શરીર અધર્મ કરવા માટે નથી. જે આપણને ન ગમે એ બીજા સાથે ન કરવું એ ધર્મ. જેનાથી અંતરાત્મા ડંખે એ પાપ
પ્રતીકાત્મક તસવીર
જેનાથી અભ્યુદય થાય, જીવનનો સર્વાંગી વિકાસ થાય, નિશ્રેયસની પ્રાપ્તિ થાય એનું નામ ધર્મ અને આ ક્ષેત્ર. આ શરીર ધર્મને માટે મળ્યું છે, શરીર અધર્મ કરવા માટે નથી. જે આપણને ન ગમે એ બીજા સાથે ન કરવું એ ધર્મ. જેનાથી અંતરાત્મા ડંખે એ પાપ. શાસ્ત્રોએ જે કરવાનું કહ્યું છે એ ન કરવું એ પાપ અને જે કરવાનું કહ્યું છે એ કરવું એ ધર્મ.
પરમાર્થ માટે વપરાતું ધન યશ અપાવે છે અને ધર્મપૂર્વક અર્થ પ્રાપ્ત કરવાથી મોહનો નાશ થાય છે. ધર્મ શબ્દ સંપ્રદાયના સંકુચિત અર્થમાં નથી, પરંતુ ધર્મ એટલે ચાર પુરુષાર્થ ધર્મ-અર્થ-કામ-મોક્ષનો યોગ્ય સમન્વય છે. ધર્મનો એક અર્થ છે ધારણ કરવું. શું ધારણ કરવું? તો કહે છે ગુણ-યોગ્યતા ધારણ કરવી, ગુણોના વિકાસ થતાં એને અનુરૂપ કળા-વિદ્યાનો આપોઆપ વિકાસ થાય છે. ધર્મપૂર્વક કમાયેલા અર્થથી મનુષ્યના મોહનો નાશ થાય છે તેમ જ પરમાર્થ માટે ધન વાપરવાથી મનુષ્યના યશમાં વધારો થાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આસક્તિ/મોહરહિત કર્મ દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે, આસક્તિ મનુષ્યને પરાધીન બનાવે છે અને પરાધીન મનુષ્યને સ્વપ્નમાં પણ સુખ મળતું નથી; તે હંમેશાં દુખી રહે છે.
ADVERTISEMENT
જે લક્ષ્મીનું દીકરીની જેમ પાલન કરે છે તે ઉત્તમ છે. જેમ દીકરીનું લાલન-પાલન કરીએ છીએ એવી રીતે જે ધનનું પાલન કરે તે ઉતમ છે. દીકરીને જેમ ભણાવી-ગણાવીને તેના માટે યોગ્ય વર શોધીને વિવાહ કરવામાં આવે છે તેમ કમાયેલા ધનનો પણ યોગ્ય વર એટલે કે એનો યોગ્ય ઉપયોગ કરે તેવા પાત્રને ધનનું દાન કરવું જોઈએ. જેમ કે શૈક્ષણિક હેતુથી, તબીબી સારવારના હેતુથી જેવાં સમાજ ઉપયોગી કાર્યોમાં ધન વાપરવું જોઈએ. જેમ લક્ષ્મીનો અર્થહીન વેડફાટ કરવો કે પછી લક્ષ્મીનો ગેરવાજબી જગ્યાએ વપરાશ કરવો એ અધમ છે એવી જ રીતે જે લક્ષ્મીને માત્ર તિજોરીમાં મૂકી રાખે છે તે પણ અધમ છે. લક્ષ્મીનો ઉપયોગ હોય, વેડફાટ નહીં. લક્ષ્મી એવી રીતે ખર્ચવાની હોય જાણે કે તેને વિદાય કરવામાં આવે છે અને સહર્ષ વિદાય થયેલી લક્ષ્મી ઘરનું દ્વાર ક્યારેય ભૂલતી નથી, દૂર રહીને પણ તે પોતાની કૃપાદૃષ્ટિ ઘર અને પરિવાર પર રાખે છે. એક સંતાન માના વિચાર અને પિતાના ચરિત્રનો સંગમ છે અને એ સંગમ સાચી રીતે થયો છે કે નહીં એ સંતાનની પૈસા વાપરવાની રીતભાત પરથી પરખાતું હોય છે. આ કાર્ય જે શીખવી શકે એ માબાપ માત્ર સામાજિક રીતે જ નહીં, ધર્મ અને કર્મથી પણ ક્યારેય ઓછપ નથી અનુભવતાં.
-ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

