Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > અનુભવીના ડહાપણમાં હંમેશાં જીવનશૈલીનાં રહસ્યો છુપાયેલાં હોય છે

અનુભવીના ડહાપણમાં હંમેશાં જીવનશૈલીનાં રહસ્યો છુપાયેલાં હોય છે

Published : 23 June, 2026 03:13 PM | IST | Mumbai
Jainacharya shree Udayvallabhasuri | feedbackgmd@mid-day.com

ઘડપણના ડહાપણમાં જીવનશૈલીનાં રહસ્યો છુપાયાં હોય છે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


‪ઘરમાં ‬ રહેલા ગુલકંદના ડબ્બા પર સેંકડો કીડીઓ ચોંટી હતી. ધ્યાનથી જોતાં ખ્યાલ આવ્યો કે બંધ ડબ્બાની અંદર પણ પુષ્કળ કીડીઓ હતી. સંસ્કારે જીવપ્રેમી અને જન્મે જૈન થોડા મૂંઝાયા કે એકેય કીડી મરે નહીં એ રીતે તો આટલી બધી કીડીઓને બહાર શી રીતે કાઢવી? એટલામાં તો હીંચકા પર બેઠેલા દાદાજી બોલ્યા, ‘અલ્યા! કીડીઓ થઈ છે? એક કામ કર, ઓડોમોસ લઈ આવ.’ 
દીકરો વિચારમાં પડ્યો કે ઓડોમોસ તો મચ્છર ભગાડે, કીડી માટે એનો શું રોલ હોઈ? તેણે દાદાજીને કહ્યું, ‘દાદાજી, અહીં કીડીઓ છે, મચ્છરો નહીં!’

દાદા હસી પડ્યા અને બોલ્યા, ‘મને ખબર છે. તું જરા ઓડોમોસની ટ્યુબ આપીશ બેટા.’



દીકરો તરત ઓડોમોસની ટ્યુબ લઈ આવ્યો એટલે દાદાજીએ એક નાની વાટકી ભરીને પાણી લીધું. એમાં થોડું ઓડોમોસ ક્રીમ અંદર નાખીને આંગળીથી ચોળીને પાણીમાં બરાબર મિક્સ કરી દીધું. હવે પાણીમાંથી સુગંધ આવે છે. એમાં એક નાનો હાથરૂમાલ પલાળીને સાધારણ નિચોવ્યા બાદ એ રૂમાલ પેલા કીડીવાળા ડબ્બા પાસે મૂક્યો. તરત જ બધી કીડીઓ ત્યાંથી નીકળીને જતી રહી. પછી ડબ્બાનું ઢાંકણ ખોલીને પેલો ઓડોમોસવાળો ભીનો રૂમાલ ઉપર ઢાંકી દીધો અને એક ખૂણો સહેજ ખુલ્લો રાખ્યો. અંદર સુગંધ જતાં બધી કીડીઓ લશ્કરી શિસ્ત સાથે લાઇનસર બહાર નીકળીને જતી રહી.


આશ્ચર્યની વાત એ કે આ સમગ્ર ઘટનાક્રમ માત્ર પંદરેક મિનિટમાં પૂરો થઈ ગયો હતો અને આખા પ્રોસેસ દરમ્યાન એક પણ કીડી મરી નહીં. ઘડપણના ડહાપણમાં જીવનશૈલીનાં રહસ્યો છુપાયાં હોય છે. કોઈને હણ્યા વગર જીવવાનું જે શીખ્યા હોય તેમની પાસે જ આવા ઉપાયો હાથવગા હોય છે. આશ્ચર્ય અને આનંદની લાગણી સાથે દીકરાએ દાદાજીને પૂછયું કે કીડી આવે જ નહીં એ માટે આવી કોઈ ટેક્નિક ખરી? દાદાજીએ ફરી ઉપાયો જણાવતાં કહ્યું, ‘જો બેટા! ઘોડાવજનો પાઉડર છાંટી દો અથવા એની લાઇન બનાવી દો તો કીડી અંદર ન આવે અને કીડી મરે પણ નહીં. (બાય ધ વે, આ ઘોડાવજ એક આયુર્વેદિક પાવડર છે.) દાદાજીએ બીજો રસ્તો બતાવતા કહ્યું કે કેરોસીનવાળી ભીની દોરી પણ આવી પ્રિવેન્ટિવ બૉર્ડરનું કામ કરે છે.

આવા કેટલાય ઉપાયો દાદાજીએ બતાવ્યા જેમાં તેમનું માત્ર જ્ઞાન નહીં, કરુણા પણ છતી થતી હતી. વિજ્ઞાન અને ટેક્નૉલૉજીની દુનિયામાં પ્રવેશતા આપણે આવા સાત્ત્વિક, પોષક અને રક્ષક કેટલીયે વાતો સુધી પહોંચી શકતા નથી. જીવનમાં બાધારૂપ લાગતા આવા જીવોને ‘ઑલ આઉટ’ની નહીં, ‘નો-લૉસ’ની ટ્રીટમેન્ટ આપવા જેવી છે.


જીવમૈત્રી એ માત્ર એક વિચારધારા નથી પણ જીવનધારા છે. એટલું કરી શકાય કે ઘરમાં રહેલાં (જો સાથે હોઈએ તો) દાદા-દાદી પાસે અઠવાડિયે એક વાર થોડી મિનિટો બેસીને ૪ સવાલો પૂછતા આવડશે તો ગૂગલના સર્ચ એન્જિનની પેલે પારનાં જીવનતથ્યો હાથ લાગશે.

Whatsapp-channel Whatsapp-channel

23 June, 2026 03:13 PM IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK