Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝસ્ટેટમેન્ટ સ્લીવ્સ

06 June, 2024 07:46 AM IST | Mumbai
Heta Bhushan | feedbackgmd@mid-day.com

ચાલો જાણીએ આજકાલ કેવી-કેવી સ્લીવ્સ અટ્રૅક્ટિવ બની રહી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ફૅશનની દુનિયામાં છેલ્લા થોડા વખતમાં સ્લીવમાં ખૂબ એક્સપરિમેન્ટ થઈ રહ્યા છે. ફ્લાવર રોઝ એમ્બ્રૉઇડરીવાળી પફી સ્લીવ્સમાં ઐશ્વર્યા રાયનો લુક બહુ ચર્ચાયો હતો. આખો ડ્રેસ સામાન્ય હોય, પણ જો એની સ્લીવ્સમાં પ્રયોગ કર્યા હોય તો એ દીપી ઊઠે છે. ચાલો જાણીએ આજકાલ કેવી-કેવી સ્લીવ્સ અટ્રૅક્ટિવ બની રહી છે

ઘણાં વર્ષોથી શૉર્ટ સ્લીવ ઇનથિંગ રહી હતી. ત્યાર બાદ આવી એલ્બો સ્લીવ, થ્રી ફોર્થ સ્લીવ, અને ફુલ સ્લીવ. સ્લીવ મુખ્યત્વે હાથ અને ખભાનું ગરમી તથા સૂર્યપ્રકાશથી થતા ટૅનિંગથી રક્ષણ કરે છે, પણ અત્યારે સ્લીવ એક ડ્રેસમાં ઘણી મહત્ત્વની છે. જોકે હવે ફૅશનની દુનિયામાં નવો ટ્રેન્ડ આવ્યો છે એ છે ‘સ્ટેટમેન્ટ સ્લીવ.’ આ સ્લીવ્સમાં હવે એટલા બધા એક્સપરિમેન્ટ્સ થઈ રહ્યા છે કે ક્યારેક તો એ સ્લીવ્સની પૅટર્ન જ આખા આઉટફિટને દીપાવે છે.કોઈ પણ ગાર્મેન્ટમાં સાદી, નૉર્મલ કે સિમ્પલ પૅટર્ન ધરાવતી સ્લીવ્સના સ્થાને સ્ટેટમેન્ટ સ્લીવ ઍડ ઑન કરવામાં આવે તો એ ગાર્મેન્ટને એક અલગ જ લેવલે લઈ જાય છે. ફ્રન્ટમાં ફુલ વર્ક કે દામનમાં વર્ક કે માત્ર નેકલાઇનમાં વર્ક અને સ્લીવમાં સામાન્ય બૉર્ડર કે લેસ જેવા ડ્રેસ ડિઝાઇનિંગથી કંઈક અલગ પહેરવાની ઇચ્છા હોય તો આ સ્ટેટમેન્ટ સ્લીવ ટ્રાય કરી શકાય.


સ્ટાઇલ, મૂડ અને પ્રસંગ

૧૨ વર્ષથી એક ઇમેજ કન્સલ્ટન્ટ અને ફૅશન-ડિઝાઇનર તરીકે કામ કરતાં અને સેલિબ્રિટીઝ માટે કામ કરી ચૂકેલાં બોરીવલીનાં રીના ધરોડ કહે છે, ‘એક ફૅશન-ડિઝાઇનર તરીકે મેં જુદા-જુદા લોકોને જુદા-જુદા પ્રસંગ માટે સ્ટાઇલ કર્યા છે એમાં ઇન્ટરનૅશનલ ક્લાયન્ટ, મૉડલ્સ, વર્કિંગ વુમનથી લઈને સેલિબ્રિટી સુધી બધાં સામેલ છે અને દરેકની સ્ટાઇલ જુદી અને ચૉઇસ પણ અલગ-અલગ હોય છે. તેમના મૂડ અને તેમણે કયા પ્રસંગે કેવો મેસેજ આપતો ડ્રેસ પહેરવાનો છે એના પર સ્ટાઇલિંગનો આધાર રહેલો છે અને ત્યારે સ્લીવ્સ બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે.’


સ્ટેટમેન્ટ સ્લીવ એટલે શું?

આખા આઉટફિટમાં પછી એ ડ્રેસ હોય, કુરતી કે કુરતો હોય કે પછી અનારકલી એમાં સૌથી વધુ આંખે ઊડીને વળગે એવી ડિઝાઇનિંગ માત્ર બે હાથની સ્લીવમાં જ કરવામાં આવી હોય અને બાકીનું આઉટફિટ સાવ પ્લેન અથવા સામાન્ય મિનિમલ ડિઝાઇનિંગ હોય, આવી હટકે અટ્રૅક્ટિવ સ્લીવને સ્ટેટમેન્ટ સ્લીવ કહે છે જે એકદમ આંખે ઊડીને વળગે એવા ફૅન્સી, વર્કવાળી, મોટી, સ્ટોન મિરર જેવા એમ્બેલિશમેન્ટ, લેસ વગેરેથી શોભતી હોય છે અને એ સ્લીવ દરેકનું અચૂક ધ્યાન ખેંચે છે અને સ્લીવની ડિઝાઇન જ ડ્રેસની ઓળખ બની જાય છે. આ વિશે ફૅશન-ડિઝાઇનર રીના ધરોડ કહે છે, ‘સ્ટેટમેન્ટ સ્લીવ ક્રીએશનમાં તમે તમારી કલ્પના અનુસાર જે પ્રયોગ કરવા હોય એ કરી શકો છો. એમાં કોઈ પણ લેંગ્થની હોઈ શકે છે. એકદમ શૉર્ટ રફલ સ્લીવ આઇડિયા લઈને ફુલ લેંગ્થ સ્લીવથી પણ આગળ લૉન્ગ ઘૂંટણ સુધી લટકતી સ્લીટવાળી સ્લીવ એકદમ ફૅન્સી લુક આપે છે. બેલ, રફલ, બટરફ્લાય, પફ, પેટલ, જુલિયેટ પ્લીટેડ સ્લીવ્સ હટકે છે. અત્યારે બિશપ સ્લીવ્સ એકદમ ટ્રેન્ડમાં છે જે ખભા પાસેથી એકદમ પ્લીટેડ ઘેરદાર હોય છે અને એન્ડમાં કાંડા પાસે ટાઇટ ગેધર થાય છે. બિશપ સ્લીવ મોટા ભાગે ફુલ લેંગ્થ હોય છે અને ટ્રાન્સપરન્ટ ફોલિંગ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. એ ગાર્મેન્ટમાં એક અનોખું અટ્રૅક્શન ઉમેરે છે. બ્લાઉઝ, ટૉપ્સ, વન પીસ, મિડી ડ્રેસ કે કુરતી બધામાં આ સ્લીવ સરસ લાગે છે. અત્યારના ફ્યુઝન ટ્રેન્ડમાં વન શોલ્ડર ડ્રેસમાં સિંગલ સ્ટેટમેન્ટ સ્લીવમાં બિશપ સ્લીવ સરસ લાગે છે. આ સ્લીવ ઇન ટ્રેન્ડ છે પણ બહુ શૉર્ટ કે પ્લસ સાઇઝ ક્લાયન્ટે એ અવૉઇડ કરવી જોઈએ. સ્ટ્રેટ ફુલ સ્લીવ તેમને સરસ લાગે છે. સ્લીવ્સ પર ઓવર એમ્બેલિશમેન્ટ કોઈ પણ પ્રસંગ કે ફંક્શનમાં સરસ લાગે છે અને માત્ર સ્લીવ પર ફુલ એમ્બ્રૉઇડરી કે હાથનું ભરતકામ જેમાં ફ્લાવર કે હાથી કે મોર કે કોઈ પણ આર્ટિસ્ટિક મોટિફ ઍડ કરી શકાય છે. બ્રાઇડલ બ્લાઉઝની સ્લીવ પર હેવી વર્ક બહુ સરસ લુક આપે છે.’

બિશપ સ્લીવ્સ હોય કે બટરફ્લાય કે બેલ સ્લીવ્સ કોઈ પણ પ્રકારની સ્ટેટમેન્ટ સ્લીવ્સ આઉટફિટને બહુ અલગ સુંદર લુક આપે છે, પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે સ્ટેટમેન્ટ સ્લીવ ક્રીએટ કરો ત્યારે બાકીના આઉટફિટમાં મિનિમલ ડિઝાઇનિંગ હોય. આ એક એવો ફૅશન નૉર્મ નથી કે માત્ર અમુક જણ જ જે હાઈ ફૅશન ફૉલોઅર હોય એ જ ફૉલો કરી શકે કે માત્ર અમુક ખાસ પ્રકારના આઉટફિટ પર જ સારો લાગે કે અમુક પ્રસંગે જ પહેરી શકાય.

સ્લીવનું ગણિત

સામાન્યપણે ત્રણ રીતે સ્લીવ્સ ડ્રેસ સાથે જૉઇન થાય છે એ વિશે સમજાવતાં રીના ધરોડ કહે છે, ‘મુખ્યત્વે મોટા ભાગે નૉર્મલ સ્લીવ ગાર્મેન્ટ સાથે આર્મહોલ પાસે જૉઇન થાય છે એમાં કૅપ સ્લીવ, ફુલ સ્લીવ એલ્બો કે થ્રી ફોર્થ કે કોઈ પણ ફૅન્સી સ્લીવનો સમાવેશ થાય છે. કીમોનો ટાઇપના ડ્રેસમાં સ્લીવ્સ ડાયરેક્ટ સ્લીવ છે જેમાં ગાર્મેન્ટમાં આર્મ હોલ નથી હોતા. દાખલા તરીકે ક્ફ્તાન કે પોંચો. ત્રીજી રીત છે રેગ્લન કટ જેમાં શોલ્ડર પાસે કટ કરી સ્લીવ્સ જોડવામાં આવે છે. ફૅશન ઇનથિંગ ટ્રેન્ડને ફૉલો કરવાનું કહે છે, પણ એક ઇમેજ કન્સલ્ટન્ટ તરીકે મારો અભિપ્રાય છે કે તમને ગમે અને શોભે એમ બન્ને હોય એવી ડિઝાઇન પસંદ કરવી.’

કૅઝ્‍યુઅલને ક્લાસી બનાવી શકે

અમુક ગાર્મેન્ટ માત્ર સ્લીવને કારણે આઇ કૅચિંગ અને ફૅન્સી બને છે એમાં સ્લીવમાં પતલા વાયર ઍડ કરી વેવ્સ ક્રીએટ કરવામાં આવે છે અથવા સ્ટિફ કૅન્વસ કે બીજું મટીરિયલ યુઝ કરી શેપ આપવામાં આવે છે અને એથી એ સ્લીવ શેપ પ્રમાણે જ રહે છે જે દરેકનું ધ્યાન ખેંચે છે. આ સ્ટેટમેન્ટ સ્લીવ આઇડિયા તમે તમારા નૉર્મલ કૅઝ્‍યુઅલ કુરતામાં સિમ્પલ પણ ક્લાસી લુક માટે ઍડ ઑન કરી શકો છો અને એક ફૅશનેબલ ટ્રેન્ડી લુક મેળવી શકો છો. ફૅન્સી અટ્રૅક્ટિવ સ્લીવ કટ અને વર્ક પ્લેન ડ્રેસને પણ એલિવેટ કરે છે. ઑફિસવેઅરમાં પણ સ્ટેટમેન્ટ સ્લીવ સરસ લાગે છે, પણ એમાં બહુ ફૅન્સી કે કટવર્ક પૅટર્ન અવૉઇડ કરવી જોઈએ. સેમી ફૉર્મલ ડ્રેસમાં તો ફૅન્સી સ્લીવ વર્ક, લેસ, બીડ્સ અને લટકણ ઉમેરવાથી ચાર ચાંદ લાગે છે.

કેવા એક્સપરિમેન્ટ્સ શક્ય?

સ્લીવ ડિઝાઇન કરવી હોય તો એમાં ધ્યાન રાખવું કે પ્લેન આઉટફિટ સાથે પ્રિન્ટેડ સ્લીવ અથવા પ્રિન્ટેડ આઉટફિટમાં પ્લેન સ્લીવ રાખવી. એમાં લેસ વર્ક, પૅચ વર્ક, પૅટર્ન ક્રીએશન, આભલા વર્ક, મોતી કે બીડ વર્ક, લટકણ, ટ્રાન્સપરન્ટ મટીરિયલ કે કૅન્વસનું એડિશન, પોટલી વર્ક, બો, ગોટાવર્ક બલૂન સ્લીવ્સ, રફલ ઇફેક્ટ એમ જાતજાતના ઑપ્શન્સ સ્લીવ્સને સ્ટાઇલિશ બનાવી શકાય એમ  છે.

Whatsapp-channel Whatsapp-channel

06 June, 2024 07:46 AM IST | Mumbai | Heta Bhushan

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK