમ્ફર્ટેબલ હોય છે. વેલ્વેટ ફૅબ્રિક એટલું રિચ હોય છે કે તમે એના પર હેવી વર્ક ન કરો અને ફક્ત એક બૉર્ડરમાં જ ઍમ્બ્રૉઇડરી કરો તો પણ એ એક લૅવિશ લુક આપે છે. વેલ્વેટ પર જરદોસી અને સીક્વન્સ વર્ક વધુ ઊઠીને આવે છે.’
વેલ્વેટના સૂટ પણ પહેરવામાં ઘણા સારા લાગે છે એમ જણાવતાં પરિણી ઉમેરે છે, ‘ખાસ કરીને બ્રૉડ બૉટમની સલવાર, ઉપર વેલ્વેટનો કુરતો અને ઑર્ગેન્ઝા દુપટ્ટો, જે તમને એક એલિગન્ટ લુક આપશે. વધુ રૉયલ લુક માટે કુરતા પર તમે એમ્બ્રૉઇડરી વર્ક કરાવી શકો. જો તમારે વધુપડતો હેવી કુરતો ન જોઈએ તો પ્રિન્ટેડ વેલ્વેટના કુરતા બેસ્ટ ઑપ્શન છે. પ્રિન્ટેડ વેલ્વેટ તો મોટી ઉંમરની મહિલાઓ પર પણ સારા લાગે. પ્રિન્ટેડ વેલ્વેટમાં ઇન્ડો-વેસ્ટર્ન ખૂબ સારા આવે. જેમ કે પલાઝો ક્રૉપ-ટૉપ સેટ અથવા વેલ્વેટ જૅકેટ અને પૅન્ટ સેટ.’
ADVERTISEMENT
તમારે જો વધુ હેવી સાડી ન પહેરવી હોય તો વેલ્વેટ કેપ પણ એક સારો ઑપ્શન છે એ વિશે પરિણી કહે છે, ‘પ્લેન સિલ્ક સાડી પર એમ્બ્રૉઇડરી બૉર્ડરવાળું કેપ પહેરી લો તો એ તમારા લુકમાં ચાર ચાંદ લગાવવા માટે ઇનફ છે. ઉપરથી તમારા હાથ પણ ઢંકાઈ જશે એટલે ઠંડી પણ નહીં લાગે. ફક્ત સાડી જ નહીં, પલાઝો સેટ, કૉર્ડ સેટ વગેરે જેવા ઇન્ડો-વેસ્ટર્ન સાથે પણ કેપ કૅરી કરી શકો છો.’
ની લેંગ્થ વન-પીસ
પાર્ટીવેઅરની વાત કરીએ તો ની લેંગ્થ સુધીનાં વેલ્વેટનાં વન-પીસ ગર્લ્સ વધુ પહેરે છે. ગાઉન આજકાલ કોઈ એટલા પહેરતું નથી. હવે એવું કંઈ નથી રહ્યું કે વેલ્વેટ ફક્ત સ્લિમ લોકો જ પહેરી શકે. આજકાલ જાડામાં જાડાથી લઈને પાતળામાં પાતળુ વેલ્વેટનું કપડું મળે છે. જે પાતળું વેલ્વેટ હોય એ કોઈ પણ બૉડી શેપની ગર્લ્સ પહેરી શકે છે. સ્લિમ લોકો પર બૉડીકૉન એટલે કે જે શરીરને ચપોચપ હોય એવા વન-પીસ સૂટ થાય. હેલ્ધી ગર્લ્સ માટે સ્ટ્રેટફિટ બેસ્ટ ઑપ્શન છે જે નીચેથી ફિટ ન હોય એટલે તમારી લોઅર બૉડી વધુપડતી એન્હૅન્સ ન થાય. વેલ્વેટના આઉટફિટ ખરીદતી વખતે એક ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે એ બધા જ કલરમાં સારા ન લાગે. એટલે એ હંમેશાં ડાર્ક ટોનના જ લેવા જોઈએ.


