સ્નાન કરવાથી મન શુદ્ધ કેવી રીતે થાય છે એ વિશે તો આપણે આ લેખમાળામાં ઘણું જાણ્યું, પરંતુ શું દાન કરવાથી પણ મનની શુદ્ધિ થાય છે? એનો જવાબ છે, હા, અવશ્ય થાય છે
ફાઇલ તસવીર
શું સ્નાનની જેમ દાનથી ચિત્તશુદ્ધિ થાય? હા થાય.
આ મકરસંક્રાન્તિએ કરોડો લોકોએ ત્રિવેણી સંગમમાં કુંભસ્નાન કર્યું તો દેશના બીજા ભાગોમાં પણ અસંખ્ય લોકોએ સરિતાસ્નાન કર્યું હશે. સ્નાન કર્યા પછી દાન કરવાની આપણે ત્યાં વર્ષોજૂની પ્રથા છે. અગાઉ કહ્યું એમ સાતમી સદીમાં હર્ષવર્ધન નામે મહાન દાનવીર રાજા થઈ ગયા. તેઓ જ્યારે કુંભસ્નાન કરતા ત્યારે પુષ્કળ દાન કરતા. ૧૪ જાન્યુઆરીએ મકરસક્રાન્તિએ પણ સ્નાન બાદ અનેક લોકોએ દાન-પુણ્ય કર્યાં હશે.
ADVERTISEMENT
સ્નાન કરવાથી મન શુદ્ધ કેવી રીતે થાય છે એ વિશે તો આપણે આ લેખમાળામાં ઘણું જાણ્યું, પરંતુ શું દાન કરવાથી પણ મનની શુદ્ધિ થાય છે?
એનો જવાબ છે, હા, અવશ્ય થાય છે. ચાલો વિસ્તારપૂર્વક જાણીએ કે કેવી રીતે આ શક્ય બને છે.
વિદેશમાં આજકાલ કોઈને કશુંક આપવાનો મહિમા વધ્યો છે. આપવામાં પણ એક જાતનો આનંદ આવે છે એવું એ લોકો માની રહ્યા છે. ‘જૉય ઑફ ગિવિંગ’ શીર્ષક હેઠળ ત્યાં લેખો અને પુસ્તકો લખાય છે અને પ્રવચનો થાય છે.
હવે આપણી ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે દાન કરવાથી ચિત્ત પ્રસન્નતા અનુભવે છે. તાર્કિક રીતે પણ આ વાતસાચી છે. માગનાર પાસે કંઈક અપેક્ષા હોય છે અને અપેક્ષા મુજબ ન મળે તો દુ:ખ થાય છે. નિરાશા વ્યાપે છે. મન કચવાય છે. માગનારનો હાથ હંમેશાં નીચો હોય છે. તે માગવામાં સંકોચ અનુભવતો હોય છે.
દુઃખની લાગણી થતી હોય છે. આ પૈસા પાછા ક્યારે વાળીશ એની ચિંતા સતાવતી હોય છે. સ્વાભાવિક છે કે આવી પરિસ્થિતિમાં માણસનું મન ડિસ્ટર્બ થાય છે. મન ડહોળાય છે. અશુદ્ધ થાય છે. અસ્થિર થાય છે.
બીજી બાજુ આપનારને કોઈ અપેક્ષા હોતી નથી, પણ એક જાતનો સંતોષ હોય છે. અપેક્ષા દુ:ખનું કારણ છે, જ્યારે સંતોષી માણસ સદા સુખી હોય છે. આપનારનો હાથ સદાયે ઉપર હોય છે. આપનારને લેનાર જેવો સંકોચ થતો નથી. બલકે મન પ્રસન્ન થાય છે. શુદ્ધ થાય છે.
ઘણા ભગવાનમાં ન માનનારા નાસ્તિક લોકો માને છે કે હું મારી મહેનતથી કમાયો છું. મારા Hard earned money હું શા માટે વેડફું. જ્યારે આસ્તિક (પ્રભુમાં
આસ્થા રાખતા) લોકો પણ સખત મહેનત કરતા હોય છે, પણ જ્યારે તેમને સારી કમાણી થાય કે સફળતા મળે તો એને ભગવાનની કૃપા સમજતા હોય છે. તેમને મળેલી સંપત્તિને તે પ્રભુનો પ્રસાદ સમજીને વહેંચતા રહે છે. પ્રસંગોપાત્ત દાન કરીને મનને પ્રસન્ન રાખતા હોય છે.
નાસ્તિક લોકો પોતાને મળેલી સફળતાનું શ્રેય પોતાને જ આપે છે અને અહંકારનો ભોગ બને છે. જ્યારે આસ્થાળુઓ પોતાની સફળતાને ઈશ્વરની કૃપા માનીને વધુ નમ્ર બને છે. પેઢી દર પેઢી સફળતાનાં સોપાન સર કરતા તાતા કંપનીના સંચાલકો સફળતાથી બહેકી નથી જતા, પણ તેમને મળેલા નફાનો સુનિશ્ચિત ભાગ ચૅરિટીમાં જાય એનું કાયમી માળખું તૈયાર કરી દીધું છે.
જો નિષ્ફળતા મળે તો નાસ્તિક લોકો એમાં પણ પોતાની જાતને જવાબદાર માનીને જલદી હતાશ થઈ જાય છે. આત્મહત્યા કરવા પણ પ્રેરાય છે. જ્યારે આસ્તિક માણસ તેને મળેલી અસફળતામાં ‘જેવી પ્રભુની ઇચ્છા’ કહી નિરાશ નથી થતો. ફરી કમર કસીને ઊભો થાય છે અને ધ્યેય પ્રાપ્ત કરે છે.
આમ મળેલું ધન આપણને ‘અભિમાની’ ન બનાવે અને ગુમાવેલા ધનથી આપણને ‘નિરાશા’ ન મળે એ માટે દાનવૃત્તિ જરૂરી છે. ધનને પોતાની પ્રૉપર્ટી ન સમજતા. જે માણસ એને ઈશ્વરની પ્રસાદી સમજે છે એ માણસનું મન અભિમાન કે નિરાશાથી અસ્થિર કે અશુદ્ધ થતું નથી.
આમ દાનવૃત્તિ કેળવવાથી ચિત્તશુદ્ધિ અવશ્ય થાય છે. હૈયું સુખદુઃખની ભાવનાથી પર થઈને સચ્ચિદાનંદ અનુભવે છે.
અહીં પ્રખ્યાત ગુજરાતી ગઝલકાર રાજેશ વ્યાસ ‘મિસ્કિન’ની બે પંક્તિ યાદ આવે છે ઃ
‘તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.’
(ક્રમશઃ)

