દૂધમાં ચામડીને સ્વચ્છ કરવાનો ગુણ છે. ઘણા લોકો દૂધનો ઉપયોગ ચહેરા અને શરીર પર મૉઇશ્ચરાઇઝર તરીકે કરે છે.
કુંભ મેળો
ગઈ કાલે આપણે જોયું કે શિવરાત્રિ નિમિત્તે શિવલિંગને જળ અને દૂધનો અભિષેક કરવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા આપણે પણ એ ઉપદેશ ગ્રહણ કરવાનો કે પાણી અને દૂધનું સ્નાન આપણા તન-મન માટે પણ સારું છે. થોડું દૂધ અને જળ શંકરને ચડાવીને બાકીના જળ અને દૂધથી આપણે પણ આપણા શરીર પર એનો અભિષેક કરવો જોઈએ.
દૂધમાં ચામડીને સ્વચ્છ કરવાનો ગુણ છે. ઘણા લોકો દૂધનો ઉપયોગ ચહેરા અને શરીર પર મૉઇશ્ચરાઇઝર તરીકે કરે છે. દૂધમાં ઘણાં અન્ય જરૂરી પોષક તત્ત્વો પણ હોય છે.
ADVERTISEMENT
જો તમે સૂકી ત્વચાથી પરેશાન છો તો દરરોજ નહાવાના પાણીમાં અડધો ગ્લાસ દૂધ ભેળવીને સ્નાન કરી શકો છો. એ તમારી ચામડીને ભેજવાળી અને સુંવાળી બનાવવામાં મદદ કરે છે. દુગ્ધસ્નાનથી ચહેરા અને શરીર પ૨ના ડાઘ-ધબ્બા સાફ થાય છે. આ ઉપરાંત એ ત્વચાની કાળાશ પણ દૂર કરે છે. તમારે શંકર ભગવાન જેવા કપૂ૨ગૌરમ બનવું હોય (કપૂર જેવી શ્વેત ચામડી જોઈતી હોય) તો સપ્તાહમાં કમસે કમ બે વાર જળમિશ્રિત દૂધથી સ્નાન કરવું જોઈએ. દુગ્ધસ્નાનથી ખંજવાળ વગેરેની સમસ્યાથી પણ રાહત મળે છે.
દૂધ પ્રોટીન, ચરબી, લૅક્ટિક ઍસિડ, કૅલ્શિયમ જેવાં ઉપયોગી મિનરલ્સ અને અનેક વિટામિન્સથી ભરપૂર છે જે તમને અને તમારી ચામડીને પોષણ આપવામાં મદદ કરે છે. બાળકોને પણ દૂધ અને પાણીથી સ્નાન કરાવવાથી અસંખ્ય ફાયદા થાય છે.
જન્મ સમયે માદાનાં સ્તનમાંથી ઊભરાતા દૂધના બીજા પણ અસંખ્ય ઉપયોગ છે કારણ કે દૂધ અલગ-અલગ પ્રક્રિયાથી અલગ-અલગ સ્વરૂપ પામે છે. આ એની એક વિશેષતા છે. દૂધમાંથી દહીં, છાશ, માખણ અને ઘી બને છે. આ બધાના અસંખ્ય ગુણો વિશે લખવા બેસીએ તો પાનાંનાં પાનાં ભરાય, પણ આજે અહીં ખાસ ઉલ્લેખ કરવો છે દૂધમાંથી બનતા પંચામૃતનો.
આપણે મંદિરોમાં શિવરાત્રિના દિવસે શિવલિંગ પર પાણી અને દૂધનો અભિષેક કરીએ છીએ, પણ મોટી પૂજા કે રુદ્રાભિષેક કરવો હોય તો શિવલિંગનો પાંચ અમૃત જેવાં તત્ત્વોથી અભિષેક કરવામાં આવે છે. દૂધ, દહીં, ઘી, મધ અને શેરડીનો રસ (અથવા સાક૨) - ખરેખર તો શિવલિંગને આ પાંચે તત્ત્વો વડે અલગ-અલગ સ્નાન કરાવવામાં આવે છે. દરેક તત્ત્વના અભિષેક બાદ ફરીથી જળાભિષેક કરાવવામાં આવે છે. ક્યારેક આ પાંચે અમૃત સમાન તત્ત્વોને યોગ્ય અનુપાતમાં ભેળવીને પંચામૃત તૈયાર કરવામાં આવે છે. આના સ્નાન અને પાનથી માત્ર શિવજી જ નહીં, આપણે પણ રૂપ અને ગુણથી સંપન્ન રહીએ છીએ. સામાન્ય પ્રજા પણ આનો લાભ લઈ શકે એ માટે સત્યનારાયણ જેવી અનેક સાર્વજનિક પૂજાઓમાં પણ પંચામૃતથી પરમ શક્તિની મૂર્તિઓનો અભિષેક કરવામાં આવે છે. પછી તેમના ચરણસ્પર્શ કરેલા પંચામૃતને ચરણામૃત તરીકે પ્રસાદ સ્વરૂપે લોકોને આપવામાં આવે છે.
આપણે પણ ક્યારેક-ક્યારેક આવા પંચામૃતથી સ્નાન કરીએ તો ચામડી અને ચહેરાને અનેક જાતના લાભ થાય છે. આ ઉપરાંત પંચામૃતને પ્રસાદ તરીકે ગ્રહણ કરવાથી કે વારતહેવારે બનાવીને સેવન કરવાથી શરીર-મનને પણ અનેક ફાયદા થાય છે. આ પાંચ તત્ત્વોના મિશ્રણની ખૂબી એ છે કે તેઓ એકબીજાના અવગુણોને છુપાવે છે, જ્યારે સદ્ગુણોને પુષ્ટિ આપે છે.
પંચામૃતમાં રહેલું દૂધ પ્રોટીનયુક્ત હોય છે એ વાત સાચી, પણ એમાં રહેલા લૅક્ટોઝને કારણે શરીરમાં પચવામાં ભારે હોય છે. પંચામૃતમાં રહેલું દહીં એમાં રહેલા ઍસિડની મદદથી પાચનક્રિયા ઝડપી અને સરળ બનાવે છે. દહીં શરીરમાં કફ વધારી શકે છે, પણ જો મધ નાખ્યું હોય એ પ્રકૃતિમાં ગરમ તાસીરનું હોવાથી દહીંની કફ કરવાની પ્રવૃત્તિ પર સંયમ આવે છે. મધની ગરમ અને પિત્તકારક વૃત્તિને શમાવવા પિત્તનાશક ઘી કામમાં આવે છે. આ ઉપરાંત શેરડીનો રસ અથવા સાકર શરીરને ત્વરિત શક્તિ અર્થાત્ ઇન્સ્ટન્ટ એનર્જી પૂરી પાડે છે.
આમ પંચામૃત માત્ર ખોરાક નહીં પણ આપણા તન-મનને નીરોગી રાખતું, આપણી આવરદા વધારતું અમૃત સમાન અદ્ભુત મિશ્રણ છે.
કુંભમેળામાં અમૃતસ્નાન કરવા ન જઈ શકાય તો આ શિવરાત્રિ અને એ પછીની કાળઝાળ ગરમીમાં પંચામૃત સ્નાન અને પાન કરવાથી અવશ્ય ફાયદામાં રહેશો.
ખરેખર ધન્ય છે આપણી સનાતન સંસ્કૃતિને અને એની વૈજ્ઞાનિક વ્યવસ્થાને.
(ક્રમશ:)

