Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > કરેલાં પાપ જ્યારે ઉદયમાં આવે ત્યારે કર્મસત્તા રેવડી દાણાદાણ કરી નાખે

કરેલાં પાપ જ્યારે ઉદયમાં આવે ત્યારે કર્મસત્તા રેવડી દાણાદાણ કરી નાખે

Published : 24 June, 2024 01:33 PM | IST | Mumbai
Acharya Rajratnasundersurishwarji Maharaj | feedbackgmd@mid-day.com

પત્ની અને બે બાળકોને ખૂબ અન્યાય કર્યો હોય એવું સ્પષ્ટ લાગે છે, પણ હવે બળાપો કરવાનો કોઈ અર્થ નથી

પ્રતીકાત્મક તસવીર

ધર્મલાભ

પ્રતીકાત્મક તસવીર


ઉંમર ૨૮-૩૦ની. મુંબઈના પરાનો વતની અને બીમારીમાં જડબાનું કૅન્સર. વિકૃત ચહેરા પર નજર પડતાં પળભર ખળભળી જવાયું. એકેએક રૂંવાડું ઊભું થઈ ગયું.


‘મારું જ ફરજંદ ગુરુદેવ...’ તેણે સસ્મિત કહ્યું, ‘જડબાનું કૅન્સર. મારા જ આમંત્રણથી આવ્યું છે. ડૉક્ટરે વધુમાં વધુ છ મહિના જણાવ્યા છે. રોજ તમાકુવાળા ૨પ-૨પ માવા ખાતો. રાતના સૂતી વખતેય માવો ભરાવીને સૂતો. ડૉક્ટરની ચેતવણીની પણ અવગણના કરી હોય તો આપના જેવા પૂજ્ય આત્માની ચેતવણીને ગંભીરતાથી લેવાનો તો પ્રશ્ન જ ક્યાં હતો? પરિણામ એ જ આવ્યું. જડબામાં કૅન્સર પેદા કર્યું.’



‘વેદના કેવી છે?’


‘અસહ્ય અને પ્રસન્નતા ખૂબ સારી.’ યુવકના ચહેરા પર પરમ શાંતિ હતી, ‘સાવ સાચું કહું છું. મોતની તૈયારી કરી લીધી છે. પત્ની અને બે બાળકોને ખૂબ અન્યાય કર્યો હોય એવું સ્પષ્ટ લાગે છે, પણ હવે બળાપો કરવાનો કોઈ અર્થ નથી. હા, એ સૌને ભાવિમાં તકલીફમાં મુકાવું ન પડે એ ખ્યાલે આર્થિક વ્યવસ્થા બરાબર કરી લીધી છે. જડબાનું કૅન્સર ભલે માવાને આભારી હોય, પણ મેં મારી જિંદગીમાં કેટલાં પાપો કર્યાં છે એનો મને બરાબર ખ્યાલ છે. કેવાં-કેવાં પાપો કરવાના મેં અભરખા સેવ્યા એનો પણ મને ખ્યાલ છે. એ કરેલાં અને કરવા ધારેલાં પાપો જ્યારે ઉદયમાં આવશે ત્યારે કર્મસત્તા મારી રેવડી કેવી દાણાદાણ કરી નાખશે એનો પણ મને બરાબર ખ્યાલ છે. પરમાત્માને રોજ પ્રાર્થના કરું છું કે હે પ્રભુ! મારા પર આવનારાં દુખોને તું અટકાવી દે એવી લાચારી હું તારી પાસે દાખવતો નથી; પણ આવનારાં એ દુખોમાં હું મનની પ્રસન્નતા અકબંધ ટકાવી શકું એવું બળ તું મારામાં પૂરતો રહેજે, એ બળના આધારે હું જૂનાં અશુભ કર્મોને સાફ કરતો જઈશ ને આત્માને નવા અશુભ કર્મબંધથી બચાવતો રહીશ.’

યુવકે પ્રેમભાવ સાથે બે હાથ જોડ્યા.


‘સાહેબજી, એક વિનંતી છે. જીવનની અંતિમ પળ સુધી મસ્ત સમાધિ ટકી રહે એવા આપ આશીર્વાદ આપો અને આપનાં પ્રવચનોમાં આપ ક્યાંય પણ માવાની ભયંકરતા પર બોલવાના હો ત્યાં મને બોલાવી લેજો. ચાલુ પ્રવચનમાં મને ઊભો કરી દેજો અને ઉપસ્થિત તમામને મારાં ‘દર્શન’કરાવીને કહેજો કે પત્ની અને બે માસૂમ બાળકોના જીવન સાથે વિશ્વાસઘાત કરીને ત્રીસ વર્ષની વયે જગતમાંથી વિદાય થવાની તૈયારી કરતા આ યુવકને જોઈ લો. તેની આ સ્થિતિમાં જવાબદાર છે તમાકુ! તમારા જીવનમાં પણ આ જ સ્થિતિનું સર્જન કરવું હોય તો ખાજો માવો.’

મનોમન તે યુવકની પ્રસન્નતા અને સ્વસ્થતાને વંદન કરતો રહ્યો તો સાથોસાથ તેના ખમીર પર પણ આફરીન પોકારી ગયો.

Whatsapp-channel Whatsapp-channel

24 June, 2024 01:33 PM IST | Mumbai | Acharya Rajratnasundersurishwarji Maharaj

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK