અમુક તહેવારોમાં તમારે હેવી એમ્બ્રૉઇડરી અને ઝગમગ જરીવાળા કુરતા ન પહેરવા હોય તો હવે તમારી અંદરના આર્ટિસ્ટને છતો કરે એવા મજાના પેઇન્ટેડ કુરતાની ફૅશન જામી છે. એમાં રેડીમેડ ફૅબ્રિક ઉપરાંત તમે તમારી ચૉઇસ મુજબનું ડિઝાઇનર પેઇન્ટિંગ પણ કરાવી શકો છો
ફાઇલ તસવીર
રક્ષાબંધનનું ઘરમેળે સેલિબ્રેશન હોય, ગણેશપૂજા હોય કે પછી કોઈકના ઘરે ધાર્મિક પ્રસંગે હાજરી આપવાની હોય ત્યારે બહુ ભારે કુરતા કે શેરવાની તો ન જ પહેરાય, પણ જો તમને સાદા કૉટન કુરતામાં કંઈક વેરિએશન જોઈતું હોય તો એ માટે હવે ફૅબ્રિક પેઇન્ટિંગનો ટ્રેન્ડ તમને જરૂર કામ લાગશે.
ફેસ્ટિવલ સેલિબ્રેશનમાં કપડાં બહુ મોટો ભાગ ભજવે છે. એથ્નિક ફૅશનમાં સ્ત્રીઓ માટે અનેક ઑપ્શન્સ અવેલેબલ છે, પણ પુરુષો માટે મોટા ભાગે એક જ ઑપ્શન છે - કુરતા પાયજામા અને વધુમાં વધુ એના પર ઉમેરો થાય જૅકેટનો. આ કુરતા કાં તો પ્લેન હોય અથવા પ્રિન્ટેડ. એમ્બ્રૉઇડરી બહુ હેવી લુક થઈ જાય. આ ફેસ્ટિવ સીઝનમાં ચાર જણ ફરીને તમારી તરફ જુએ અને ખાસ કૉમ્પ્લિમેન્ટ્સ આપે એવી ઇચ્છા હોય તો ફૅબ્રિક હૅન્ડપેઇન્ટિંગનો ફૅશન આઇડિયા અપનાવો.
ADVERTISEMENT
હૅન્ડપેઇન્ટિંગથી પ્લેન સાદા કુરતાને એલિવેટ કરીને હટકે લુક મળશે. સિમ્પલ સાદા કુરતા પર ફૅબ્રિક પેઇન્ટિંગ કલાકાર દ્વારા પીંછીના અદ્ભુત લસરકા તમારા કુરતાને એક ફૅશન સ્ટેટમેન્ટ અને તમને સ્ટાઇલ આઇકન બનાવી દેશે. સાદું કૉટન ફૅબ્રિક, લિનન ફૅબ્રિક, સિલ્ક વગેરે મટીરિયલ પર ફૅબ્રિક પેઇન્ટિંગ રંગોથી સુંદર પેઇન્ટિંગ કરવામાં આવે છે. અગણિત રંગોના ઝભ્ભા અને એના પર કૉન્ટ્રાસ્ટ રંગોમાં શોભતી વિવિધ ડિઝાઇન જુદી-જુદી રીતે કરવામાં આવે છે. તમે તમારી પસંદ મુજબના રંગનો ઝભ્ભો પસંદ કરીને એના પર પેઇન્ટિંગ જાતે કરી શકો છો, આર્ટિસ્ટ પાસે મેક-ટુ-ઑર્ડર કરાવી શકો છો. રેડીમેડ ઑપ્શન્સ પણ અવેલેબલ છે.
કેવી ડિઝાઇન થઈ શકે?
કુરતાની બટન-પટ્ટીની આજુબાજુ ઝીણી ડિઝાઇન કે એક બાજુ મોટો બુટ્ટો, જમણી બાજુ સીધી પૅનલ, કોઈ પૅટર્ન, ચેસ્ટમાં પેઇન્ટિંગ કે ઓવરઑલ પેઇન્ટિંગ, ફ્રન્ટમાં નાનું અને બૅકમાં એવું જ મોટું પેઇન્ટિંગ, માત્ર પૉકેટ પાસે અને સ્લીવ્સમાં પેઇન્ટિંગ વગેરે જુદી-જુદી રીતે પેઇન્ટિંગની પ્લેસ અને સ્પેસમાં ઘણા વેરિએશન ઉપલબ્ધ છે. લૉન્ગ અને શૉર્ટ બંને કુરતાને પેઇન્ટિંગ અનેરો ઉઠાવ આપે છે. ફૅબ્રિક પેઇન્ટિંગ કરેલા કુરતા પાયજામા, ધોતી, પઠાણી સલવાર કે ચૂડીદાર પર શોભે છે અને યંગ બ્રિગેડ શૉર્ટ અને લૉન્ગ બંને કુરતા જીન્સ સાથે પેર કરે છે.
ફૅબ્રિકની માર્કેટમાં હવે ઘણી દુકાનો હૅન્ડપેઇન્ટિંગ ઑફર કરે છે. મુંબઈની મંગલદાસ માર્કેટમાં લિનન અને વેલ્વેટ મટીરિયલના ક્લોથ મર્ચન્ટ ગિરીશ બી. દાસાની કહે છે, ‘હું ૬ વર્ષથી ડિઝાઇનર સ્પેશ્યલ કુરતા બનાવું છું. પ્લેન કુરતાના ફૅબ્રિકમાં કંઈક અલગ કરવા માટે ફૅબ્રિક પેઇન્ટિંગનો આઇડિયા સુપરહિટ સાબિત થયો છે. ૨૧ વર્ષના યુવાનોથી લઈને કંઈક અલગ પહેરવાના શોખીન સિટિયર સિટિઝનો કુરતાનું મટીરિયલ ખરીદે છે. અમારાં પેઇન્ટર મોનાબહેન અને તેમની ટીમ સુંદર ડિઝાઇનર કુરતા બનાવે છે. હમણાં કુરતાના કૉટન લિનન અને સેમી-લિનન કાપડ પર ફ્રન્ટમાં નાનું અને અને બૅકમાં મોટું પેઇન્ટિંગ એ સ્ટાઇલ વધુ ચાલે છે. ખાસ કરીને એક્સક્લુઝિવ ડિઝાઇનની ડિમાન્ડ છે. ફેસ્ટિવ સીઝનમાં કૃષ્ણ-રાધા, ગણપતિ, ગૌતમ બુદ્ધનાં પેઇન્ટિંગ્યની ખૂબ જ ડિમાન્ડ હોય છે. આ વર્ષે અમે ફૅન્સી વુમન-ફેસની પણ રેન્જ બનાવી છે, જે ખૂબ જ ડિફરન્ટ અને હિટ ટ્રેન્ડ બની રહી છે.’
હૅન્ડપેઇન્ટેડ
ફૅબ્રિક પેઇન્ટિંગ કરવા માટે ઇન્ડિયન આર્ટ્સમાંથી પ્રેરણા લેવામાં આવે છે. મિનિએચર પેઇન્ટિંગ, કેરલા મ્યુરલ આર્ટ, મિથિલા મધુબની પેઇન્ટિંગ, વાર્લી પેઇન્ટિંગ જેવી ડિઝાઇન કુરતા પર થઈ શકે છે. મોડર્ન ડિઝાઇન, ઇજિપ્શિયન કે ટ્રાઇબલ આર્ટ, જિયોમેટ્રિક ડિઝાઇન, નેચર ડ્રૉઇંગ જેવા અગણિત ઑપ્શન્સ કલાકારો પોતાની ઇમેજિનેશન પ્રમાણે બનાવે છે. કેરીની ડિઝાઇન, ફ્લોરલ ડિઝાઇન, વેલ બુટ્ટા, મોરપિચ્છ વગેરે તો ઑલટાઇમ ઇનટ્રેન્ડ ડિઝાઇન્સ છે. ફૅશન ડિઝાઇનર પર્સનલાઇઝ્ડ કુરતા પેઇન્ટિંગ કરે છે એમાં પહેરનારની પર્સનાલિટી, તેમનું કામ અને પસંદ રિફ્લેકટ થાય છે. બ્રાઇટ રંગના કુરતા પર લાઇટ રંગનું બૅકગ્રાઉન્ડ રંગોથી બનાવીને એના પર બીજા રંગોથી ડિઝાઇન કરી ડ્યુઅલ ટોન ઇફેક્ટ પણ સરસ લાગે છે. પ્રસંગ પ્રમાણે પણ ડિઝાઇન બનાવવામાં આવે છે. ગિરીશ દાસાની કહે છે, ‘એક કુરતાના પેઇન્ટિંગને બનતાં પાંચથી સાત દિવસ લાગે છે. રેડી ઑપ્શન્સ હોય છે. મેક-ટુ-ઑર્ડર ડિઝાઇન માટે ૧૫ દિવસ લાગે. અત્યારે ફેસ્ટિવ સીઝનમાં કુરતાની ડિમાન્ડ વધી ગઈ છે.’
રેન્જ શું?
૧૨૦૦થી લઈને ૪,૦૦૦ રૂપિયા સુધીમાં તૈયાર કુરતા મળે.


