સંદેશ સ્પષ્ટ છે : મોક્ષનું એક જ સુખ, સિદ્ધશિલા પરનો કાયમી વસવાટ!
જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.
એક નવોદિત લેખકે જીવનમાં પહેલી જ વાર ૧૦૦ પાનાંનું એક પુસ્તક તો લખ્યું, પણ પુસ્તકનું નામ શું આપવું એ નક્કી કરવા એક ખ્યાતનામ લેખક પાસે પહોંચી ગયા અને તેમને વિનંતી કરી કે મારા પુસ્તકનું લખાણ એક વાર આપ વાંચી લો અને પછી મને જણાવો કે આ પુસ્તકનું નામ મારે શું રાખવું?
‘તમારું આખું પુસ્તક વાંચવાનો મારી પાસે સમય નથી, પણ મને એટલું જણાવો કે આખા પુસ્તકમાં ઢોલ કે નગારાંની કોઈ વાત આવે છે ખરી?’
‘ના, જરાય નહીં.’
‘તો બસ, પુસ્તકનું નામ રાખી દો - ન ઢોલ, ન નગારાં.’
પેલાએ તે ખ્યાતનામ લેખકની વાત માની લીધી અને તેણે કોઈ પ્રશ્ન પૂછ્યા વિના પુસ્તકનું નામ રાખી દીધું. જ્યારે કોઈ આવીને મને પૂછે કે મોક્ષમાં સુખ શું છે? ત્યારે મને આ કિસ્સો યાદ આવે અને પછી મનમાં જવાબ સ્ફૂરે...
ન પુણ્ય, ન પાપ.
ન જન્મ, ન મરણ.
ન સન્માન, ન અપમાન.
ન રાગ, ન દ્વેષ.
ન શરીર, ન મન.
ન લાગણી, ન માગણી.
ન લાચારી, ન ખુમારી.
ન થાક, ન આરામ.
ન આક્રમણ, ન પ્રતિક્રમણ.
ન તંદુરસ્તી, ન રોગ.
ન સમાધિ, ન સંક્લેશ.
ન મિલન, ન વિરહ.
ન સંયોગ, ન વિયોગ.
ન મૈત્રી, ન દુશ્મની.
ન જળ, ન જમીન.
સંદેશ સ્પષ્ટ છે : મોક્ષનું એક જ સુખ, સિદ્ધશિલા પરનો કાયમી વસવાટ!
જો એ કાયમી વસવાટ જોઈતો હોય તો આજથી જ ધર્મનું પાલન કરવામાં લાગી જજો. થાય એટલો કરજો, થાય એવો કરજો પણ ધર્મ કરજો અને ખરા મનથી કરજો. ખરા મનથી એક મિનિટ માટે કરેલો ધર્મ પણ સિદ્ધશિલાનો કાયમી વસવાટ કરાવી જાય છે.
ADVERTISEMENT
- વાસ્તવદર્શી વિચારધારા થકી જીવનપરિવર્તનનું નિમિત્ત બનતા જૈન ગુરુવરને ભારત સરકારે પદ્મભૂષણ ખિતાબથી સન્માનિત કર્યા છે
