જ્ઞાનમાં ચિંતનનું પ્રાધાન્ય છે જ્યારે ભક્તિમાં ચિંતાનું પ્રાધાન્ય છે જેમાં ભક્ત ભગવાનની ચિંતા કરે છે. સાધકને પોતાની ચિંતા નથી, પોતાના પ્રિયતમની ચિંતા હોય છે.
પ્રતીકાત્મક તસવીર
પ્રેમની મોટામાં મોટી ખાસિયત કઈ ખબર છે? એ પ્રિયતમની ચિંતા બહુ આપે.
જ્ઞાનમાં ચિંતનનું પ્રાધાન્ય છે જ્યારે ભક્તિમાં ચિંતાનું પ્રાધાન્ય છે જેમાં ભક્ત ભગવાનની ચિંતા કરે છે. સાધકને પોતાની ચિંતા નથી, પોતાના પ્રિયતમની ચિંતા હોય છે. પોતાને લીધે તેને કોઈ તકલીફ ન થાય. વ્રજવાસીઓને થયું, આપણે મથુરા જઈએ અને તેમને તકલીફ થાય તો? અયોધ્યાવાસીઓને થયું, આપણે વારેઘડીએ ચિત્રકૂટ જઈએ અને ઠાકુરના નિસ્પૃહ વ્રતમાં કોઈ વિઘ્ન ઊભું થાય તો? સાધકને આવી ચિંતા રહે છે. પ્રેમીને પોતાના પ્રિયતમની ચિંતા રહેતી હોય છે. બે વાત યાદ રાખવીઃ જ્ઞાનમાં ચિંતનનું પ્રાધાન્ય હોય છે, ભક્તિમાં ચિંતાનું પ્રાધાન્ય હોય છે. ભક્તિમાં ચિંતા કરવાની છૂટ છે પણ એ કેવળ પ્રિયતમની જ.
ADVERTISEMENT
પ્રેમ સુમિરન આપે.
જેની ચિંતા થતી હોય તેનું સુમિરન કોઈ પ્રયાસ વગર થશે. જેની તમને ચિંતા થાય તેનું સુમિરન સહજપણે જ થાય છે. અનાયાસે અને પ્રયાસ વગર કે શ્રમ વગર થયા કરે છે. પોતાના બાળકની ચિંતા થાય ત્યારે શું માતાએ બાળકનું સુમિરન કરવું પડે છે? સહજસિદ્ધ થઈ જાય છે. સુમિરનની આ ભૂમિકા બહુ જ સરસ છે.
ઘણા ભક્તોના મનમાં અજપાજપ ચાલતા હોય છે. એ કોણ કરે છે? અલબત્ત, એ કોણ કરાવે છે? એ સતત સ્મરણ છે. એ માટે કોઈ પ્રયાસ કરવો પડતો નથી.
પ્રેમ ગુણકવન આપે.
સાધક તેમના પ્રભુની ચર્ચા કરે, તેમની વાતો કરે, તેમને સાંભળે. ગોપીઓને આ ગુણકવન ચાર દિલાસો આપતું હતું.
જો ટ્રેન ચાલતી હોય તો એમાં નાનાં-મોટાં બધાં સ્ટેશનો આવે. સાધકને જેના પર પ્રેમ હશે તેમનાં ગુણગાન ગાવા લાગે છે. જો તમને પ્રેમ હશે અને જો તમે તેના ગુણો સાંભળશો તો તમે તેનું વર્ણન કરવા લાગશો. તેનામાં આવા-આવા ગુણો છે. તમારાથી ગુણોનું વર્ણન આપોઆપ થઈ જ જશે. પ્રેમ પ્રગટ થાય ત્યારે ગુણગાન કરવાનું પણ સારું લાગે છે, તેમના ગુણો સાંભળવાનું પણ સારું લાગે છે. એમ લાગે છે કે આપણી વ્યક્તિ કરોડોમાં એક છે, નિરૂપમ છે.
આ સિવાય પણ પ્રેમ ઘણું-ઘણું-ઘણું આપે છે અને એટલે તો કહું છું મારા બાપ, સત્ય છોડવું નહીં, પ્રેમ ભૂલવો નહીં ને કરુણા તરછોડીને આગળ વધવું નહીં.


