મને આશ્ચર્ય થતું હતું...
પ્રતીકાત્મક તસવીર
‘મહારાજસાહેબ, આપની વારંવારની પ્રેરણા છતાં જે પરાક્રમ હું ન કરી શક્યો એ એક મામૂલી નિમિત્ત પામીને મેં કરી દીધું.’
૨૮ વર્ષનો પરિચિત યુવક સામે ઊભો છે. પ્રવચનશ્રવણનો રસ તેનો ગજબનાક, સંપત્તિક્ષેત્રે સારી એવી ઉદારી, પ્રભુભક્તિ તેની માણવા જેવી.
ADVERTISEMENT
‘કયું પરાક્રમ?’
‘કંદમૂળ ત્યાગનું... કરી દીધા કંદમૂળ ત્યાગ.’
‘કોની પ્રેરણા કામ કરી ગઈ?’
‘કોઈનીય નહીં.’ તેણે વાત શરૂ કરી, ‘આપ કલ્પી ન શકો એવો એક પ્રસંગ બની ગયો. એમએસસી પાસ કરી સારી કંપનીમાં નોકરી મેળવવા પ્રયત્નો શરૂ કર્યા. એમએસસી ફર્સ્ટ ક્લાસ એટલે નોકરીની કોઈ શંકા નહોતી, પણ નોકરી સારી કંપનીમાં જોઈતી હતી. એક દિવસ પેપરમાં એક મોટી કંપનીની જાહેરખબર વાંચી, મારા જેવી ક્વૉલિફિકેશનની જરૂર હતી. ઇન્ટરવ્યુની તારીખે હું કંપનીમાં પહોંચી ગયો. ઉમેદવારોની લાંબી લાઇન છતાં મને કોઈ ભય નહોતો. નોકરી માટે હું પસંદ થઈ જવાનો એવી મને શ્રદ્ધા હતી.’
‘મારો નંબર આવ્યો અને ઇન્ટરવ્યુ લેનાર સુપરવાઇઝરની સામે ઊભો રહ્યો. મારી લાયકાતનાં બધાં કાગળો પર તેમણે નજર ફેરવી અને પછી મારી સામે જોયું. મારા કપાળ પરનો કેસરનો ચાંદલો જોઈને તેમણે મને પૂછ્યું કે તમે જૈન છો? મેં હા પાડી કે તરત મને પૂછ્યું કે કંદમૂળ ખાઓ છો? મેં જવાબમાં કહ્યું કે મને એનો ત્યાગ કરવા જેવો નથી લાગ્યો. મહારાજસાહેબ, તેણે જવાબ સાંભળીને તરત મારી ફાઇલ પાછી આપી દીધી અને કહી દીધું કે તમે જઈ શકો છો.’
‘કેમ એવું?’
મને આશ્ચર્ય થતું હતું,‘એ ઇન્ટરવ્યુ લેનારાએ મને કહ્યું કે તમે તમારા ધર્મને વફાદાર નથી. હું મુસ્લિમ છું. કંદમૂળ ખાઉં છું છતાં કુરાનને વફાદાર છું. આ ફૅક્ટરીમાં મેં એવા હિન્દુઓને પણ નોકરીએ રાખ્યા છે જેઓ ગીતાને વફાદાર છે. મેં એવા સિખોને ફૅક્ટરીમાં સ્થાન આપ્યું છે જેઓ ગુરુગ્રંથસાહેબ પ્રત્યે વફાદાર છે. મારી દૃઢ માન્યતા છે કે જે વ્યક્તિ પોતાના ધર્મને વફાદાર હોય એ અન્ય પ્રત્યે બેવફાઈ કરે એવી શક્યતા લગભગ નહીંવત્ છે. તમે કંદમૂળ ખાઓ તો છો, પણ તમને એનો ત્યાગ કરવા જેવો પણ નથી લાગ્યો એ બતાવે છે કે તમને તમારા જૈન ધર્મ પ્રત્યે જોઈએ એવી શ્રદ્ધા નથી. શૈક્ષણિક લાયકાત તમારી સરસ છે, પણ ધાર્મિક લાયકાત તમે કેળવી નથી એટલે તમને પ્રવેશ આપવામાં નથી આવતો.’ યુવકના ચહેરા પર રોનક હતી, ‘મહારાજસાહેબ! એ ફૅક્ટરીના પરિસરમાંથી બહાર નીકળીને મેં તરત જીવનભર કંદમૂળ ત્યાગનો નિયમ લઈ લીધો.’
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)


