ભલે કાળા રંગને કદી કલર ઑફ ધ યર ગણવામાં નથી આવ્યો, પરંતુ આ રંગ કોઈ પણ ઈવનિંગ ઓકેઝન્સમાં ચાર ચાંદ લગાવી દે એવો છે. તમે ફૅશનની બાબતમાં બહુ ચીવટવાળા ન હો તો પણ બ્લૅક ઍન્ડ બ્લૅક કૉમ્બિનેશનમાં સહેજ ટ્વિક કરીને તમે ગ્લૅમરસ લુક મેળવી શકો છો
ફાઇલ તસવીર
તાજેતરમાં જ રણવીર સિંહ ઑલ બ્લૅક લુકમાં ફરી એક વાર સ્પૉટ થયો હતો અને દરેક વખતની જેમ આ લુક પણ વખણાયો. આજે વાત કરીએ હંમેશાં ઇન સ્ટાઇલ રહેતા અને બધાની ઉપર શોભતા ઑલ બ્લૅક લુકની. એ અલ્ટિમેટ મેન્સ વેઅર ફૅશન મૂવ ગણાય છે, કેમ કે એ એક ‘ટાઇમલેસ’ ફૅશન સ્ટાઇલ છે.
બ્લૅક રંગ કલર ઑફ ધ યર તરીકે ક્યારેય નહીં પણ કલર ઑફ ફૅશન તરીકે ઑલવેઝ ઇનથિંગ રહ્યો છે. ઑલ બ્લૅક લુક એટલે પગથી માથા સુધી જે પહેરવું એ બધું જ બ્લૅક રંગનું પહેરવું. ટૉપ, બૉટમ, શૂઝ બધું બ્લૅક રંગનું જ પહેરવું અને જો કોઈ અન્ય રંગ હોય એ પણ એકદમ મિનિમમ હોય એવી પસંદગી કરવી. અને સાથે ગૉગલ્સ, બૅગ, બેલ્ટ, વૉચ, સૉક્સ, હૅટ, કૅપ જેવી ઍક્સેસરીઝ પણ બ્લૅક જ પસંદ કરવી. ક્યારેક જ મૉનોટોની તોડવા સ્ટાઇલિસ્ટ કોઈ એક ઍક્સેસરી બીજા રંગની મૅચ કરવાની સલાહ આપે છે. ઑલ બ્લૅક લુકમાં બીજા રંગની હાજરી હોતી નથી અને હોય તો ખૂબ જ મિનિમલ હોય છે. એમાં રેડ, વાઇટ, સિલ્વર, ગ્રે સરસ મૅચ થાય છે. આ ઑલ બ્લૅક લુક એક ઍટિટ્યુડ સાથે પહેરવામાં આવે છે જે એલિગન્ટ દેખાવ સાથે ફૅશનેબલ દેખાવામાં મદદ કરે છે.
ADVERTISEMENT
ઑલ બ્લૅક લુક તમારી અગણિત ખામીઓને દૂર કરી દઈ શકે છે એમ જણાવતાં ધ ક્લોઝેટ્સ ફિક્સના પર્સનલ ફૅશન સ્ટાઇલિસ્ટ સ્મ્રિતિ ધાનુકા કહે છે, ‘બ્લૅક ઍન્ડ બ્લૅક લુક સ્ટાઇલ કરવો એકદમ સહેલો છે. થોડી ક્રીએટિવિટી સાથે એને પહેરવામાં આવે તો ફૅશન લુક આપે છે. એને દિવસના સમયે કામ પર અને સાંજે અને રાત્રે પાર્ટીમાં પણ પહેરી શકાય છે. મારા મત પ્રમાણે આ એક પર્ફેક્ટ નાઇટલુક છે. આ બ્લૅક ઍન્ડ બ્લૅક લુકની એક ખાસ ખાસિયત એ છે કે એ પહેરનારને સ્લિમ લુક આપે છે. શરીરની ખામીઓ છુપાડી ડે છે. બ્લૅક લુક એક છૂપો કૉન્ફિડન્સ આપે છે એવું કલર સાઇકોલૉજી સમજાવે છે. બ્લૅક ઍન્ડ બ્લૅક લુકમાં ઍક્સેસરીઝની પસંદગી પર પણ લુકનો આધાર રહેલો છે. બ્લૅક પ્લેન સૉલિડ સાથે બ્લૅક સેલ્ફ પ્રિન્ટ કે બ્લૅક શેડેડ કે કોઈ અન્ય કલરની નાની પ્રિન્ટનુ કૉમ્બિનેશન પણ અત્યારે ઇનથિંગ છે. ટૉપ અને બૉટમ બંને બેઝ બ્લૅક પણ એક પ્લેન સૉલિડ બ્લૅક અને બીજો પ્રિન્ટેડ લુક મૉનોટોની તોડે છે અને ફૅશનેબલ લાગે છે. આ ઑલ બ્લૅક લુક અપનાવીને તમે હંમેશાં ટ્રેન્ડી અને ફૅશનેબલ લાગી શકો છો.’
ક્લાસિક ટુ ટ્રેન્ડી
લગભગ બધા ફૅશન સ્ટાઇલિસ્ટ આ રંગને પસંદ કરે છે. આ રંગ અને બ્લૅક ઍન્ડ બ્લૅક કૉમ્બિનેશનની ખાસ ખૂબી એ છે કે તે કોઈપણ ઉંમર અને કોઈપણ પ્રસંગે અને કોઈ પણ પ્રકારનાં કપડાં સાથે ઍટ્રૅક્ટિવ અને ફૅશનેબલ લુક આપે છે. ક્યારેક જો કપડાંની સ્ટાઇલ કે ક્વૉલિટીની બરાબર પસંદગી ન કરવામાં આવે તો ઑલ બ્લૅક લુક બોરિંગ લાગી શકે છે પણ મોટા ભાગે બ્લૅક રંગને ફૅશન ફૉર્વર્ડ કલર કહેવાય છે અને મૅસ્ક્યુલાઇન અને ફેમિનાઇન આઉટફિટમાં બ્લૅક ઍન્ડ બ્લૅક લુક ફૅશન સ્ટેટમેન્ટ ગણાય છે. બ્લૅક રંગ ન્યુટ્રલ, કૉમન કલર ગણાય છે અને એને બિઝનેસ પ્રોફેશનલ રંગની સાથે-સાથે જ પાર્ટી પ્રેફરન્સ તરીકે સ્થાન મળ્યું છે. ફ્રૉમ ક્લાસિક ટુ ટ્રેન્ડી બ્લૅક કલર દરેક આઉટફિટને ઉઠાવ આપે છે.
કૅરફ્રી ઍટિટ્યુડ
બ્લૅક જીન્સ અને બ્લૅક ટી-શર્ટ ફૅન્સી લુક આપે છે અને જો એમાં બ્લૅક જૅકેટ ભળે તો લુકમાં ચાર ચંદ લાગી જાય છે. સાથે બ્લૅક સ્પોર્ટ્સ શૂઝ અથવા બ્લૅક બૂટ્સ એકદમ શોભી ઊઠે છે. વેકેશન લુકમાં બ્લૅક શૉર્ટ્સ અને ટી-શર્ટ હોય કે ઍરપોર્ટ લુકમાં બ્લૅક ટ્રૅક પૅન્ટ અને હુડી કે પછી જિમ જૉગિંગ લુકમાં પણ આ કૉમ્બિનેશન બધાને પહેરવું ગમે છે.
કૅઝ્યુઅલ વેઅર, સેમી ફૉર્મલ વેઅર કે પછી ફૉર્મલ વેઅર; દરેક પ્રકારના ક્લોથ્સ આ કૉમ્બિનેશનમાં પહેરી શકાય છે. આ રંગનાં જીન્સ, શર્ટ, ટી-શર્ટ, પૅન્ટ, જૅકેટ, બ્લેઝર લગભગ બધાના વૉર્ડરોબમાં હોય જ છે અને બ્લૅક રંગ વર્સેટાઇલ છે એટલે એને મિક્સ ઍન્ડ મૅચ કરીને જુદી-જુદી રીતે પહેરી શકાય છે. બ્લૅક ઍન્ડ બ્લૅક લુકમાં ટેક્સચર ઉમેરવા જુદાં-જુદાં ફૅબ્રિક જેવાં કે જીન્સ, કૉટન, ઊન, કૅન્વસ, લેધર કૉમ્બિનેશન પણ સરસ લાગે છે. ફૅબ્રિક કૉન્ટ્રાસ્ટમાં ડિઝાઇનર અને સ્ટાઇલિસ્ટની માસ્ટરી ઑલ બ્લૅક લુકને એલિવેટ કરે છે. ઇન્ડિયન એથ્નિક વેઅરમાં પણ જોધપુરી સૂટ, નેહરુ જૅકેટ કે પછી કુરતા કે ઇન્ડો-વેસ્ટર્ન ફ્યુઝન સ્ટાઇલ બધા આઉટફિટ ઑલ બ્લૅક લુકમાં સરસ લાગે છે અને મોટા ભાગે એમાં સ્ટીલ ગ્રે રંગ જોડે ઍડ કરવામાં આવે છે.
પ્રોફેશનલ વર્લ્ડ
ઑફિસ પાર્ટી અને મીટિંગમાં પણ આ બ્લૅક ઍન્ડ બ્લૅક એક પાવર ડ્રેસિંગ તરીકે ઓળખાય છે. બ્લૅક રંગ સિરિયસનેસ અને ઑથોરિટીને પણ રેપ્રિઝેન્ટ કરે છે એટલે ઑથોરિટેટિવ અને ઇન્ફ્લુઅન્શનલ અને ઍટ્રૅક્ટિવ દેખાવ માટે આ કૉમ્બિનેશન કૉર્પોરેટ વર્લ્ડમાં પહેલી પસંદ પામે છે. ડે ટાઇમમાં ઑફિસ મીટિંગ હોય કે ઈવનિંગ પાર્ટી કે ફૉર્મલ ડિનર, એમાં બ્લૅક ઍન્ડ બ્લૅક ફૉર્મલ પૅન્ટ-શર્ટ લુક કે બ્લૅક સૂટ ઑલ્વેઝ ઇન ટ્રેન્ડ છે અને રહેશે.


