રેટિનોલ સ્કિનની ફર્મનેસને જાળવી રાખતા કોલાજનને બૂસ્ટ કરે છે. ફોટોએજિંગ એટલે કે તડકાને કારણે થતા એજિંગમાં એ ઍન્ટિ-એજિંગનું કામ કરે છે જે ચહેરા પરની ફાઇનલાઇન્સ અને રિન્કલ્સ ઘટાડીને તમને યુથફુલ લુક આપે છે.
પ્રતીકાત્મક તસવીર
ઍન્ટિ-એજિંગ ક્રીમ હોય કે સીરમ, દરેકમાં રેટિનોલ તો હોય જ છે. રાતે સૂતી વખતે લગાવવામાં આવતી પ્રોડક્ટ્સમાં કેમિકલ વપરાય છે. દિવસ દરમ્યાન એ ન વાપરવું જોઈએ એવું કહેવાય છે. એ પાછળનું કારણ શું હોઈ શકે, રેટિનોલ આપણી ત્વચા પર કઈ રીતે કામ કરે છે અને એને ચહેરા પર લગાવતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ એ તમામ બાબતો એક્સપર્ટ પાસેથી જાણીએ
ઍન્ટિ-એજિંગ અને ઍન્ટિ-રિન્કલ પ્રોડક્ટ્સ બનતી હોય ત્યારે એમાં રેટિનોલનો ઉપયોગ થયો જ હોય છે. રેટિનોલ એ વિટામિન ‘A’નું આલ્કોહૉલ ફૉર્મ છે જેનો ઉપયોગ સ્કિન ક્રીમ, લોશન, સીરમમાં છૂટથી કરવામાં આવે છે. બ્યુટી-ઇન્ડસ્ટ્રીમાં સદા યુવાન રાખતી પ્રોડક્ટ્સની માર્કેટ હંમેશાં ડિમાન્ડમાં રહેતી હોવાથી ટૉપ ફાઇવ સ્કિન-કૅર ઇન્ગ્રીડિઅન્ટમાં રેટિનોલનો પણ સમાવેશ થાય છે. સોશ્યલ મીડિયાના પ્રતાપે છેલ્લાં અમુક વર્ષોમાં સ્કિન-કૅર રૂટીનમાં એનો ઉપયોગ વધ્યો છે. જોકે રેટિનોલ માટે એમ કહેવાય છે કે એનો ઉપયોગ દિવસ દરમ્યાન ન કરવો જોઈએ, ફક્ત રાત્રે સૂતા પહેલાં એને ફેસ પર અપ્લાય કરવું જોઈએ. એ પાછળનું કારણ શું છે? એનો જવાબ આપતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. પૂજા દેસાઈ કહે છે, ‘સનલાઇટના સંપર્કમાં આવવાથી રેટિનોલમાં રહેલા જે મોલેક્યુલ હોય છે એ બ્રેકડાઉન થઈ જાય છે. એને પરિણામે એની જે ઇફેક્ટિવનેસ હોય છે એ રહેતી નથી એટલે રેટિનોલનો સ્કિનને જે ફાયદો પહોંચવો જોઈએ એ પહોંચતો નથી. બીજું એ કે રેટિનોલમાં રહેલાં સ્ટ્રૉન્ગ ઇન્ગ્રીડિઅન્ટ્સ આપણી સ્કિનને હાઇપર-સેન્સિટિવ બનાવી દે છે. પરિણામે સનલાઇટ તમારી સ્કિનને વધુ ડૅમેજ કરી શકે છે અને તમને સનબર્ન કે રેડનેસની સમસ્યા થઈ શકે છે.’
આ છે ફાયદા
રેટિનોલનો આપણા નાઇટ સ્કિન-કૅર રૂટીનમાં સમાવેશ કરવાથી શું ફાયદા થાય છે એ વિશે ડૉ. પૂજા દેસાઈ કહે છે, ‘રેટિનોલ સ્કિનની ફર્મનેસને જાળવી રાખતા કોલાજનને બૂસ્ટ કરે છે. ફોટોએજિંગ એટલે કે તડકાને કારણે થતા એજિંગમાં એ ઍન્ટિ-એજિંગનું કામ કરે છે જે ચહેરા પરની ફાઇનલાઇન્સ અને રિન્કલ્સ ઘટાડીને તમને યુથફુલ લુક આપે છે. એક્સફોલિએશનનું કામ કરીને ડેડ સ્કિન રિમૂવ કરે છે જેથી તમારી સ્કિન વધુ સ્મૂધ અને બ્રાઇટ થાય છે. એની સાથે જ એ ઑઇલ-ડર્ટને કારણે બંધ થઈ ગયેલાં પૉર્સને ક્લીન કરવાનું કામ કરે છે. એને પરિણામે એક્ને અને પિગ્મેન્ટેશનની સારવાર માટે પણ એનો યુઝ થાય છે.’
ADVERTISEMENT
આ રીતે કરો અપ્લાય
રેટિનોલ સ્કિન માટે સેન્સિટિવ હોય છે એટલે એને સ્વીકારવામાં સ્કિનને થોડો સમય લાગી શકે છે. રેટિનોલનો કેટલી માત્રામાં, કેટલી વાર અને કઈ રીતે ઉપયોગ કરવો એ વિશે ડૉ. પૂજા દેસાઈ કહે છે,‘જો તમે પહેલી વાર રેટિનોલનો ઉપયોગ કરી રહ્યા હો તો શરૂઆતમાં તમારે એક દિવસ છોડીને એક દિવસે રેટિનોલ અપ્લાય કરવું જોઈએ. એ પછી તમારી સ્કિનએને સ્વીકારી લે એ પછી તમે એનો ડેઇલી યુઝ શરૂ કરી શકો. રેટિનોલને શરૂઆતમાં તમે અડધો કલાક, પછી એક કલાક એમ ધીરે-ધીરે કરીને ઓવરનાઇટ અપ્લાય કરીને રાખી શકો. ખાસ ધ્યાન રાખવા જેવી વાત એ છે કે રેટિનોલને કારણે સ્કિન ડ્રાય થતી હોવાથી એને અપ્લાય કરતી વખતે તમે સૅન્ડવિચ મેથડ યુઝ કરી શકો. એમાં તમારે પહેલાં મૉઇશ્ચરાઇઝર સ્કિન પર અપ્લાય કરવાનું, એ પછી રેટિનોલ અને પછી ફરી પાછું મૉઇશ્ચરાઇઝર લગાવવાનું. ઘણા લોકો રેટિનોલ લગાવ્યા પછી અથવા તો પહેલાં મૉઇશ્ચરાઇઝર લગાવે છે.જોકે સૅન્ડવિચ મેથડ વધારે સારી છે. બીજું એ કે રેટિનોલ અપ્લાય કરતી વખતે એ વસ્તુનું ધ્યાન રાખવું કે એ આંખ, મોં કે નાકની અંદર ન જવું જોઈએ અને એની માત્રા પણ સાવ જ ઓછી એટલે કે મગફળીના નાના દાણા જેટલી હોવી જોઈએ. શરૂઆતમાં તમે જે પ્રોડક્ટ યુઝ કરો એમાં રેટિનોલનું કૉન્સન્ટ્રેશન ૦.૨૫ અથવા ૦.૫૦ પર્સન્ટ હોય એ યુઝ કરવું જોઇએ, કારણ કે હાઈ કૉન્સન્ટ્રેશનવાળી પ્રોડક્ટ્સ શરૂઆતમાં તમારી સ્કિનને હાર્શ લાગી શકે છે.’
આ ચીજો ખાશો તો નૅચરલી રેટિનોલ મળશે
સ્કિનની હેલ્થને મેઇન્ટેઇન કરવામાં વિટામિન Aની મહત્ત્વની ભૂમિકા હોય છે. વિટામિન A નવા સ્કિન-સેલ્સના ગ્રોથને પ્રમોટ કરે છે અને ડૅમેજ સેલ્સને રિપેર કરવાનું કામ કરે છે. જો તમારે કુદરતી રીતે રેટિનોલ જોઈતું હોય તો વિટામિન Aથી ભરપૂર ફળો અને શાકભાજીનું સેવન કરવું જોઈએ. એ માટે તમારે તમારી ડાયટમાં ગાજર, પાલક, શક્કરિયાં, કેરી, પપૈયાં, જરદાળુ, ટમેટાં, સફરજન વગેરેનો સમાવેશ કરવો જોઈએ.
આ મહિલાઓ ઉપયોગ ટાળે
કઈ મહિલાઓએ રેટિનોલ અપ્લાય કરવાનું ટાળવું જોઈએ એ વિશે ડૉ. પૂજા દેસાઈ કહે છે, ‘જો તમે કન્સીવ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હો, પ્રેગ્નન્સી દરમ્યાન રેટિનોલનો યુઝ ટાળવો જોઈએ કારણ કે એનાથી બર્થ-ડિફેક્ટ થઈ શકે છે. એ સિવાય ત્વચામાં લાલાશ થઈ ગઈ હોય તો એમાં પણ રેટિનોલનો ઉપયોગ ટાળવો જોઈએ, નહીંતર તમારી સમસ્યા વધુ વણસી જશે. આજકાલ ઘણી યંગ ગર્લ્સ ૧૯-૨૦ વર્ષની એજમાં જ રેટિનોલનો ઉપયોગ કરવા લાગતી હોય છે જેની કોઈ આવશ્યકતા નથી, કારણ કે પચીસ વર્ષ સુધી તો તમારી બૉડીમાં કોલાજન ઓછું થવાનું જ નથી. જો તમને એક્નેનો પ્રૉબ્લેમ હોય તો રેટિનોલનો યુઝ કરી શકાય, પણ એ પહેલાં તમારે તમારા ડર્મેટોલૉજિસ્ટની સલાહ લેવી પડે. ત્રીસ વર્ષની આસપાસની ઉંમરની મહિલાઓ તેમના ડેઇલી સ્કિન-કૅર રૂટીનમાં એનો ઉપયોગ કરી શકે છે. બીજું, એક ધ્યાનમાં રાખવું એ જોઈએ કે વિટામિન C અને રેટિનોલનો યુઝ એકસાથે ન થાય. એવું ટાળવું જોઈએ, કારણ કે આ બન્ને સ્ટ્રૉન્ગ હોવાથી સ્કિન-ઇરિટેશનનો પ્રૉબ્લેમ થઈ શકે છે. એટલે બેટર છે કે તમે વિટામિન Cને સવારે અને રેટિનોલને સાંજે અપ્લાય કરવાનું રાખો.’