સ્કિન ટાઇટ જીન્સ પહેરીને પાતળી કાયા ફ્લૉન્ટ કરવાને બદલે હવે જમાનો છે આરામથી બ્રીધ થઈ શકે એવાં લૂઝ જીન્સ પહેરવાનો. ખૂલતાં જીન્સમાં પણ કેવી-કેવી વરાઇટી છે અને કયા કૉમ્બિનેશનમાં પહેરી શકાય એ જાણીએ

પ્રતીકાત્મક તસવીર
વેસ્ટર્ન આઉટફિટની વાત આવે ત્યારે ભારતીય મહિલાઓની પસંદમાં ડેનિમ જીન્સ સૌથી ટૉપ પર આવે છે. નાની બાળકીઓથી લઈને પ્રૌઢ મહિલાઓ સુધ્ધાં જીન્સ પહેરે છે. જીન્સમાંય વળી નવી-નવી ફૅશન આવતી જ રહે છે. આ વર્ષની શરૂઆતથી જ યુવતીઓમાં ઓવરસાઇઝ્ડ જીન્સનો ટ્રેન્ડ ખૂબ જ વધ્યો છે. ઉનાળાની સીઝનમાં અસહ્ય બફારાને કારણે ગરમીથી બચવા લૂઝ જીન્સ પહેરવાનું ચલણ વધ્યું છે. ફૅશન વર્લ્ડમાં આવાં લૂઝ જીન્સની પણ અનેક પ્રખ્યાત વરાઇટી છે.
ફેશનની સાથે કમ્ફર્ટ
ઓવરસાઇઝ્ડ જીન્સના વધી રહેલા ચલણ વિશે મુલુંડમાં રહેતી ફૅશન એક્સપર્ટ અવનિ શાહ કહે છે, ‘આજથી એક દાયકા પહેલાં સોશ્યલ મીડિયાનો ક્રેઝ ઓછો હતો ત્યારે ઝીરો ફિગરનો કન્સેપ્ટ આવ્યો હતો અને ત્યારે સ્કિન ટાઇટ જીન્સનો જબરો ટ્રેન્ડ હતો. એટલે કે પાતળી છોકરીઓ પોતાના સ્લિમ ઍન્ડ ટ્રિમ ફિગરને ફ્લૉન્ટ કરવા માટે સ્કિન ફિટ જીન્સ પહેરવાનું પસંદ કરતી હતી. સોશ્યલ મીડિયાની બોલબાલા વધ્યા બાદ લોકોમાં બૉડી પૉઝિટિવિટી વધવાની શરૂઆત થઈ છે. શરીરે હેલ્ધી હોય એવી લેડીઝ હવે કૉન્ફિડન્ટ્લી પોતાની ફૅશન ફ્લૉન્ટ કરે છે, જે ખૂબ જ સારી વાત છે. બૉડી પૉઝિટિવિટીના લીધે ફૅશનની સાથે લોકો કમ્ફર્ટ પણ જોવા લાગ્યા છે. હાલ ગરમીની સીઝન છે અને મુંબઈની જ વાત કરીએ તો તાપમાનનો પારો આસમાને જ પહોંચેલો હોય છે. આવા બફારાભર્યા વાતાવરણમાં લોકો લૂઝ કપડાં પહેરવાનું વધારે પસંદ કરે છે. લૂઝ જીન્સ કમ્ફર્ટની સાથે તમને કૂલ લુક પણ આપે છે. ઓવરસાઇઝ્ડ જીન્સનો ટ્રેન્ડ બૉલીવુડ સ્ટાર્સ અને ફૅશન ઇન્ફ્લુઅન્સર્સની ફૅશનને જોઈને પણ વધ્યો છે. આજકાલ બૉલીવુડ અભિનેત્રીઓના ઍરપોર્ટ લુક્સ જોશો તો તેમણે લૂઝ જીન્સને ફ્લૉન્ટ કર્યાં છે, જે જોઈને આજકાલની યુવતીઓ તેમને ફૉલો કરી રહી છે.’
સ્ટાઈલિંગ કેવી રીતે કરશો?
ફૅશન ઇન્ડસ્ટ્રીમાં પાંચ કરતાં વધુ વર્ષનો અનુભવ ધરાવતી અવનિ કહે છે, ‘બફારાવાળા વાતાવરણમાં લાઇટવેઇટ ઓવરસાઇઝ્ડ જીન્સ સાથે ક્રૉપ ટૉપ અથવા ટી-શર્ટને ઇન કરીને પહેરી શકાય છે. આ કૉમ્બિનેશન સાથે સ્નીકર્સ અથવા કૅન્વસ શૂઝ બેસ્ટ રહેશે. જો તમે ફ્રેન્ડ્સ સાથે ફરવા જતા હો તો સનગ્લાસિસ અને ન્યુડ શેડની લિપ્સ્ટિક ખૂબ જ સૂટ થશે. હેરસ્ટાઇલમાં તમે પોનીટેલ વાળી શકો છો અથવા વચ્ચે સેંથો પાડીને વાળ ખુલ્લા પણ રાખી શકો છો. જે પૉપ કલ્ચરનો લુક હોય છે, જેમાં જીન્સ અને ટી-શર્ટ ઓવરસાઇઝ્ડ પહેરવાનો ટ્રેન્ડ હોય છે તો જીન્સની સાથે ઓવરસાઇઝ્ડ ટી-શર્ટનો ટ્રેન્ડ યુવતીઓની સાથે-સાથે યુવકોમાં પણ આજકાલ વધુ જોવા મળે છે. ૨૫થી ૩૫ વર્ષની વયની પ્રોફેશનલ યુવતીઓ પર કામનો ભાર વધુ હોય તો ત્યારે તેઓ ફૅશનને બદલે પોતાના કમ્ફર્ટને પ્રાથમિકતા આપે છે. તો આવી યુવતીઓ પેપ્લમ ટૉપ્સ સાથે બૉયફ્રેન્ડ જીન્સ પહેરશે તો વધુ સારી લાગશે. પેપ્લમ ટૉપ્સ પહેલાં ખૂબ જ ટ્રેન્ડમાં હતાં, જે ફરી એક વાર વર્ષો બાદ ટ્રેન્ડમાં આવ્યાં છે. ૪૦ વર્ષથી વધુની વયની મહિલાઓને જોકે બેલબૉટમ જીન્સ અથવા બૂટકટ જીન્સ વધુ સારાં લાગે છે. આવાં જીન્સ ઘૂંટણ સુધી ફિટ હોય છે અને પછી થોડાં ખુલ્લાં હોય છે. આવાં જીન્સ સાથે લૉન્ગ ટૉપ્સ વધુ સારાં લાગશે. પેપ્લમ ટૉપ્સ પણ તેમના પર ખૂબ જ સારાં લાગશે. આવા પ્રકારની સ્ટાઇલ તેમને કૉર્સેટ જેવો લુક આપે છે.
આ પણ વાંચો : સૂટકેસના મિનિએચર જેવી સ્લિંગ બૅગ છે ઇન થિંગ
આટલું રાખજો ધ્યાન
ભીડમાં યુનિક દેખાવું હોય તો કઈ રીતે સ્ટાઇલમાં અલગ તરી આવવું એ વિશે ફૅશનની સાથે સ્ટાઇલિંગનો અનુભવ ધરાવતી અવનિ કહે છે, ‘મોટા ભાગનાં જીન્સ તમે બ્લુ અને બ્લૅકના શેડ્સમાં જ જોયા હશે. રેગ્યુલર ડેનિમમાં યુવતીઓ સામાન્યપણે આ જ કલરનાં જીન્સ પહેરતી હોય છે અને માર્કેટમાં પણ સૌથી વધુ તમને આ જ કલર જોવા મળશે, પરંતુ જો તમે ભીડમાં આકર્ષણનું કેન્દ્ર બનવાની ઇચ્છા ધરાવતાં હો તો બ્લુ અને બ્લૅક ડેનિમની જગ્યાએ ગ્રે, મિલિટરી ગ્રીન, મરૂન અને લૅવન્ડર કલરનાં જીન્સ ખૂબ જ સુંદર લાગશે. આ શેડ્સ થોડા અન્ડરરેટેડ છે, પરંતુ જો તમે પહેરશો તો લોકોને તમારી ફૅશન કૉપી કરવાની ઇચ્છા થઈ જશે. લૅવન્ડર કલર તો ફૅશનની દુનિયામાં ધૂમ મચાવી રહ્યો છે. લગ્નપ્રસંગ હોય કે બર્થ-ડે પાર્ટી, ઍનિવર્સરી હોય કે પછી ફૉર્મલ મીટિંગ હોય, લોકો આ કલરને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. તેથી જો લૂઝ જીન્સમાં પણ તમે લૅવન્ડર કલર પસંદ કરો છો તો એની સાથે ડાર્ક કલરનું સ્પગેટી અથવા ક્રૉપ ટૉપ કિલર કૉમ્બિનેશન લાગશે. ભીડમાં અલગ તરી આવવાની સાથે તમને સેલિબ્રિટીવાળી ફીલિંગ આવશે એ પાક્કું! જો તમને ઑફિસમાં પણ ઓવરસાઇઝ્ડ જીન્સ પહેરવાની ઇચ્છા થતી હોય તો વીક-એન્ડના દિવસોમાં તમે પહેરી શકો છો, જે તમને સેમી-ફૉર્મલ લુક આપશે.’
અઢળક વેરાઈટી
લૂઝ જીન્સમાં ઘણા પ્રકારનાં જીન્સ માર્કેટમાં મળી રહે છે એમ જણાવતાં અવનિ કહે છે, ‘સ્પોર્ટ લુકનો ટચ આપતાં સાઇડ સ્ટ્રાઇપ જીન્સનો પણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સાથે મૉમ ફિટેડ, બૉયફ્રેન્ડ ફિટેડ અને બૅગી જીન્સની પણ ખૂબ જ બોલબાલા છે. મૉમ ફિટેડ જીન્સ કમરથી લઈને ઘૂંટણના નીચેના ભાગ સુધી આખું લૂઝ જીન્સ હોય છે. બૉયફ્રેન્ડ ફિટેડ જીન્સ આમ તો લૂઝ હોય છે પરંતુ એ સ્ટ્રેટ હોય છે. બૂટ સ્ટાઇલ જીન્સ ઘૂંટણ સુધી ફિટ હોય છે અને ત્યાર બાદ એ ફ્લેર આપે છે. એટલે કે લુક બેલ બૉટમ જેવો જ આવશે. આ ઉપરાંત બૅગી જીન્સ છે એ માર્કેટમાં એવરગ્રીન છે. બધાં જ એજ ગ્રુપની મહિલાઓના વૉર્ડરોબમાં બૅગી જીન્સ તો હોય જ છે. બૅગી જીન્સ સૌથી કમ્ફર્ટેબલ હોય છે. કમરથી ફિટ અને બાકી આખું જીન્સ લૂઝ હોય છે. આ ઉપરાંત ડેનિમ પલાઝો પણ માર્કેટમાં મળી રહ્યાં છે. પહેરવામાં લુક જીન્સ જેવો જ મળશે, પરંતુ એને થોડા વધુ ફ્લેર્સ આપવામાં આવ્યા છે. એના પર કુરતી, ટ્યુનિક્સ, ક્રૉપ ટૉપ્સ સારાં લાગશે. રેગ્યુલર સાઇઝનાં ટી-શર્ટ્સ ઇન કરીને પહેરશો તો પણ મસ્ત લાગશે.’