° °

આજનું ઇ-પેપર
Tuesday, 31 January, 2023


સોહામણો સાફો

28 April, 2022 10:39 AM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

વરરાજા, જાનૈયાઓ અને યજમાનના માથાની શોભામાં અભિવૃદ્ધિ કરતા સાફાની ડિઝાઇન અને સ્ટાઇલમાં આ સીઝનમાં કેવાં વેરિએશન ઍડ થયાં છે જોઈએ

ઉત્સવ શાહ અને વ્રજેશ શાહ શાદી મેં ઝરૂર આના

ઉત્સવ શાહ અને વ્રજેશ શાહ

લાખોપતિ રે સાજન બેઠું માંડવે, નાણાવટી રે સાજન બેઠું માંડવે... વરરાજા તેમ જ માંડવામાં બેઠેલા વડીલો અને જાનૈયાઓની શોભામાં વૃદ્ધિ કરતો સાફો આજે ટ્રેન્ડિંગ વેડિંગ ઍક્સેસરી બની ગયો છે. ભારતીય સંસ્કૃતિમાં સાફો, ફેંટો, પાઘ, પાઘડી, મુગટ જેવા શબ્દોની આગવી વિશિષ્ટતા રહી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી લગ્નપ્રસંગોમાં થીમ આધારિત આઉટફિટ્સની સાથે સાફો બાંધવાની ફૅશન છે. બન્ને પક્ષના પુરુષો અને મહિલાઓ સાફા બાંધીને લગ્નમાં મહાલે એવો ટ્રેન્ડ છે. ઘણા લોકો પરંપરાગત રીતે સાફા બાંધવાવાળાને બોલાવે છે તો કેટલાંક લગ્નોમાં રેડી ટુ વેઅર સાફા પહેરાય છે. આ કન્સેપ્ટમાં નવી સીઝનમાં શું ચાલે છે એ જોઈએ. 

સાફાની વિશિષ્ટતા 
એક મિનિટમાં ચાર વ્યક્તિને રજવાડી સ્ટાઇલમાં સાફો બાંધી આપવાનો રેકૉર્ડ ધરાવતા ઘાટકોપરસ્થિત લાલજીભાઈ સાફાવાલાના ફાઉન્ડર લાલજી ગાલા કહે છે, ‘સાફો અને પાઘડી બાંધી આપવી એ કળા છે. માથાની શોભામાં વૃદ્ધિ કરતી આ ઍક્સેસરીઝમાં કાઠિયાવાડી પાઘડી, પંજાબી ટર્બન, મહારાષ્ટ્રિયન, કોલ્હાપુરી, મારવાડી વગેરે જુદી-જુદી સ્ટાઇલ છે. લગ્નપ્રસંગમાં સાફા ચાલે છે. પચાસ જણને સાફા બાંધવાના હોય તો બે આર્ટિસ્ટ મોકલીએ. અમારી પાસે એક મિનિટમાં બે જણને સાફો બાંધી આપે એવા કુશળ આર્ટિસ્ટોની ટીમ હોવાથી જાનનો સમય સચવાઈ જાય છે. પરંપરાગત રીતે ખેંચીને બાંધવામાં આવતા સાફાનો લુક સરસ આવે છે. રેડી ટુ વેઅર સાફા જાદુગર જેવા લાગે છે, કારણ કે બધાના માથાની સાઇઝ જુદી હોય. આવો સાફો માથાની ઉપર ગોઠવીને મૂક્યો હોય એવું લાગે તો કોઈકને આંખની નીચે સુધી આવી જાય. જોકે ડેસ્ટિનેશન વેડિંગમાં સાફો બાંધી આપનારા આર્ટિસ્ટો અવેલેબલ ન હોય ત્યારે રેડી ટુ વેઅર સાફાની ડિમાન્ડ રહે છે. આવા કેસમાં વરરાજાને બોલાવી માથાનું પ્રૉપર માપ લેવામાં આવે છે. પપ્પા અને ભાઈ માટે પણ અલગથી બનાવીએ. બાકીના તમામ સાફા બાવીસ ઇંચની સાઇઝના બનાવી દઈએ.’

કાંદિવલીસ્થિત શ્રીજી ડ્રેસવાલાના વ્રજેશ શાહ અને તેમના પુત્ર ઉત્સવ શાહ આ સંદર્ભે વધુ માહિતી આપતાં કહે છે, ‘આ એવી ઍક્સેસરી છે જે તમારા પ્રસંગની શોભા વધારે છે. સાફો સ્ટેટસ સિમ્બૉલ છે. સાફા અને પાઘડી બાંધવાનો ટ્રેન્ડ સ્ટાર્ટ થયો ત્યારે મોટા ભાગના લોકો લાલ બાંધણી પ્રિફર કરતા હતા. રેડી ટુ વેઅર સાફાનો પણ ક્રેઝ હતો. ધીમે-ધીમે આ કન્સેપ્ટમાં નવીનતા ઉમેરાતી ગઈ. હવે દરેકની સાફાની પસંદગી જુદી થઈ ગઈ છે. વરરાજાનો સાફો તો શાનદાર રહેવાનો જ. પપ્પા, ભાઈ અને બનેવીના સાફાનો લુક પણ હટકે જોઈએ. જાનૈયાના સાફા એનાથી જુદા હોય. કન્યા પક્ષ વળી નવું જ પસંદ કરે. આમ એક જ પ્રસંગમાં સાફામાં વિવિધતા જોવા મળે છે. રેન્જ વધે એમ સારી ચૉઇસ મળી રહે. આજકાલ કસ્ટમાઇઝ્ડ સાફાની ડિમાન્ડ પણ વધી છે.’

ડિઝાઇન અને કલર્સ 
બાંધણીની પ્રિન્ટ એવરગ્રીન છે. એનો ક્રેઝ ઓછો થવાનો નથી એવી વાત કરતાં વ્રજેશભાઈ કહે છે, ‘બાંધણી ઉપરાંત આ સીઝનમાં ફ્લાવરની ડિઝાઇન ટૉપ પર છે. એમાં ગોલ્ડન અને પિન્ક બન્ને કલરના ફ્લાવર હોય છે. ડબલ કલરના સાફા પણ ક્લાસિક લાગે છે. દાખલા તરીકે ગુલાબી કલરના સાફામાં જામેવારનો પટ્ટો લગાવ્યો હોય. વરરાજાનો સાફો ક્રીમ હોય તો અંગત કુટુંબીજનોના સાફા મરૂન જોઈએ. જાનૈયાના વળી જુદા કલરના સાફા હોય. કન્યાપક્ષના મહેમાનોમાં પણ પાર્ટ પડી જાય છે. સાફા પસંદ કરતી વખતે બન્ને પક્ષ આપસમાં વાતચીત કરી લે છે. એક પક્ષે પ્રિન્ટેડ સાફા પસંદ કર્યા હોય તો બીજો પક્ષ પ્લેન ફૅબ્રિક લે. આજે દરેકને લગ્નની થીમને અનુરૂપ સ્પેસિફિક પ્રિન્ટ અને કલર જોઈએ છે. સાફાની સાથે વરરાજાની ગાડી, કન્યાની ડોલીના શણગાર માટે પણ સેમ કન્સેપ્ટ ચાલે છે.’

સાફામાં જોવા મળતાં વેરિએશન વિશે વાત કરતાં લાલજીભાઈ કહે છે, ‘વરરાજાનો સાફો સૌથી હેવી હોવો જોઈએ તેથી રૉ સિલ્ક ફૅબ્રિકનો ઉપયોગ થાય. એમાં અઢળક ડિઝાઇન્સ આવે છે. સાફો બંધાઈ ગયા બાદ બ્રૉચ, લેસ, ફેધર, મોતીની માળા, નેકલેસ સેટ વગેરે એક્સ્ટ્રા ઍક્સેસરીઝ ઍડ કરવામાં આવે છે. વૉટ્સઍપ પર ફોટો મોકલવાથી કલરમાં ફરક પડી જાય છે તેથી વરરાજાને જાતે શેરવાની લઈને અમારી ઑફિસમાં બોલાવીએ. આઉટફિટ સાથે મૅચ થાય એવા સાફાની ટ્રાયલ આપ્યા બાદ ફાઇનલ કરીએ. એમાં કસ્ટમાઇઝ્ડ ડિઝાઇન પણ થઈ શકે. પરિવારના દસેક સભ્યોના સાફામાં પણ કેટલીક ઍક્સેસરીઝ ઍડ થાય. બાકીના મહેમાનોના સાફા સિમ્પલ હોય. આ સીઝનમાં ફ્લોરલ પ્રિન્ટ અને પિન્ક, પિસ્તા, પીચ, આઇવરી જેવા પેસ્ટલ કલર ટ્રેન્ડમાં છે. અમારી પાસે પચાસ રૂપિયાથી શરૂ થઈને ૧૧ હજાર સુધીનો એક સાફો મળે છે. દરેક વર્ગના લોકો સાફા બાંધીને પ્રસંગની શોભા વધારી શકે છે.’

આટલી સાવચેતી રાખજો

થોડા સમય અગાઉ એક લગ્નમાં થયેલા અનુભવને શૅર કરતાં વ્રજેશભાઈ કહે છે, ‘વરપક્ષવાળાએ જાનૈયાઓ માટે ગુલાબી રંગનો સાફો પસંદ કર્યો હતો. વાજતે-ગાજતે જાન હૉલમાં પહોંચી ત્યાં અચાનક બધાના મોઢા પરથી નૂર ઊડી ગયું. વાસ્તવમાં કેટરર્સવાળાએ તેના સ્ટાફને પણ ગુલાબી રંગનો સાફો પહેરાવ્યો હતો. આજકાલ અનેક જગ્યાએ કેટરિંગ સર્વિસવાળા પોતાના મેલ સ્ટાફને સાફો પહેરાવે એવો ટ્રેન્ડ આવી ગયો છે. વેઇટર અને જાનૈયાઓ એક રંગના સાફામાં હોય તો કેવું લાગે? આ અનુભવ પછી અમે એક સિસ્ટમ બનાવી છે. ક્લાયન્ટ બુકિંગ માટે આવે ત્યારે તેમને ભલામણ કરીએ કે તમારા કેટરર્સવાળા સાથે ચોખવટ કરી સ્ટાફનો ડ્રેસકોડ જાણી લેજો.’

કંકોતરી લખતી વખતે પાઘડી

વેડિંગમાં સાફો બાંધવાની ફૅશન છે તો પ્રી-વડિંગ ઇવેન્ટમાં પાઘડીની ડિમાન્ડ છે એવી જાણકારી આપતાં ઉત્સવ કહે છે, ‘ગુજરાતી પ્રજામાં વર્ષો અગાઉ પાઘડી બાંધવાની પરંપરા હતી. આજે પણ ગામડાંઓમાં તમને આ પ્રથા જોવા મળશે. કંકોતરી લખવાની હોય ત્યારે કુટુંબના પુરુષો બાંધણી અથવા લહેરિયાની ડિઝાઇનવાળી પાઘડી પહેરવાનું પસંદ કરે છે. સાથે ગળામાં નાખવાનો ખેસ પણ હોય. નવી સીઝનમાં કંકોતરી લખવાની ઇવેન્ટને હાઇલાઇટ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. બાજોઠ પર સરસ મજાનું વસ્ત્ર પાથરી એના પર નાની સાઇઝની મટકીઓ ગોઠવી એમાં કલમ ડુબાડેલી હોય એવું ડેકોરેશન કરવામાં આવે છે. વર-કન્યાના દાદા-નાનાની હાજરી હોય તો અમે તેમને લગ્નના દિવસે પણ પાઘડી પહેરવાનું સજેસ્ટ કરીએ છીએ જેથી તેમનો મોભો જુદો પડે.’

28 April, 2022 10:39 AM IST | Mumbai | Varsha Chitaliya

અન્ય લેખો

ફેશન ટિપ્સ

વૉર્ડરૉબ અરેન્જ કરવામાં મને મમ્મીની મદદ તો જોઈએ જ: જાનકી બોડીવાલા

કલરફુલ કપડાંનો ઢગલો છે અભિનેત્રી જાનકી બોડીવાલાના વૉર્ડરૉબમાં

25 January, 2023 09:30 IST | Mumbai | Rachana Joshi
ફેશન ટિપ્સ

ડેસ્ટિનેશન વેડિંગમાં જવાનું છે? તો શું લેવું અને પૅકિંગ કેવું કરવું?

છેલ્લા થોડા વખતથી ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ ચાલ્યો છે. લગ્ન કે પછી પ્રી-વેડિંગનાં ફંક્શનો પોતાના શહેરથી દૂર કોઈ હિલ રિસૉર્ટ કે બીચ રિસૉર્ટ પર કરવાની પરંપરા વધી રહી છે

24 January, 2023 04:55 IST | Mumbai | Alpa Nirmal
ફેશન ટિપ્સ

વૉર્ડરૉબ જોઈને ખબર પડી જાય કે વ્યક્તિ ઇમોશનલી કેટલી સ્ટ્રૉન્ગ છે : વિરાફ પટેલ

અભિનેતા વિરાફ પટેલને સાફ અને વ્યવસ્થિત ગોઠવેલું વૉર્ડરૉબ જ જોઈએ

11 January, 2023 12:15 IST | Mumbai | Rachana Joshi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK