Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > મંથરાની જીભને કારણે રામાયણ અને દ્રૌપદીની જીભને કારણે મહાભારત સર્જાયું

મંથરાની જીભને કારણે રામાયણ અને દ્રૌપદીની જીભને કારણે મહાભારત સર્જાયું

Published : 28 January, 2025 01:56 PM | IST | Mumbai
Jainacharya shree Udayvallabhasuri | feedbackgmd@mid-day.com

લાકડા અને લોખંડ કરતાં પણ વધુ ઘાતક પ્રહાર કરી શકે છે જીભ! હાડકાં વગરની હોવા છતાં ભલભલાનાં હાડકાં ખોખરાં કરવાની ક્ષમતા ધરાવે છે જીભ!

પ્રતીકાત્મક તસવીર

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર


‘શરીરમાં સૌથી ખતરનાક અવયવ કયો?’


કોઈએ ગ્રીસ ફિલસૂફ લુકમાનને પૂછ્યું. તેમણે જવાબ આપ્યો : ‘જીભ!’



લાકડા અને લોખંડ કરતાં પણ વધુ ઘાતક પ્રહાર કરી શકે છે જીભ! હાડકાં વગરની હોવા છતાં ભલભલાનાં હાડકાં ખોખરાં કરવાની ક્ષમતા ધરાવે છે જીભ! વર્ષો જૂના સંબંધો પર પૂર્ણવિરામ મૂકી શકે છે જીભ! જીભ બડી ખતરનાક છે.


‘શરીરમાં સૌથી સારો અવયવ કયો?’

લુકમાને એ જ જવાબ આપ્યો, ‘જીભ!’


વર્ષોની કટુતા પર પૂર્ણવિરામ મૂકી શકે છે જીભ! કોઈ ઘાયલને પરમ શાંતિની સમજ આપી શકે છે જીભ! સાવ અજાણ્યા માણસ સાથે માત્ર પાંચ મિનિટની મુલાકાતમાં કાયમી સંબંધ સ્થાપી શકે છે જીભ! જીભ બડી અસરકારી છે.

આંખ, નાક, કાનનું અનિયંત્રણ માણસને પોતાને નુકસાન કરે; પણ જીભનું અનિયંત્રણ અન્યને પણ મોટું નુકસાન પહોંચાડી શકે છે. મંથરાની જીભ ઍક્ટિવ થઈ ત્યારે રામાયણ સર્જાયું. દ્રૌપદીની જીભ સક્રિય થતાં મહાભારત સર્જાયું. શસ્ત્રયુદ્ધના મૂળમાં ઘણી વાર શબ્દયુદ્ધ હોય છે. 

ઘરમાં ક્યારેક વહુને કંઈક દર્શાવતી વખતે સાસુ જો એવું કહે કે ‘અમારે ત્યાં આવું ન ચાલે’, અહીં ‘અમારે ત્યાં’ને બદલે જો ‘આપણે ત્યાં’ શબ્દ વપરાય તો એ સર્વ સમાવેશક બને. એકાદ શબ્દફેર મોટું અંતર ઊભું કરી દે! દીકરાને ટોકતી વખતે અને વડીલોને જવાબ આપતી વખતે શબ્દોની ધાર ચકાસવી પડે. સમગ્ર લોકવ્યવહારનો આધાર અને લોકસંપર્કનો સેતુ શબ્દ છે. કૂતરાને શરીર પર કોઈ ઈજા થાય ત્યારે એ માત્ર ઘા પર જીભ ફેરવે છે અને ઘા પર રૂઝ આવવા માંડે છે. માણસની જીભ ઘા પાડે છે, કૂતરાની જીભ ઘા રુઝવે છે.

બોલાતા શબ્દો હતાશને હિંમત, નિરાશને આશા, દીનને હૂંફ, ભાંગી પડેલાને પ્રસન્નતાથી ભરે છેે. કેટલાક શબ્દો સોય જેવા છે જે સાંધવાનું કામ કરે છે તો કેટલાક કાતર જેવા છે જે કાપવાનું કામ કરે છે. સોયનું સ્થાન દરજીની ટોપીમાં અને કાતરનું સ્થાન પગ પાસે રહેતું આવ્યું છે. 

શબ્દો મીઠા અને માપસરના હોય તો સંબંધો હૂંફાળા રહે. ક્યારેક અનુશાસન માટે કડકાઈ જરૂરી હોય છે તો કડવી સલાહ આપવી અનિવાર્ય હોય છે. કડવી દવા ઉપરના શુગર કોટિંગની જેમ મીઠાશનું પડ ચડાવી શકાય. લાંબાં લેક્ચરો કે કચકચ કરતાં માપસરની અને સમયસરની બે લીટી અસર ઉપજાવી શકે છે. વાણી અને વીજળી બન્નેની તાકાત અમાપ છે; એ હરિયાળી પણ સરજી શકે છે, હોનારત પણ. જરૂરી સમયે ન બોલવું એ ગુનો છે અને વગર જરૂરે બોલવું એ દુર્વ્યય છે. ડિજિટલ વર્લ્ડમાં બોલવાના બધા નિયમો લખવામાં પણ લાગુ પડે છે. માણસને બોલતાં ત્રણ વર્ષે આવડી જાય છે પણ જબાન વાપરતાં ઘણી વાર ત્રણ દાયકા પછીયે નથી આવડતું.

Whatsapp-channel Whatsapp-channel

28 January, 2025 01:56 PM IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK