જો હૃદયમાં કરુણા હોય તો જ એમાં અહિંસા જન્મે. કરુણા પ્રગટ થાય કે તરત જ હાથમાં રહેલાં શસ્ત્રો હેઠાં પડી જાય છે
પ્રતીકાત્મક તસવીર
ધર્મનાં ચાર સ્વરૂપ છે : સત્ય, અહિંસા, પરહિત અને પવિત્રતા. આ ચાર સ્વરૂપ પૈકીના પ્રથમ સ્વરૂપ સત્યની વાત કરીએ. તુલસીદાસજીની ધર્મની વ્યાખ્યામાં સૌપ્રથમ છે...
‘ધરમ ન દૂસરા સત્ય સમાના, આગમ નિગમ પુરાન બખાના.’ ધર્મનું સૌપ્રથમ આવશ્યક તત્ત્વ છે જીવનમાં સત્યનો આવિર્ભાવ. સત્યતાની સાથે જ આપણે ધાર્મિક બની શકીએ. પ્રત્યેક ધાર્મિક સત્ય સાથે જોડાયેલો રહે, નહીંતર ધર્મ કેવો? ગૌસ્વામીજીએ એક દૃષ્ટાંત આપ્યું છે... પૂનમની રાત હતી. એક વ્યક્તિ પાત્ર લઈને ઊભી હતી. પાત્ર શુદ્ધ ઘીથી છલોછલ ભરેલું હતું. ચંદ્ર એમાં દેખાવા લાગ્યો. એ વ્યક્તિને એમ લાગ્યું કે જુદા-જુદા પાકની જેમ તેણે ઘીમાં ચંદ્રપાક બનાવી લીધો છે. એ ચંદ્રપાકનો તેણે અનુભવ કરવાનો એટલે કે ચાખવાનો પ્રયત્ન કર્યો. ગૌસ્વામી તુલસીદાસજી પૂછે છે કે જવાબ આપો કે યુગો વીતી જાય તો પણ શું ક્યારેય ચંદ્રપાક બને ખરો? જવાબ સૌકોઈને ખબર છે અને આ જ સવાલમાં બીજો પણ એક પ્રશ્ન સમાયેલો છે...સત્ય જીવનમાં ન હોય તો ધર્મની સ્થાપના થાય ખરી?
કહેવાનું તારણ એ કે ધર્મનું એક અનિવાર્ય ચરણ છે સત્ય. સત્ય વિનાનો ધર્મ હોય જ નહીં.ધર્મનાં ચાર સ્વરૂપમાં બીજા સ્થાને આવે છે અહિંસા. ગૌસ્વામીજી બીજી એક વાત કહે છે...
‘પરં ધરમ શ્રુતિ બિદિત અહિંસા, પાર પીડા સમ અગન ગિરિસા.’
ADVERTISEMENT
જો સત્ય ધર્મનું પ્રથમ ચરણ છે તો અહિંસા એનું બીજું ચરણ છે. જો હૃદયમાં કરુણા હોય તો જ એમાં અહિંસા જન્મે. કરુણા પ્રગટ થાય કે તરત જ હાથમાં રહેલાં શસ્ત્રો હેઠાં પડી જાય છે. જો આપણે ધાર્મિક હોઈએ તો મહેરબાની કરીને ખુદ પોતાને છેતરો નહીં. ધાર્મિક હોવા માટે અહિંસક હોવું જરૂરી છે. જે-જે અહિંસક છે એ જ ધાર્મિક છે. કરુણા આપણા જીવનમાં પ્રગટાવવી જ જોઈએ. એને પ્રગટવા માટે અનેક રસ્તા છે; પરંતુ જ્યાં સુધી કોઈ પ્રહાર ન કરે, હચમચાવી ન દે, હૃદયને દૂષિત કરી દે એવો કોઈ બનાવ ન બને ત્યાં સુધી કરુણા પ્રગટતી નથી. ધર્મ માટે અહિંસાનું ઘણું મહત્ત્વ છે. કહોને ધર્મ માટે અહિંસા અનિવાર્ય છે. અહિંસા વિનાનો ધર્મ હોય જ નહીં.


