Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ભારતીય પાઇલટ બન્યો હીરો, લોહીલુહાણ થઈને બચાવી લીધો ૧૮૦ મુસાફરોનો જીવ

ભારતીય પાઇલટ બન્યો હીરો, લોહીલુહાણ થઈને બચાવી લીધો ૧૮૦ મુસાફરોનો જીવ

Published : 01 October, 2026 09:41 AM | IST | Saudi Arabia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઇટને ઓમાની પાઇલટે કરી ક્રૅશ કરાવવાની કોશિશ

સ્મિત મચ્છર

સ્મિત મચ્છર


 કો-પાઇલટે મુખ્ય પાઇલટ સ્મિત મચ્છરને ચાકુ મારી દીધું, પ્લેન બે મિનિટમાં ૧૭,૪૦૦ ફુટ નીચે આવી ગયું, ઇઝરાયલના ફાઇટર જેટ‍્સની નિગરાનીમાં પ્લેનનું થયું સાઉદી અરેબિયામાં ઇમર્જન્સી લૅન્ડિંગ
યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના દુબઈથી ઇઝરાયલના તેલ અવીવ જઈ રહેલા ફ્લાયદુબઈ ઍરલાઇન્સના એક પ્લેનને ગઈ કાલે હાઇજૅક કરીને ક્રૅશ કરવાની કોશિશ થઈ હતી. ટાઇમ્સ ઑફ ઇઝરાયલના રિપોર્ટ મુજબ ગઈ કાલે સવારે ૮.૪૪ વાગ્યે ફ્લાયદુબઈની ફ્લાઇટ સાથે આ દુર્ઘટના ઘટી હતી. ડ્રામેટિક ઘટનાઓ બાદ લગભગ પોણો કલાક બાદ આ ફ્લાઇટને સાઉદી અરેબિયાના તાબુક ઍરપોર્ટ પર ઇમર્જન્સી લૅન્ડિંગ કરાવવામાં સફળતા મળી હતી.

ઘટના શું હતી?
ફ્લાઇટ રડારના ડેટા મુજબ દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઇટ જૉર્ડન પહોંચી ત્યાં સુધી બધું નૉર્મલ હતું, પરંતુ જૉર્ડનથી અચાનક જ ફ્લાઇટનો પાથ બદલાઈ ગયો હતો. એ પછી ફ્લાઇટમાંથી ૭૭૦૦ કોડ મોકલવામાં આવ્યો હતો. એનો મતલબ થાય છે કે પ્લેનમાં કંઈક ઇમર્જન્સી પેદા થઈ છે. જોકે એની થોડી જ ક્ષણોમાં વિમાને ૭૫૦૦ કોડ મોકલ્યો. આ કોડ પ્લેન હાઇજૅક થયાનો છે. ફ્લાઇટ રડારમાં નોંધાયેલા ડેટા મુજબ પ્લેન માત્ર બે મિનિટની અંદર ૧૭,૪૦૦ ફુટ નીચે આવીને માત્ર ૧૬,૦૦૦ ફુટની ઊંચાઈએ પહોંચી ગયું હતું. આ બધાનું કારણ કૉકપિટમાં પાઇલટ્સ વચ્ચે ઝપાઝપી થઈ હોવાનું કહેવાય છે. ઓમાની નાગરિકતા ધરાવતા કો-પાઇલટે મુખ્ય પાઇલટ પર ચાકુથી હુમલો કરીને પ્લેનનો કન્ટ્રોલ હાથમાં લઈ લીધો હતો. આ પાઇલટની મંશા પ્લેન ક્રૅશ કરી દેવાની હતી. ઘવાયેલા મુખ્ય કૅપ્ટનની ઓળખ ભારતીય પાઇલટ સ્મિત મચ્છર તરીકે થઈ છે. ખારસ્સી ઝપાઝપી અને ડ્રામૅટિક ઘટનાઓ બાદ આ પ્લેનનું સાઉદી અરેબિયાના તાબુક ઍરપોર્ટ પર ઇમર્જન્સી લૅન્ડિંગ થયું હતું.  



એકસ્ટ્રા પાઇલટને કારણે બચ્યા 
ઇઝરાયલી રિપોર્ટ મુજબ એક રૂટીન ડ્રિલ અંતર્ગત ફ્લાઇટમાં બે એક્સ્ટ્રા ક્રૂ-મેમ્બર્સ મોજૂદ હતા. આ જ કારણોસર મુખ્ય પાઇલટને ચાકુ માર્યા પછી પણ પ્લેનને કન્ટ્રોલમાં રાખી શકાયું હતું. સાઉદી અરેબિયાના ઍરપોર્ટ પર ઇમર્જન્સી લૅન્ડિંગ પછી રાહતનો શ્વાસ લેનારા મુસાફરોના કહેવા મુજબ જો ફ્લાઇટમાં વધારાના પાઇલટ ન હોત તો પ્લેનને લૅન્ડ કરાવવું લગભગ અસંભવ હતું. ઇઝરાયલના સુરક્ષા-અધિકારીઓએ પણ આ પ્લેનનું સેફ લૅન્ડિંગ થઈ શક્યું એને ચમત્કાર ગણાવ્યો હતો. 


મુસાફરોની જુબાની
ઇઝરાયલી મીડિયાના રિપોર્ટ્સમાં મુસાફરોએ લીધેલા કેટલાક વિડિયો ફરી રહ્યા છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે ‘પ્લેનમાં મોટા ભાગના ઇઝરાયલી મુસાફરો હતા. એમાંથી કેટલાક લોકો કૉકપિટ તોડીને અંદર ઘૂસ્યા હતા. મેં પોતે એક ઇઝરાયલી પૅસેન્જર સાથે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે પ્લેન અચાનક જ તેજ ગતિથી નીચે પડી રહ્યું હતું અને કૉકપિટમાંથી ચીસો સંભળાઈ રહી હતી, ગરબડના સંકેતો મળતાં જ આગળની સીટ પર બેઠેલા બે જણની સાથે અમે કૉકપિટમાં ઘૂસી ગયા હતા, હુમલો કરનારા પાઇલટ સાથે લડાઈ કરીને એને કૉકપિટમાંથી બહાર કાઢ્યો હતો.’

મરિયમ નામની મુસાફરે કહ્યું હતું, ‘કૉકપિટમાં ચીસો સાંભળીને બહારના બે જણ કૉકપિટ ખોલીને અંદર ઘૂસ્યા હતા. એ વખતે પાઇલટ ઘાયલ હાલતમાં હતો. ઘાયલ પાઇલટની હાલત ગંભીર હતી અને લોહી વહી ગયું હોવાથી તેને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી.’


કોઈક યાત્રીએ લીધેલા વિડિયોમાં લોહીલુહાણ પાઇલટને ઑક્સિજન માસ્ક પહેરાવેલો એ જોઈ  શકાય છે. એ જ ફ્લાઇટમાં સફર કરી રહેલા ઇઝરાયલી ડેન્ટિસ્ટે તેનો જીવ બચાવવા માટે જરૂરી પ્રાથમિક સારવાર આપી હતી. 

ઇઝરાયલી ફાઇટર જેટ્સ મદદે આવ્યા
ફ્લાઇટ હાઇજૅક થયાની અલર્ટ મળતાં જ ઇઝરાયલી ઍરફોર્સે તરત ફાઇટર જેટ્સ મોકલ્યાં હતાં અને આ ફ્લાઇટને એસ્કોર્ટ કરીને સાઉદી અરેબિયાના તાબુક ઍરપોર્ટ પર લૅન્ડિંગ કરાવવામાં સહાય કરી હતી. આતંકવાદી હુમલાના ભયે ઇઝરાયલે થોડીક વાર માટે દેશની ઍરસ્પેસ પણ બંધ કરી દીધી હતી. 

ઓમાની પાઇલટ કેવી રીતે ઘૂસ્યો?
કૅપ્ટન અને હુમલો કરનારો કો-પાઇલટ બન્ને અત્યારે ઘાયલ છે અને બન્ને હૉસ્પિટલમાં છે. ઇઝરાયલી અધિકારીઓના કહેવા મુજબ હુમલાખોર કો-પાઇલટ ઓમાની હતો. ઓમાન અને ઇઝરાયલના રાજકીય સંબંધો જોતાં ઇઝરાયલ જતી ફ્લાઇટમાં ઓમાની ક્રૂ-મેમ્બરને સામેલ કરવા વિશેષ પરવાનગીની જરૂર પડે. આ ફ્લાઇટમાં ઓમાની પાઇલટને જવાની મંજૂરી કેવી રીતે મળી એ હવે તપાસનો વિષય છે. 

આ આતંકવાદી હુમલો જ છે ઃ ઇઝરાયલ
ઇઝરાયલી સુરક્ષાપ્રધાન ઇતમાર બેન વિરે કહ્યું હતું કે ‘ફ્લાયદુબઈની FZ1073 ફ્લાઇટ એ આતંકવાદી હુમલો જ છે. સેંકડો ઇઝરાયલીઓને મારવા માટે થઈને આ ફ્લાઇટને ક્રૅશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કો-પાઇલટની માનસિક હાલત સાથે કોઈ લેવાદેવા નથી.’

કોણ છે હીરો ભારતીય પાઇલટ?
હુમલાખોર ઓમાની પાઇલટ સામે બાથ ભીડનાર ભારતીય પાઇલટ સ્મિત મચ્છર છે. તે મૂળ મુંબઈનો છે અને આ પહેલાં ૧૧ વર્ષ સ્પાઇસજેટનો પાઇલટ રહી ચૂક્યો છે. જૂન ૨૦૨૨માં તે ફ્લાયદુબઈ સાથે જોડાયો હતો. ૧૩ વર્ષનો કમર્શિયલ ફ્લાઇટિંગનો અનુભવ ધરાવતા સ્મિતને ૯૭૫૦ ફ્લાઇંગ કલાકોનો અનુભવ છે અને બોઇંગ 737, B737-800 અને B 737 MAX વિમાનો ઉડાડવાનો તેને અનુભવ છે.  

Whatsapp-channel Whatsapp-channel

01 October, 2026 09:41 AM IST | Saudi Arabia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK