સાડીનો પલ્લુ અને પાટલી બાંધવાનું આજની મૉડર્ન માનુનીઓને ન ફાવતું હોય તો એ માથાકૂટ સાવ જ એલિમિનેટ કરી દે એવી રેડી ટુ વેઅર સાડીનો ટ્રેન્ડ વધી રહ્યો છે. જસ્ટ ડ્રેપ કરો અને તમારો સારી-લુક તૈયાર!
આ સાડીઓ ઇનથિંગ છે
ભલે જમાનો બહુ મૉડર્ન થઈ ગયો હોય, આજે પણ ફેસ્ટિવલ્સની સીઝનમાં ટ્રેડિશનલ વેઅરમાં સાડીની પસંદગી જ પહેલી થાય. સાડી એવી ચીજ છે જે હાઉસવાઇફ, વર્કિંગ વુમન કે કૉલેજ ગોઇંગ ગર્લને પણ પસંદ આવે છે. જોકે સાડી પહેરવી એ બધાના બસની વાત નથી. એમાં પણ ખાસ કરીને યુવતીઓને સાડી પહેરવામાં તકલીફ થતી હોય છે. સાડીની પાટલીઓ અને પલ્લુ સેટ કરવાનું કામ કોઈ ટાસ્કથી કમ નથી. આટલું ઓછુ હોય એમ બદલાતા સમય સાથે સાડીઓ પહેરવાના ટ્રેન્ડ પણ બદલાતા રહે છે. આ સમસ્યાના સોલ્યુશન રૂપે માર્કેટમાં રેડી ટુ વેઅર સાડીઓ મળવા લાગી છે અને આ ફેસ્ટિવ સીઝનમાં તો ઇન્સ્ટાગ્રામ પર એ જબરી ટ્રેન્ડમાં છે. રેડીમેડ સ્ટિચ્ડ સાડીઓ યુવતીઓને પસંદ આવી રહી છે એનું કારણ એ છે કે આ સાડીઓ એવી રીતે સીવેલી હોય છે કે તમારે એમાં પલ્લુ કે પાટલી બાંધવાની માથાકૂટ રહેતી નથી. એક મિનિટમાં આ સાડી પહેરીને રેડી થઈ શકાય છે.
સામાન્ય રીતે યુવતીઓ કૉલેજ ફેસ્ટ કે પછી ફેરવેલમાં પાર્ટીમાં અથવા કોઈ ખાસ ફંક્શન કે ફેસ્ટિવલની સીઝનમાં સાડી પહેરે છે. એક સમય હતો જ્યારે યુવતીઓ સાડી પહેરવામાં મમ્મી કે ભાભીની મદદ લેતી હતી. જોકે હવે સમય બદલાયો છે. આજની યુવતીઓ દરેક બાબતે ઇન્ડિપેન્ડન્ટ થઈ રહી છે. એવામાં સાડી પહેરવા માટે કોઈના પર નિર્ભર કેમ રહેવું પડે? બીજું એ કે આજના વ્યસ્તતાભર્યા જીવનમાં કોઈની પાસે એટલો સમય નથી કે તૈયાર થવામાં કલાકો વેડફે. એવામાં ઘણી વાર એવું બને કે સાડી પહેરવાનું મન તો બહુ હોય, પણ એમાં સમય ખર્ચવાનું પોસાય એમ ન હોવાથી ટ્રેડિશનલ કે ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસ પહેરીને ચલાવી લેવું પડે.
ADVERTISEMENT
કેવી-કેવી સાડીઓ? | રેડી ટુ વેઅર સાડી અત્યારે તમને જોઈએ એવા ફૅબ્રિકમાં અવેલેબલ છે એ પછી શિફોન, કૉટન, જ્યૉર્જેટ, રેયૉન કે પછી નેટ હોય. સ્ટાઇલની વાત કરીએ તો તમને ઑફ-શૉલ્ડર, ધોતી સ્ટાઇલ, રફલ, ગાઉન-સ્કર્ટ સ્ટાઇલમાં પ્રી-સ્ટિચ્ડ સાડી મળી જશે. માર્કેટમાં અલગ-અલગ શૉલ્ડર ડ્રેપિંગ સ્ટાઇલ જેમ કે ફ્રી ફ્લોઇંગ, પ્લીટેડથી લઈને ગુજરાતી સ્ટાઇલ પણ અવેલેબલ છે. આ સાડીઓ XXSથી લઈને XL સુધીની સાઇઝમાં ઉપલબ્ધ છે. એ સિવાય ઘણાં એવાં ઑનલાઇન વેબસાઇટ અને બુટિક સ્ટોર છે જે તમને તમારી પસંદના હિસાબે સાડી સ્ટિચ કરીને આપે છે. એ સિવાય જો તમને સીવણકામ આવડતું હોય તો તમે ઘરે પણ સાડી સ્ટિચ કરી શકો છો. એ માટેનાં અનેક ટ્યુટોરિયલ યુટ્યુબ પર ઉપલબ્ધ છે.
એક્સપર્ટ શું કહે છે? | ફૅશન ડિઝાઇનર પરિણી અમૃતે કહે છે, ‘મહિલાઓ અને યંગ ગર્લ્સ ફરીથી સાડી પહેરતી થઈ છે એની ક્રેડિટ માર્કેટમાં ઈઝીલી અવેલેબલ પ્રી-સ્ટિચ્ડ સાડીને જાય છે. હાલમાં જ્યૉર્જેટ, શિફોન, ચિનોન જેવાં ફૅબ્રિક ટ્રેન્ડમાં છે જે લાઇટ વેઇટ પણ હોય છે અને એનાથી બૉડીનો શેપ પણ એન્હેન્સ થાય છે. કલર ઑફ ધ સીઝનની વાત કરીએ તો રૉકી ઔર રાની કી પ્રેમ કહાની મૂવી બાદ આલિયા ભટ્ટની સાડીથી ઇન્સ્પાયર થઇને યુવતીઓને શેડેડ કલરનું તો જાણે ઘેલું લાગ્યું છે. ’
કઈ વાતનું ધ્યાન રાખવું? | એ વાત સાચી છે કે પ્રી-સ્ટિચ્ડ સાડી પહેરવામાં વધુ ઝંઝટ કરવી પડતી નથી, પણ એ વાત પણ એટલી જ સાચી છે કે જો તમે સાડીની ખરીદી કરતી વખતે અમુક વાતોનું ધ્યાન નહીં રાખો તો એ તમારા માથાનો દુખાવો બની શકે છે. સૌથી મહત્ત્વની વાત એ કે સાડીની ખરીદી કરતી વખતે એની વેસ્ટ સાઇઝ ચેક કરી લો. બીજું એ કે સાડીના પલ્લુની લંબાઈ કેટલી છે એ જોઈ લેજો. આજકાલ લાંબા પલ્લુની ફૅશનનો ટ્રેન્ડ છે. પ્રી-સ્ટિચ્ડ સાડી રેડીમેડ બ્લાઉઝ સાથે આવે છે. એટલે બ્લાઉઝની સાઇઝ પણ જોઈ લેવી જોઈએ. આ ઉપરાંત પ્રી-સ્ટિચ્ડ સારી વિથ પેટિકોટ અને વિધાઉટ પેટિકોટ ઑપ્શન સાથે આવે છે. જોકે પેટિકોટ સાથેની સાડી વધુ કમ્ફર્ટેબલ હોય છે. ઉપરથી પેટિકોટ સાથે ઘણીબધી ક્લિપ્સ લાગેલી હોય છે. એટલે એક પેટિકોટને સ્મૉલથી લઈને મીડિયમ સાઇઝના બે-ત્રણ લોકો પહેરી શકે છે. રેડી ટુ વેઅર સાડીમાં ફક્ત સાઇઝ જ નહીં; એના ફૅબ્રિક, પ્રિન્ટ, કલર વગેરે જેવી વિગતો જાણી લેવી જોઈએ. ઘણી વાર ઑનલાઇન શૉપિંગ દરમિયાન એવું બને કે ફોટોમાં અલગ ડિઝાઇન અને કલર દેખાતા હોય પણ જ્યારે પ્રોડક્ટ હાથમાં આવે ત્યારે એ અલગ જ હોય છે.


