યસ, આજકાલની મહિલાઓ પોતાની સાડી સાથે ઘરેણાં, હેરસ્ટાઇલ કે સૅન્ડલને બદલે શૂઝ મૅચ થાય એના પર વિશેષ ફોકસ કરી રહી છે. સાડીમાં પણ ગજબ કમ્ફર્ટ આપતાં શૂઝને વધુ ને વધુ આકર્ષક બનાવવા આંતરરાષ્ટ્રીય બ્રૅન્ડ્સે પણ જબરી કમર કસી છે
પ્રતીકાત્મક તસવીર
સારી સ્નીકર્સ! સાડી પર શૂઝ! ૧૦ વર્ષ પહેલાં કદાચ આ સ્ટાઇલ પર ૧૦૦ ટકા આશ્ચર્ય થયું હોત, પણ આજે આ ટ્રેન્ડિંગ છે. એ દિવસો ગયા જ્યારે મહિલાઓ પોતાના વેડિંગ, કૅઝ્યુઅલ કે પાર્ટી-લુક સાથે મૅચ કરવા માટે હીલ્સ કે બહુ જ અનકમ્ફર્ટેબલ ફુટવેઅર પહેરતી કાં તો વરાઇટીના અભાવના કારણે એ જ પહેરવા પડતાં. તેમની કમ્ફર્ટ માટે કદાચ કોઈએ વિચાર્યું નહીં હોય કાં તો બિઝનેસ-રિસ્ક પણ લાગ્યું હોય. આજની જનરેશને મોટી-મોટી નામી શૂઝ કંપનીઓને પોતાની ડિમાન્ડ મુજબ ડિઝાઇન કરવાની ફરજ પાડી દીધી છે. આજે જેન-ઝી કે યંગ વુમનની માગ છે સારી સ્નીકર્સ.
મહિલાઓના વૉર્ડરોબમાં પ્રવેશ
ભારતની જાણીતી ફૅશન મૅન્યુફૅક્ચરિંગ કંપનીમાં મર્ચન્ડાઇઝર તરીકે કામ કરતી ફૅશન-ડિઝાઇનર શ્રદ્ધા ગુપ્તા કહે છે, ‘કોઈ પણ ટ્રેન્ડની વાત કરીએ તો એ અચાનક જ નથી આવતો. એમાં ધીરે- ધીરે ટ્રાન્ઝિશન થતું હોય છે. મહિલાઓ કેવી રીતે પહેલાં શર્ટ અને પૅન્ટ પહેરતી થઈ અને આજે વેસ્ટર્ન સ્ટાઇલનાં કપડાંની ભરમાર છે. એવી જ રીતે પગરખાંની વાત કરીએ તો મહિલાઓ સાડી સાથે ચંપલ કે હીલ્સ જ પહેરતી અને એ પણ દેખાવી ન જોઈએ. એવો એક સમય હતો જ્યારે સ્ત્રીઓ બૂટ કે શૂઝ પહેરતાં ખચકાતી, કારણ કે એ બહુ મૅનલી ગણાતાં. શૂઝ અને શર્ટને પુરુષો સાથે જ સાંકળવામાં આવતાં. પછી શૂઝની ડિઝાઇનમાં ધીરે-ધીરે બદલાવ આવ્યો. કંપનીઓએ હેલ્થ-બેનિફિટ્સ સાથે વિવિધ કૅટેગરીમાં શૂઝ રજૂ કર્યાં. એમાં લોફર્સ, સ્લિપર બૂટ્સ, મોકેસિન્સ જેવી ડિઝાઇનમાં યુનિસેક્સ શૂઝ આવતાં થયાં. અહીંથી શૂઝે મહિલાઓના વૉર્ડરોબમાં પ્રવેશ કર્યો અને મહિલાઓ પણ સ્ટાઇલિશ ડ્રેસિંગ સાથે ફુટવેઅરની કમ્ફર્ટથી વાકેફ થઈ.’
ADVERTISEMENT
ઍન્કલ લેંગ્થ સાડી
ફિલ્મ્સ અને ટેલિવિઝન સિરીઝમાં કૉસ્ચ્યુમ ડિઝાઇનર અને સ્ટાઇલિસ્ટ તરીકે કામ કરી ચૂકેલી શ્રદ્ધા કહે છે, ‘અત્યારનો જે ટ્રેન્ડ છે એ બહુ ક્વર્કી એટલે કે અલગ છે. અત્યારની ગર્લ્સ સાડી પર સ્નીકર્સ પહેરે છે તો આ સ્નીકર્સ બહુ જ સ્ટાઇલિશ બનાવવામાં આવી રહ્યાં છે. દરેક કંપની જેમ કે નાઇકી, ઓનિત્સૂકા, ફિલાની વગેરેની એક પેટન્ટ હોય છે. આ બધી કંપનીઓ જે-તે વિસ્તાર પ્રમાણે કલર ઇન્ટ્રોડ્યુસ કરે છે. પહેલાં જ્યારે તેમની ઓળખ માત્ર પેસ્ટલ જ હતી એ હવે બદલાઈને બહુ જ કલરફુલ થઈ ગઈ છે. પહેલાંના સમયમાં આ જ કંપનીઓના વિમેન્સ સેક્શનમાં જ્યાં પિન્ક, પીચ, વાઇટ રંગનાં શૂઝ રજૂ થતાં એના બદલે હવે તેઓ લાલ, મસ્ટર્ડ યલો, ગ્રીન જેવા બ્રાઇટ કલર લાવી રહ્યા છે. આજે વેડિંગના એક ફંક્શનમાં તો દુલ્હન સ્નીકર્સ મૅચિંગ કરે છે. સ્નીકર્સના કારણે ગર્લ્સની સાડી પહેરવાની સ્ટાઇલ બદલાઈ ગઈ છે. પહેલા ફ્લોર લેંગ્થ સુધી એટલે કે પગ પણ ન દેખાય એવી રીતે સાડી પહેરવામાં આવતી હતી અને હવે ઍન્કલ લેંગ્થ સાડી સાથે સિલ્વર, ગોલ્ડન અને ગ્લિટરી સ્નીકર્સ મૅચ કરે છે. કેટલીક ગર્લ્સ સાડીને સ્કર્ટની જેમ પણ પહેરે છે. બ્લાઉઝની જગ્યાએ ટૉપ પહેરીને એકદમ લૂઝ સાડી સ્ટાઇલ, કેટલીક ડ્રેપિંગ સ્ટાઇલમાં પલ્લુ ખભા પર નહીં પણ ગળામાં વીંટાળેલો હોય. એટલે આજે સ્નીકર્સની સ્ટાઇલ પ્રમાણે સાડીની સ્ટાઇલ નક્કી થઈ રહી છે.’
આજે વેડિંગના એક ફંક્શનમાં દુલ્હન પણ પોતાના આઉટફિટ સાથે સૅન્ડલને બદલે મૅચિંગ સ્નીકર્સ પ્રિફર કરે છે. સ્નીકર્સના કારણે ગર્લ્સની સાડી પહેરવાની સ્ટાઇલ બદલાઈ ગઈ છે. ઍન્કલ લેંગ્થ સાડી સાથે સિલ્વર, ગોલ્ડન અને ગ્લિટરી સ્નીકર્સની ભરપૂર વરાઇટી મળતી થઈ છે.
- શ્રદ્ધા ગુપ્તા, ફૅશન-ડિઝાઇનર

