૭૦ના દાયકામાં હિપ્પી અને પંક જાતિના લોકો માટે આ આભૂષણ બળવો અને સ્વઅભિવ્યક્તિનું પ્રતીક બની ગયું હતું.
જુઓ જાતજાતની ચૂંક
ભારતીય મૅરિડ મહિલાના સોળ શણગારમાં ચાંદલો, મંગળસૂત્ર અને બંગડીઓ જેટલું જ મહત્ત્વપૂર્ણ ચૂંક પહેરવાનું પણ છે. બાળપણમાં કે જુવાનીમાં છોકરીઓ ચૂંક પહેરે કે ન પહેરે, લગ્ન પછી તો અવશ્ય પહેરવામાં આવતી. જોકે હવે અવળું થઈ રહ્યું છે. આ ચૂંક જનરેશન ઝીની ભાષામાં કહીએ તો નોઝ પિન તરીકે વધુ ઓળખાય છે. આ ચૂંકનો ઇતિહાસ પણ ૪૦૦૦ વર્ષથી વધુ જૂનો છે. ચૂંક સ્ત્રીત્વનું પ્રતીક મનાય છે, પણ હકીકતમાં એ સ્ત્રીના હૉર્મોનલ સ્વાસ્થ્ય સાથે પણ ઊંડી રીતે સંકળાયેલી છે. ગુજરાતીઓ ચૂંક કહે તો મહારાષ્ટ્રિયનો નથણી અને પંજાબીઓ નથ કહે. વેસ્ટ બેન્ગાલ અને ઓડિશામાં બાલા, સાઉથમાં મુખુટ્ટી, રાજસ્થાનમાં ફુલ નથ અને પંજાબમાં લૉન્ગ નથ તરીકે ઓળખાતું આ નાકમાં પહેરવાનું પરંપરાગત ઘરેણું આજકાલ દરેક નાની-મોટી ઉંમરની સ્ત્રીના મન અને નાક પર કબજો જમાવીને બેઠું છે. યસ, નોઝ પિન ઇઝ ઇન ન્યુ ટ્રેન્ડ!



