ડેનિમ ઇઝ ઑલટાઇમ હિટ, કેમ કે એ હવે વર્સટાઇલ ફૅબ્રિક બની ગયું છે. જોકે ઉપર-નીચે બન્ને જીન્સ મટીરિયલ વાપરવું હોય ત્યારે ફૅશન ફિયાસ્કો ન થાય એ માટે આ હિરોઇનોની ફૅશન સ્ટાઇલ પાસેથી કંઈક શીખીએ
ઑલ ડેનિમ લુક
ડેનિમ એટલે કે જેને આપણે જીન્સ મટીરિયલ તરીકે પણ ઓળખીએ છીએ એ એકદમ વર્સટાઇલ ફૅબ્રિક છે. એનું વીવિંગ એકદમ મજબૂત હોય છે અને દરેક વેધરમાં પહેરી શકાય છે. ડેનિમમાંથી ડિફરન્ટ કટના જીન્સ પૅન્ટ, જૅકેટ, બ્લેઝર, કુરતા, મિની સ્કર્ટ, લૉન્ગ સ્કર્ટ, ફુલ ડ્રેસ, ડંગરી, જીન્સ શર્ટ વગેરે ઘણું-ઘણું બને છે. ડેનિમ મટીરિયલની ખૂબી એ છે કે તમે એમાંથી બનેલા આઉટફિટ ટૉપ તરીકે કે બૉટમ તરીકે પહેરી શકો છો. ડેનિમ આઉટફિટ એક લુક ગુડ અને ફીલ ગુડ એક્સ્પીરિયન્સ આપે છે અને અત્યારે ડેનિમ જુદા-જુદા રંગો, ફિટ્સ, કટ્સ, ડિઝાઇન, સ્ટાઇલ, પ્રિન્ટ સાથે જુદા-જુદા આઉટફિટ બનાવવામાં વપરાય છે. ડેનિમની ખૂબી છે કે એ દરેક મેલ અને ફીમેલ, કોઈ પણ બૉડી શેપ અને સાઇઝના હોય કે કોઈ પણ ઉંમરના હોય બધાને સારું લાગે છે.
સાંતાક્રુઝમાં પોતાનો ફૅશન સ્ટુડિયો ધરાવતાં ફૅશન સ્ટાઇલિસ્ટ નીતિ પટેલ કહે છે, ‘જે તમારી સ્ટાઇલને હાઇલાઇટ કરે અને બદલાતા જતા ફૅશન ટ્રેન્ડમાં હંમેશાં તમારી સાથે રહે એવા ક્લાસિક આઉટફિટના કલેક્શનને કૅપ્સ્યુલ વૉર્ડરોબ કહીએ છીએ અને મારા મત મુજબ કોઈના પણ કૅપ્સ્યુલ વોર્ડરોબમાં ડેનિમ સૌથી મહત્ત્વનો ભાગ છે. ડેનિમ જીન્સ, શર્ટ, જૅકેટ, બ્લેઝર, સ્કર્ટ વગેરે દરેકના કૅપ્સ્યુલ વૉર્ડરોબમાં હોવા જ જોઈએ. સૌથી પહેલાં દરેકે પોતાને માટે જુદા-જુદા રંગ, સ્ટાઇલ, ફિટિંગ વગેરે જોઈને બેસ્ટ ચૉઇસ કરવી જોઈએ અને એ ક્લાસિક અને સિમ્પલ રાખવી. બહુ રિપ્ડ, ઍસિડ વૉશ કરેલાં કે એમ્બ્રૉઇડરીવાળાં જીન્સ ક્લાસિક ન ગણાય.’
ADVERTISEMENT
ઑલ ડેનિમ લુક
ઑલ ડેનિમ લુક એટલે ડેનિમ ઑન ડેનિમ. ટૉપ અને બૉટમ બંને ડેનિમ મટીરિયલમાંથી જ બનેલાં પહેરવાં. ડેનિમ જીન્સ તો હંમેશાં પહેરાય છે. ફૅશન આવે છે, બદલાય છે અને જાય છે અને ફરી પાછી આવે છે. આ મેઇનલી ઇન્ડિગો બ્લુ કલર ફૅબ્રિક હંમેશાં ફૅશનમાં હતું, છે અને રહેશે. હવે ડેનિમમાં બ્લુના વિવિધ શેડ્સ અને બીજા રંગો પણ મળે છે. એટલે ઑલ ડેનિમ લુકમાં પણ મિક્સ ઍન્ડ મૅચ સાથે ઘણાં કૉમ્બિનેશન ટ્રાય કરી શકાય છે. ડેનિમ ઑન ડેનિમ લુક વર્ષોથી ફૅશન સાઇકલમાં ફરી રહ્યો છે. આ ઑલ ડેનિમ આઉટફિટ કૅઝ્યુઅલ પણ ફૅશન ફૉર્વર્ડ અને બોલ્ડ લુક આપે છે. ટૉપ માટે સ્ર્ન્ક ડેનિમ જૅકેટ, ડેનિમ લુક ધરાવતા મટીરિયલનુ શર્ટ, જુદા રંગના ડેનિમ બ્લેઝર સાથે ડેનિમ જીન્સ, શૉર્ટ્સ, ડેનિમ મિની સ્કર્ટ ટ્રાય કરી શકો છો.
ફીમેલ ઑલ ડેનિમ લુક તો અનેક જુદી-જુદી રીતે ક્રીએટ કરી શકાય છે. થોડા ટ્રાય કરવા જવા ઇન ટ્રેન્ડ ઑપ્શન્સ આ રહ્યા -
લાઇટ બ્લુ ડેનિમ શર્ટ વિથ ડાર્ક બ્લુ ડેનિમ જીન્સ.
ડેનિમ જીન્સ પ્લસ જૅકેટ વિથ ઇનર ટી-શર્ટ કે ટ્યુબ ટૉપ.
ડેનિમ જીન્સ સાથે એમ્બ્રૉઇડરી કે પ્રિન્ટ કે પર્લ અથવા સ્ટોનનું એમ્બેલિશમેન્ટ કરેલું જૅકેટ.
એમ્બ્રૉઇડરી કે પ્રિન્ટ કે પર્લ અથવા સ્ટોનનું એમ્બેલિશમેન્ટ કરેલા જીન્સ સાથે પ્લેન જીન્સ શર્ટ.
પ્રિન્ટેડ ડેનિમ સાથે પ્રિન્ટેડ જૅકેટ.
ડેનિમ બ્લેઝર અને જીન્સ.
ડેનિમ સ્કર્ટ વિથ ટૉપ અથવા ડેનિમ મિની સ્કર્ટ અને ઓવરસાઇઝ ડેનિમ શર્ટ.
વન પીસમાં લૉન્ગ મિડી, ડંગરી, શૉર્ટ ડ્રેસ, લૉન્ગ શર્ટ વિથ બેલ્ટ, ટૂ-ટોન ડાર્ક ટુ લાઇટ બ્લુ શેડમાં ફુલ જમ્પર ડ્રેસ વગેરે ફુલ બૉડી ડેનિમ લુક આપે છે.
ટિપ્સ ફૉર ડેનિમ ઑન ડેનિમ :
એકસરખા વૉશ પસંદ કરો : એક સરસ મોનોક્રોમેટિક લુક તૈયાર થશે અને તમે લાંબા દેખાશો.
ડિફરન્ટ કૉમ્બિનેશન : ડેનિમ ઑન ડેનિમ લુકમાં જુદા-જુદા કલર અથવા વૉશનું કૉમ્બિનેશન કરી શકાય છે. ફુલ બ્લુના બદલે બ્લૅક કે વાઇટ ડેનિમ સાથે કૉમ્બિનેશન સરસ લાગે છે.
ઍડ ઑન કલર: મોટા ભાગે ડેનિમ એટલે બ્લુ કલર અને એને ન્યુટ્રલ ગણવામાં આવે છે. એ બધા જ રંગ સાથે મૅચ થાય છે. બ્લુ ઍન્ડ બ્લુ લુકમાં તમે બ્રાઇટ ઇનર ટી-શર્ટ કે પછી બ્રાઇટ લિપસ્ટિક શેડ કે પછી સ્કાર્ફ યુઝ કરી શકો છો.
ઍક્સેસરીઝ : ઑલ ડેનિમ લુકમાં સિમ્પલ વૉચ, નાની જ્વેલરી, ફૅન્સી હેર ઍક્સેસરી સારી લાગે છે. ઑલ ડેનિમ લુકમાં ડેનિમ શૂઝ કે ડેનિમ બૅગ જેવી ઍક્સેસરીઝ ન વાપરવી.


