Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > નવનિધિની સંપદા જેની પાસે હોય તે માત્ર સફળ જ નહીં, સુફળ પણ છે

નવનિધિની સંપદા જેની પાસે હોય તે માત્ર સફળ જ નહીં, સુફળ પણ છે

Published : 24 June, 2026 03:49 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મારી એક વિનંતી છે કે કોઈના પ્રભાવમાં આવવું નહીં, પોતાના સ્વભાવમાં જીવવું. સંતોષ અને અસંતોષ વચ્ચે સંતુલન રાખવું, વિકાસ અને વિશ્રામ વચ્ચે સંતુલન રાખવું.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


એક વાત સૌથી મહત્ત્વની છે અને એ છે પ્રગતિ અને સંતોષ વચ્ચેનો સમન્વય.

મને એમ થાય છે કે મૅટ્રિકમાં હું નાપાસ ન થયો હોત તો આજે હું અહીં ન હોત. એ નિષ્ફળતાએ મને સફળતાનો આ માર્ગ બતાવ્યો. એમાં પણ એકાદ વખત ફેલ થયો હોત તો ઠીક, પણ ૩ વખત નાપાસ થયો એ કામ કરી ગયું. નિષ્ફળતા પણ સફળતાની સીડી બની શકે, પણ સફળતા અને સંતોષ વચ્ચે સંતુલન ન ખોરવાવું જોઈએ.



અખબારમાં એક વાક્ય વાંચ્યાનું મને યાદ છે : ‘વિકાસ માટે અસંતોષ જરૂરી છે.’


આ જે વાત છે એને આપણે માનવી રહી. મારી પાસે આ વાક્યની ચર્ચા આવી અને મને પૂછવામાં આવ્યું કે મારું શું માનવું છે? મેં પણ કહ્યું કે આ વાક્ય બરાબર છે, પણ સાથે-સાથે એક વાત તમે પણ કબૂલો કે ‘વિકાસ માટે અસંતોષ જરૂરી છે; પણ વિશ્રામ માટે તો સંતોષ જ જરૂરી છે, અનિવાર્ય છે.’ એટલે જ ગીતા કહે છે કે આપણો અસંતોષ સતત નથી, નિરંતર નથી એટલે જ આપણે ભોગી છીએ, યોગી નથી. જે દિવસે નિરંતર સંતોષ રહેશે એ દિવસથી તે વ્યક્તિ યોગી બની જશે.

કૃષ્ણમૂર્તિનું એક વાક્ય છે, ‘બાળક જન્મે ત્યારથી મરે ત્યાં સુધી આપણા સમાજે, કહેવાતી સભ્યતાએ સ્પર્ધા સિવાય બીજું શીખવ્યું છે જ શું? પછી પરિણામે બાળકો ડિપ્રેસ્ડ થઈ જાય છે, સ્પર્ધામાં પહોંચી શકતાં નથી અને પછી આત્મહત્યાના પ્રસંગો બને છે.’


મારી એક વિનંતી છે કે કોઈના પ્રભાવમાં આવવું નહીં, પોતાના સ્વભાવમાં જીવવું. સંતોષ અને અસંતોષ વચ્ચે સંતુલન રાખવું, વિકાસ અને વિશ્રામ વચ્ચે સંતુલન રાખવું.

શાસ્ત્રોના મતે સફળ એ છે જેમની પાસે નવનિધિ હોય. એ નવનિધિ કઈ એ કોઈ પૂછે એ પહેલાં એ નવન‌િધિ જણાવી દઉં. સૌથી પહેલી છે કરુણાનિધિ. પછી આવે વિદ્યાનિધિ. ત્રીજા નંબરે છે ગુણનિધિ. ચોથા નંબરે છે શીલનિધિ. યાદ રાખજો કે ગુણ ક્યારેક-ક્યારેક વાચાળ હોય છે, પરંતુ શીલ મૌન હોય છે. નવનિધિમાંની પાંચમી ન‌િધિ છે બલનિધિ એટલે કે માનસિક બળ, આત્મબળ. છઠ્ઠા નંબરની નિધિ છે વિવેકનિધિ. વિવેક આપણી સંપત્તિ છે, જો એ ભૂલી ગયા કે એ સંપતિ ગુમાવી દીધી તો માણસ દુખી જ થાય. સાતમી નિધિ છે જ્ઞાનનિધિ. આઠમી ન‌િધિ વૈરાગ્યનિધિ. છોડવું એ ત્યાગ છે, પરંતુ બધું હોવા છતાં પણ વૃત્તિઓ વિરામ લઈ લે તો એ વૈરાગ્ય છે. નવમા સ્થાને આવે છે કલાનિધિ.

નવનિધિની સંપદા જેમની પાસે હોય તે સફળ જ નહીં, સુફળ પણ છે અને એટલે જ કહે છે કે જેને કંઈ ન જોઈએ એને મળવામાં કંઈ બાકી નથી રહેતું. આ મારો-તમારો નહીં, પ્રકૃતિનો નિયમ છે અને પ્રકૃતિ ક્યારેય નિયમો ભૂલતી નથી.

Whatsapp-channel Whatsapp-channel

24 June, 2026 03:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK