દુર્જન પુરુષો સજ્જનોનો સંગ કરવાથી અસાધ્ય વસ્તુને પણ સાધ્ય બનાવી શકે છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
જીવનવિકાસના વિષયમાં સંગ એટલે કે તમારી કોની સાથે સંગત છે એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. જેવો સંગ માણસને સાંપડે એવો રંગ તેના જીવનમાં ચડી જાય. જેણે જીવનમાં ઉન્નતિ સાધવી છે તેણે હંમેશાં મહાનુભાવોના સંગમાં રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. મેલું પાણી ગંગાજીના સહવાસથી દેવોને પણ વંદનીય બને છે.
સંગની અસર વર્ણવતાં રાજર્ષિ ભર્તૃહરિએ એક શ્લોક દ્વારા કહ્યું છે કે ‘તપેલા લોખંડ પર પડેલા જળનું નામ પણ જણાતું નથી એટલે કે તત્ક્ષણ નાશ પામે છે. એ જ જળ જો કમળપત્ર પર પડ્યું હોય તો મોતીના દાણા જેવું શોભે છે. એનું એ જળ જો સ્વાતિ નક્ષત્રમાં સમુદ્રની છીપની વચમાં પડ્યું હોય તો એ ખરેખર મોતી થાય છે. એનો અર્થ એ કે અધમ, મધ્યમ અને ઉત્તમ ગુણો તો સંગથી જ પ્રાપ્ત થાય છે.’
ADVERTISEMENT
નાળાના મેલા પાણી તરફ કોઈ જોવા પણ રાજી ન થાય, પરંતુ એ જ પાણી જ્યારે ગંગાજીમાં ભળે છે ત્યારે દેવો પણ એને વંદન કરે છે. દેવર્ષિ નારદનો સંગ પામેલો લૂંટારો વાલિયો વિશ્વવંદનીય ઋષિ વાલ્મીકિ બની ગયા.
એક કવિ લખે છે...
સામાન્ય જણ પણ માન પામે મહાપુરુષના સંગથી
મૂલ્ય વીંટીનું વધે છે માહી જડેલા નંગથી
સૌંદર્ય છે ઉમાપતિના અંગ કેરી રાખમાં
કેવું શોભે કાળું કાજળ સુંદરીની આંખમાં
દૂધ જોડે ભળી ગયેલું પાણી પણ દૂધના ભાવે જ વેચાય છે એમ મહાપુરુષો જોડે વસતો સામાન્ય જન પણ સૌને માટે માનનીય બની રહે છે. મહાદેવજીની સાથે રહેતો પોઠિયો પણ પૂજાય છે. પર્વતમાંથી નીકળતાં નાનાં ઝરણાં પણ મોટી નદી સાથે મળીને સમુદ્ર સુધી પહોંચી જાય છે. એ જ રીતે મોટા જનોની સહાય જેને મળેલી છે એવો નાનો માણસ પણ કાર્યની સફળતા સુધી પહોંચી જાય છે.
એક વાર રાજા ભોજની સભામાં એક પંડિતે એક સમસ્યા રજૂ કરી, ‘કીડી ચંદ્રને ચુંબન કરે છે’ એ કઈ રીતે શક્ય છે? સમસ્યા સાંભળીને સૌ વિચારમાં પડી ગયા. રાજા ભોજે સૌ પંડિતોને આ સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરવા જણાવ્યું. સૌને નિરુપાય જોઈને રાજાએ મહાકવિ કાલિદાસ તરફ દૃષ્ટિ કરી. સરસ્વતીના સાધક મહાકવિ કાલિદાસ માટે કોઈ સમસ્યા જટિલ નથી. તેમણે હસતાં-હસતાં કહ્યું, ‘મહારાજ, એમાં કશું અઘરું નથી. એ તો સુમનસંગનું સહજ પરિણામ છે.’
આગંતુક પંડિતને ઉત્તર આપતાં કાલિદાસે કહેલું -
દુર્જન પુરુષો સજ્જનોનો સંગ કરવાથી અસાધ્ય વસ્તુને પણ સાધ્ય બનાવી શકે છે. ફૂલની સાથે શિવજીના મસ્તક પર ચડેલી કીડી ચંદ્રની કલાનો આસ્વાદ લે છે.
- વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજશ્રી (લેખક શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠ-ચંપારણ્યના ગૃહાધિપતિ તથા કાંદિવલીની દ્વારકાધીશજી હવેલીના ગાદીપતિ છે.)

