કદાચ એટલે જ અત્યારનું યુથ બ્રૅન્ડથી આકર્ષાઈને પાંચ લાખની બેગ ખરીદવાને બદલે પાંચ હજારની પાંચ બેગ લેવાનું વધુ પ્રીફર કરે છે. દુનિયાભરમાં યુવા પેઢીના પ્રેફરન્સમાં આવેલા આ બદલાવે લક્ઝરી બ્રૅન્ડની હવા કાઢવાનું કામ શરૂ કરી દીધું છે.
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
અમેરિકન બિઝનેસ મૅગેઝિન ફૉર્બ્સના તાજેતરના એક અહેવાલ મુજબ ૨૦૨૪ના પહેલા છ મહિનામાં લક્ઝરી બ્રૅન્ડ્સ વિકસવાને બદલે ટકવા માટે મથી રહી છે. લક્ઝરી બ્રૅન્ડ્સના શૅર્સ પર પણ એની અસર પડી છે. એવામાં સવાલ એ થાય કે ગ્રાહકોની ખરીદશક્તિ સ્થિર હોવા છતાં લક્ઝરી ગણાતી બ્રૅન્ડના સંઘર્ષનું કારણ શું? આ બાબતે જ્યારે રિસર્ચ હાથ ધરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે મોટા ભાગની લક્ઝરી બ્રૅન્ડ અત્યારે ‘અન્ડર કન્ઝમ્પ્શન’ નો સામનો કરી રહી છે. મતલબ કે ગ્રાહકોને લક્ઝરી બ્રૅન્ડ્સ તરફ ખેંચી લાવવામાં અસફળતા મળી રહી છે. એક સમયે બ્રૅન્ડેડ ચીજોની બોલબાલા પાછળ તણાતી યુવા પેઢી હવે હાઈ કૉસ્ટિંગ અને દર થોડા દિવસે માર્કેટમાં નવા ટ્રેન્ડને કારણે વધુ ખર્ચ કરવાથી વિમુખ થઈ રહી છે. વિદેશોમાં જ નહીં પણ ભારતના યુવાનો અને ટીનેજર્સ પણ શું આમ જ ફીલ કરે છે? અમે જાણ્યું કેટલાક યંગસ્ટર્સ પાસેથી.
સોના કરતાંય મોંઘી પાંચ લાખની બૅગ, જેની કોઈ રિટર્ન વૅલ્યુ પણ નથી અને એની જ ફર્સ્ટ કૉપી મળી ગઈ માત્ર ત્રણ હજારમાં
ADVERTISEMENT
લક્ઝરી આઇટમ વિશે કાંદિવલીમાં રહેલી ૧૭ વર્ષની સલોની શાહ કહે છે, ‘મારી પાસે ઘણી બ્રૅન્ડેડ વસ્તુઓ છે. લક્ઝરી કહેવાય એવી બ્રૅન્ડની અમુક વસ્તુઓ ખરીદવાનો શોખ પણ છે. થોડા સમય પહેલાં જ મેં ઍલ્ફ કૉસ્મેટિક્સ અને પિક્સી કૉસ્મેટિક્સ જેવી લક્ઝરી અને પ્રખ્યાત કહી શકાય એવી કંપનીની મેકઅપ પ્રોડક્ટ્સ ખરીદી હતી, પણ જ્યારે મેં એને ફેસ પર અપ્લાય કરી ત્યારે મને કોઈ વિશેષ ફરક લાગ્યો નહીં. લોકલ બ્રૅન્ડના મેકઅપ જેવો જ લુક મને આ મેકઅપને અપ્લાય કર્યા બાદ ફિલ થયો હતો. નો ડાઉટ ફેસ જેવી સેન્સિટિવ જગ્યાએ લગાવવા માટે ટૉપ ગણાતી કંપનીના પ્રોડક્ટનો જ ઉપયોગ કરવો જોઈએ, પણ જો આપણો ઉપયોગ મર્યાદિત હોય તો દેખાદેખીમાં લક્ઝરી મેકઅપ પ્રોડક્ટ ખરીદવા પાછળ હજારો રૂપિયા વેડફવા નકામા લાગે છે. એના સ્થાને લોકલ સારી કંપનીનાં કૉસ્મેટિકસ ખરીદવાં મને યોગ્ય લાગે છે. આ અનુભવ બાદ મેં મારી બૅગ ખરીદવા માટેના માઇન્ડસેટને પણ ચેન્જ કરી નાખ્યો હતો. મને લક્ઝરી બૅગ લેવાની ઇચ્છા હતી. હું ડિઓરની બૅગ લેવા માંગતી હતી જેના માટે ઑનલાઇન જઈ ને મેં એના ભાવ ચેક કર્યા. આ બૅગ કંપનીની વેબસાઇટ પર પાંચ લાખ રૂપિયામાં વેચાઈ રહી હતી. બૅગ પાછળ આટલાબધા રૂપિયા વેડફવા મને યોગ્ય લાગ્યા નહીં. એક તો બૅગની કિંમત સોના કરતાં પણ વધારે અને સામે એ કોઈ રિટર્ન પણ આપતી નથી તો આવા પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ કરવા કરતાં આટલા જ પૈસાનું કોઈ પ્રૉપર સ્થાને રોકાણ કરું તો ભવિષ્યમાં લાભ થશે. બીજું એ કે દર થોડા સમયે ફૅશન બદલાતી રહે છે તો પછી આટલા પૈસા ખર્ચવા વર્થ નથી. હું લોકલ માર્કેટમાં ગઈ ત્યાં મને આ બૅગની ફર્સ્ટ કૉપી વેચાતી જોવા મળી, જે ૩૦૦૦ રૂપિયામાં વેચાઈ રહી હતી. મેં આ જ બૅગ ખરીદવાનો નિર્ણય લીધો. મને બૅગને કૅરી કરવામાં કોઈ અલગ ફીલિંગ આવી રહી નથી. બૅગ ઓરિજિનલ છે કે ફર્સ્ટ કૉપી, મોટા ભાગના લોકોને આ વાતની ખબર પણ નથી પડતી. લક્ઝરી વસ્તુનો સંપૂર્ણ ત્યાગ કરી દેવો જોઈએ એવું હું કહેતી નથી, પણ જે વસ્તુ જરૂરી છે અને જેનો યુઝ લૉન્ગ ટર્મ કરવાનો છે એમાં પૈસા નાખવામાં ખોટું નથી એવું હું માનું છું.’
માત્ર શોખ ખાતર ૨૫ હજાર રૂપિયાનાં ગૉગલ્સ અને દસ હજારની બૅગ ખરીદ્યાં હતાં પણ હવે મને લાગે છે બ્રૅન્ડનો આ મોહ નકામો છે
મલાડ વેસ્ટમાં રહેતાં ૪૧ વર્ષનાં હાઉસ મેકર ભારતી ગાલા કહે છે, ‘મને બ્રૅન્ડેડ અને લક્ઝરી બૅગ્સ, પરફ્યુમ્સ અને ગૉગલ્સનો શોખ છે. હું જાણું છું કે એની કિંમત ઘણી છે તેથી હું એ વધારે ખરીદતી નથી પરંતુ મેં શોખ ખાતર માટે કેટલાંક ખરીદ્યાં છે. ગયા વર્ષે જ્યારે હું સિંગાપોર ગઈ હતી ત્યારે મેં ઍરપોર્ટ પરથી ચાર્લ્સ ઍન્ડ કીથની બૅગ લીધી હતી, જેની કિંમત હતી લગભગ ૧૦,૦૦૦ રૂપિયા. એ પછી મેં કોઈ લક્ઝરી બૅગ લીધી નથી. ખાસ પ્રસંગોમાં જવા માટે મેં આવી બે બૅગ ખરીદી છે, પરંતુ રૂટીન કે નાના પ્રસંગોમાં જવા માટે મને લોકલ બ્રૅન્ડની સારી બૅગ મળી જાય છે તો શું કામ હું લક્ઝરીના નામે દરેક બૅગ ખરીદવા માટે ૫૦૦૦થી ૨૫,૦૦૦ રૂપિયાનું રોકાણ કરું? હા, વૈભવી વસ્તુનો દેખાવ અલગ છે અને ઉત્પાદનની ગુણવત્તા અને લાઇફ વિશે કોઈ પ્રશ્ન નથી. પરંતુ આટલી ઊંચી કિંમતે વધુ બૅગ લઈ શકાતી નથી. મને નથી લાગતું કે બૅગ્સ પર ગાંડાની જેમ ખર્ચ કરવો યોગ્ય છે. એ જ રીતે હું ગૉગલ્સ માટે પણ ખૂબ જ ક્રેઝી છું. જો કોઈ મને કહે કે જા તને જેટલાં જોઈએ એટલાં લક્ઝરી અને ટૉપ બ્રૅન્ડનાં ગૉગલ્સ ખરીદી લાવ, તો હું હમણાં જ ખરીદવા માટે દોટ મૂકું. આ તો હસવાની વાત છે, પરંતુ આવાં ગૉગલ્સની કિંમત જ ૨૫,૦૦૦ રૂપિયાથી શરૂ થાય છે. તેમ છતાં આખરે મારી ઇચ્છા પૂરી કરવા માટે મેં ગયા વર્ષે શનેલનાં ૨૫,૦૦૦ની કિંમતનાં ગૉગલ્સ ખરીદ્યાં. બાકી હું આ સિવાય ચાર-પાંચ હજારની અંદર લોકલ સારી કંપનીઓનાં ગૉગલ્સ શોધી કાઢું છું. માત્ર શોખ ખાતર હું શા માટે લક્ઝરી ઉત્પાદનો પર વધુ પૈસા બગાડું?’
૨૪૦૦ રૂપિયાના ઓરિજિનલ પરફ્યુમ જેવી જ સુગંધ જો ૮૦૦ રૂપિયાના ડુપ્લિકેટ પરફ્યુમમાં મળી જાય તો?
લક્ઝરી બ્રૅન્ડની ઘણી વસ્તુઓ મારી પાસે છે, પણ હવે મને એવું લાગે છે કે તમારી જરૂરિયાત જો લક્ઝરી કરતાં થોડી ઊતરતી અથવા તો એની ફર્સ્ટ કૉપી કહેવાતી વસ્તુઓ પૂરી કરી શકતી હોય તો પછી લક્ઝરીના નામ પાછળ પૈસા વેડફવા યુઝલેસ છે એમ જણાવતાં કૉલેજિયન ભૂમિ જોશી કહે છે, ‘લક્ઝરી પ્રોડક્ટ ગેરેન્ટી અને વૉરન્ટીવાળા હોય છે અને એની આવરદા પણ લાંબી હોય છે, પણ એવી વસ્તુ જેને હું લાંબો સમય માટે ઉપયોગમાં નથી લઈ શકવાની એમાં વધુ પૈસા નાખવા મને યોગ્ય લાગતા નથી. જેમ કે પરફ્યુમ. પરફ્યુમનું કામ છે ફ્રૅગ્રન્સ આપવાનું. એનો લગભગ આપણે રોજ જ ઉપયોગ કરતા હોઈએ છીએ. વિક્ટોરિયા’ઝ સીક્રેટ નામની લક્ઝરી બ્રૅન્ડની પરફ્યુમની એક નાની બૉટલની કિંમત ૨૪૦૦ રૂપિયાથી શરૂ થાય છે. મારી પાસે એ છે અને એની ૮૦૦ રૂપિયામાં મળતી ડુપ્લિકેટ પણ મારી પાસે છે. પહેલાં હું માત્ર વિક્ટોરિયા’ઝ સીક્રેટ ઓરિજિનલ જ યુઝ કરતી હતી, પણ ડેઇલી યુઝ હોય ત્યારે ૨૪૦૦ રૂપિયાની પ્રાઇઝ મોંઘી પડે છે એટલે મેં હવે એની ડુપ્લિકેટ પણ વસાવી લીધી છે. સમાન ફ્રૅગ્રન્સ તમને એની ડુપ્લિકેટ બ્રૅન્ડમાં મળતી હોય તો હું શું કામ લક્ઝરી પાછળ વધુ પૈસાનો ખર્ચ કરું?’
ક્વૉલિટીના આગ્રહને કારણે અમુક બ્રૅન્ડ પ્રિફર કરું છું પણ ખરીદી કરવાની માત્ર સેલ ચાલતું હોય ત્યારે
સ્કિન જેવી સેન્સિટિવ જગ્યાએ ટ્રાયલ ઍન્ડ એરર કરી શકાય નહીં એટલે હું બ્રેન્ડેડ કંપનીનો મેકઅપ જ વાપરું છું પરંતુ સેલમાં હોય ત્યારે જ ખરીદી કરું છું એમ જણાવતાં મલાડમાં રહેતાં ૨૯ વર્ષનાં મેઘા જૈન કહે છે, ‘બૉબી બ્રાઉન અને માય ગ્લૅમ કંપનીની મેકઅપ પ્રોડક્ટ્સ ઘણી સારી આવે છે. બૉબી બ્રાઉન કંપનીનાં ફાઉન્ડેશન ૩૦૦૦થી અને કાજળના ભાવ જ ૧૫૦૦ રૂપિયાથી શરૂ થતા હોય છે. સ્વાભાવિક છે આટલા બધા પૈસા આ વસ્તુઓ પાછળ નાખવા યોગ્ય નથી. જોકે આ કૉસ્મેટિક્સ વાપર્યા બાદ તમને કંઈક અલગ જ યુઝ કર્યા હોવાનું ફીલ થાય છે એટલે હું જ્યારે ઑનલાઇન સેલ લાગે છે ત્યારે જ ખરીદવાનું પસંદ કરું છું જેમાં મને આ જ ફાઉન્ડેશન ૨૫૦૦માં અને કાજળ ૪૦૦ રૂપિયામાં મળી જાય છે. આવી જ રીતે કપડાંની બાબતમાં પણ હું થોડી ચૂઝી છું. પર્ફેક્ટ ફિટિંગ અને કલર્સને લીધે હું ઝારા અને એચઍન્ડએમ બ્રૅન્ડનાં જ અમુક કપડાં ખરીદવાનું પસંદ કરું છું. બાકી નૉર્મલ વેઅર માટે મૅક્સ જેવી લોકલ બ્રૅન્ડનાં કપડાં ખરીદવાનું પ્રિફર કરું છું. પહેલાં ઑનલાઇન લક્ઝરી વસ્તુઓ ઓછી મળતી તેમ જ લોકલમાં પણ ક્વૉલિટી કહી શકાય એવી વસ્તુઓ મર્યાદિત પ્રમાણમાં વેચાતી હતી, પરંતુ હવે બધે બધું મળે છે. એટલે લક્ઝરી પાછળ ખર્ચ મર્યાદિત કરી નાખ્યો છે. માત્ર અમુક વસ્તુઓને બાદ કરીને બાકી બધું લોકલ બ્રૅન્ડનું જ લેવાનું વધારે પ્રિફર કરું છું.’